કુઆલાલમ્પુર: મલેશિયાએ વિવાદાસ્પદ ધર્મ ઉપદેશક ઝાકિર નાઈકને ભારત પ્રત્યાર્પિત કરવાની ના પાડી દેતા ભારત માટે મોટો આંચકો છે. મલેશિયાની સરકારે નાઈકના પ્રત્યાર્પણની ના પાડી દીધી. મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદે આજે કહ્યું કે નાઈકને ભારત મોકલવામાં આવશે નહીં. અત્રે જણાવવાનું કે ઝાકિર નાઈક લાંબા સમયથી મલેશિયામાં શરણ લઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મલેશિયાના પીએમએ જણાવ્યું કે જ્યાં સુધી નાઈક અમારા દેશમાં કોઈ સમસ્યા ઊભી ન કરતે ત્યાં સુધી અમે તેને પ્રત્યાર્પિત કરશું નહીં કારણ કે ઝાકિરને મલેશિયાનું નાગરિકત્વ પ્રાપ્ત છે. ભારત અને મલેશિયા વચ્ચે આતંકવાદને પહોંચી વળવાને લઈને વધતા સહયોગ હોવા છતાં નાઈક મલેશિયામાં શરણ મેળવવામાં સફળ રહ્યો હતો. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 31મી મેના મલેશિયા પ્રવાસ બાદ નાઈકની મુશ્કેલીઓ વધી ગઈ હતી. મલેશિયાના વડાપ્રધાને પણ સ્પષ્ટ કરી દીધુ હતું કે તેઓ નાઈકને પાછો ભારત મોકલશે. આ અગાઉ જો કે નાઈકે અનેકવાર ભારત પાછા ફરવાનો ઈન્કાર કરી દીધો હતો. 



ડોક્ટર તરીકે કેરિયર શરૂ કરનાર નાઈક 1990ના દાયકામાં ટેલિવિઝન પર ઉપદેશ આપવા લાગ્યો હતો. જો કે ત્યારબાદ બ્રિટન, અને કેનેડા સહિત કેટલાક પશ્ચિમ દેશો અને બાંગ્લાદેશની શેખ હસીના સરકારે તેના વિવાદાસ્પદ ભાષણોના પગલે તેની એન્ટ્રી પર પોતાના ત્યાં રોક લગાવી હતી. બાંગ્લાદેશ પોતાના ત્યાં હાલમાં થયેલા સૌથી મોટા આતંકવાદી હુમલા માટે નાઈકને જવાબદાર ગણે છે. આ હુમલો 2016માં ઢાંકામાં થયો હતો.