5 પોઈન્ટમાં સમજો અફઘાનિસ્તાનમાં કેવું હશે તાલિબાન `રાજ`, શું મહિલાઓને મળશે તેનો હક, શું દેશમાં લાગૂ થશે કાયદાનું શાસન
તાલિબાનના પ્રવક્તા ઝબિનુલ્લા મુઝાહિદે પ્રેસ વાર્તામાં તાલિબાન શાસન વિશે માહિતી આપી હતી. આ દરમિયાન તેમણે પ્રયાસ કર્યો કે જનતાના મગજમાં તાલિબાનનો જે ડર છે તે દૂર થાય.
કાબુલઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબજો થઈ ગયો છે. દુનિયાના તમામ દેશોએ આ સત્યનો સ્વીકાર કરવાનું શરૂ કરી દીધું છે. કાબુલ પર પોતાના કબજા બાદ તાલિબાને પ્રથમવાર પત્રકાર પરિષદ કરી હતી. આ પ્રેસ વાર્તામાં તાલિબાને જે કહ્યું, તેનાથી ખ્યાલ આવે છે કે તેનું વલણ અને તેવર પહેલાથી બદલાયા છે. તેવામાં સવાલ ઉઠે છે કે શું તાલિબાને ખરેખર પોતાની કાર્ય પદ્ધતિ બદલી નાખી છે કે તે દુનિયાની સામે માત્ર દેખાડો કરી રહ્યું છે.
તાલિબાનના પ્રવક્તા ઝબિનુલ્લા મુઝાહિદે સ્પષ્ટ કરી તસવીર
તાલિબાનના પ્રવક્તા ઝબિનુલ્લા મુઝાહિદે પ્રેસ વાર્તામાં તાલિબાન શાસન વિશે માહિતી આપી હતી. આ દરમિયાન તેમણે પ્રયાસ કર્યો કે જનતાના મગજમાં તાલિબાનનો જે ડર છે તે દૂર થાય. પ્રેસ વાર્તામાં તેમણે અનેક વચનો આપ્યા હતા. તેમણે સત્તામાં મહિલાઓની ભૂમિકાથી લઈને આતંકીઓ સુધીનો ઉલ્લેખ કર્યો છે. પ્રવક્તાએ કહ્યુ કે, અફઘાનિસ્તાનમાં કોઈ વિદેશી દૂતાવાસોને નુકસાન પહોંચાડવામાં આવશે નહીં. આ સાથે તેમણે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે તાલિબાનનો કેવો સંબંધ હશે. એટલું જ નહીં તેમણે મીડિયા માટે બનાવેલા નિયમોની પણ જાણકારી આપી હતી. આવો પાંચ પોઈન્ટમાં સમજીએ તાલિબાનના રાજ વિશે..
આ પણ વાંચોઃ સ્કર્ટથી કઈ રીતે બુરખામાં પહોંચી ગઈ અફઘાની મહિલાઓ, વાયરલ થઈ રહી છે તસવીરો
તાલિબાનના શાસનનું કેવું હશે સ્વરૂપ
1. અફઘાનિસ્તાનમાં મહિલાઓની આઝાદી પર તેમણે કહ્યું કે શરિયા કાયદા હેઠળ તે સ્વતંત્ર હશે. શરિયા કાયદા પ્રમાણે તેને આઝાદી અને અધિકાર આપવામાં આવશે. તેમણે કહ્યું કે, મહિલાઓ સ્વાસ્થ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં કામ કરવા માટે સ્વતંત્ર હશે. આપહેલાના તાલિબાન શાસનમાં મહિલાઓ માટે કોઈ અધિકાર નહોતા.
2. પ્રવક્તાએ ભાર આપીને કહ્યું કે, કોઈ આતંકવાદી સંગઠનને અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, અમારી ધરતીનો ઉપયોગ કોઈપણ દેશ વિરુદ્ધ ષડયંત્ર રચવા કે હુમલા માટે કરવા દેવામાં આવશે નહીં. મહત્વનું છે કે અફઘાનિસ્તાનની સરહદ સાથે જોડાયેલા ભારત સહિત વિશ્વના ઘણા દેશોને તે ભય છે કે તાલિબાનના અસ્તિત્વ બાદ સરહદ પર આતંકીઓ ઉભા થઈ શકે છે.
3. પ્રવક્તાએ કહ્યું કે, અફઘાન સૈનિકોની સાથે કે અફઘાન સરકારના સભ્યો સાથે બદલો લેવામાં આવશે નહીં. તાલિબાન શાસન તેને માફ કરે છે. તેણે કહ્યું કે, કોઈ દૂતાવાસ કે સંસ્થાને નુકસાન પહોંચાડવામાં આવશે નહીં. તેની સુરક્ષા કરવામાં આવશે. અફઘાનિસ્તાનમાં કોઈ કોઈનું અપહરણ કરશે નહીં.
આ પણ વાંચોઃ અફઘાનિસ્તાન છોડ્યા બાદ ક્યાં છે અશરફ ગની, સામે આવી મોટી જાણકારી
4. દેશમાં મીડિયાની આઝાદી પર તેણે કહ્યું કે, મીડિયાને સ્વતંત્ર રૂપથી કામ કરવાની આઝાદી હશે. પ્રવક્તાએ કહ્યું કે, દેશમાં કામ કરનાર પત્રકારોએ અફઘાનિસ્તાનના મૂલ્યોનું ધ્યાન રાખવું પડશે. પરંતુ મીડિયામાં મહિલાઓના પ્રવેશ પર તે મૌન રહ્યા. આ પૂર્વના તાલિબાન શાસનમાં મીડિયાને કોઈ પ્રકારની આઝાદી નહોતી.
5. દેશની અર્થવ્યવસ્થામાં સુધાર આવશે. લોકોના જીવન સ્તરમાં સુધાર કરવામાં આવશે. તાલિબાનની પ્રથમ પ્રાથમિકતા કાયદો વ્યવસ્થા લાગૂ કરવાની છે, જેથી દેશમાં શાંતિ અને સ્થિરતા યથાવત રહે. નાગરિકોને વિશ્વાસ અપાવવામાં આવ્યો કે તેને કોઈ નુકસાન પહોંચાડવામાં આવશે નહીં. પ્રવક્તાએ ભાર આપીનેક હ્યુ કે, અશરફ ગનીની સરકાર કોઈને સુરક્ષા પ્રદાન કરી શકી નહીં, પરંતુ તાલિબાન બધાને સુરક્ષા આપશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube