મિશેલ બેશલેટઃ તમામ યાતનાઓ સહન કરીને બન્યાં સંયુક્ત રાષ્ટ્રનાં નવાં માનવાધિકાર પ્રમુખ
1079માં ચિલીથી પાછા ફર્યા બાદ બેશલેટનું કદ સોશિયલિસ્ટ પાર્ટીમાં વધતું ગયું અને એક દિવસ રાષ્ટ્રપતિ રિકાર્ડો લાગોસની સરકારમાં લેટિન અમેરિકન દેશની તેઓ પ્રથમ મહિલા સંરક્ષણ મંત્રી બન્યાં
સેન્ટિયાગોઃ ચિલીનાં પૂર્વ રાષ્ટ્રપતિ મિશેલ બેશલેટ જ્યારે 23 વર્ષનાં હતાં ત્યારે તેમને અને તેમનાં પરિવારના અનેક યાતનાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમણે દેશનિકાલ પણ ભોગવવો પડ્યો હતો. હવે ચાર દાયકા કરતાં પણ વધુ સમય બાદ તેઓ સંયુક્ત રાષ્ટ્રનાં નવાં માનવાધિકાર પ્રમુખ તરીકે કામકાજ સંભાળશે.
66 વર્ષનાં બેશલેને તેમનાં ભાષણો દરમિયાન હંમેશાં સ્મિત આપતાં, મૃદુતાથી વાતચીત કરતા કે મજાક-મસ્તી કરતા જોઈ શકાય છે. જોકે, તેમના હાસ્યબોધ પાછળ એ ક્રૂર સરમુખત્યાર શાસનની કાળજું કંપાવનારી યાદો છે, જેણે તેમનાં પરિવારને વેર-વિખેર કરી નાખ્યોહતો.
બેશલેટના પિતા જનરલ અલબર્ટો વાયુસેનાના અધિકારી હતી. 1974માં જેલમાં કેટલાક મહિનાઓ સુધી યાતનાઓ સહન કર્યા બાદ તેમનું મોત થઈ ગયું. જનરલ અગસ્તો પિનોશેટની સેનાએ તેમને 1973ના સૈનિક વિદ્રોહનો વિરોધ કરવા બદલ દેશદ્રોહી ઠેરવ્યા હતા. એ વિદ્રોહમાં રાષ્ટ્રપતિ સલ્વાડોર અલેન્ડને પદ છોડવું પડ્યું હતું.
બેશલેટને પણ 1975માં તેમની માતા સાથે ધરપકડ કરાયાં હતાં. તેઓ સોશિયલિસ્ટ પાર્ટીનાં યુવાન મેમ્બર હતાં. તેમણે ગુપ્ત જેલમાં જે સમય પસાર કર્યો છે તે એટલો કષ્ટવાળો અને અગ્નિપરીક્ષા જેવો હતો કે તેઓ તેના અંગે વાત પણ કરવા માગતા નથી. તેમણે પોતાની આત્મકથામાં માત્ર એટલું જ લખ્યું છે કે, તેમણે શારીરિક અત્યાચાર સહન કર્યા છે.
પારિવારિક રાજકીય સંપર્કનો ઉપયોગ કરીને તેઓ ઓસ્ટ્રેલિયા અને પૂર્વ જર્મનીમાં દેશનિકાલની સજામાં પહોંચી ગયાં. 1979માં ચિલી પાછા ફર્યા બાદ બેશલેટનું સોશિયલિસ્ટ પાર્ટીમાં કદ વધતું ગયું અને એક દિવસ તેઓ રાષ્ટ્રપતિ રિકાર્ડો લાગોસની સરકારમાં આ લેટિન અમેરિકન દેશનાં પ્રથમ સંરક્ષણ મંત્રી બની ગયાં. તેઓ આટલે જ અટક્યાં નહીં, 2006માં તેઓ દેશનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયાં.