મોત ભાળીને ભાગી રહેલા લોકોને રસ્તામાં જ મોત મળી ગયું, 91 લોકોનાં મોત, 30 લોકો ગુમ
Mozambique coast: પૂર્વ દક્ષિણ આફ્રિકાના મોઝામ્બિકમાં એક હૈયું હચમચાવી દેતી ઘટના બની જેમાં મોત ભાળીને ભાગી રહેલા લોકોને રસ્તામાં જ મોત મળી ગયું. કોલેરાથી બચવા ગેરકાયદે નીકળેલા લોકોની બોટ મધદરિયે જ પલટી જતાં અનેક લોકોને પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો છે. ત્યારે મોઝામ્બિક શહેરનો શું છે આખો મામલો અને કેમ ઘર છોડીને ભાગી રહ્યા હતા લોકો.. જોઈએ આ રિપોર્ટમાં...
mozambique boat accident: પૂર્વ આફ્રિફાના દેશ મોઝામ્બિકમાં એક હૈયુ હચમચાવી દે તેવી દુર્ઘટના બની. અહીંના લોકોના માથે યમરામ રૂપી મહામારી તાંડવ કરી રહી હતી. કેમ કે અહીં ફેલાયેલા કોલેરાના કારણે લોકો ટપોટપ મરી રહ્યા છે. જેથી પોતાનો જીવ બચાવવા માટે મોઝામ્બિકના નામપુલા પ્રાંતના લુંગા શહેરથી મોઝામ્બિકના મુખ્ય ટાપુ પર જવા માટે લોકો ગેરકાયદે રીતે ફિશિંગ બોટ પર નીકળી પડ્યાં. પરંતુ આ લોકોને ક્યાં ખબર હતી કે કોલેરાથી જીવ બચાવવાના પ્રયાસમાં તેમને રસ્તામાં જ મોત મળી જશે.
બ્રિટિશ મીડિયાના જણાવ્યા અનુસાર કોલેરાના ડરથી અંદાજે 130ની આસપાસ લોકો ફિશિંગ બોટમાં ગેરકાયદે સવાર થઈને નીકળી પડ્યા હતા પરંતુ આ બોટની ક્ષમતા આટલા લોકોને બેસાડવાની છે જ નહીં. જેના કારણે મોઝામ્બિકના નામપુલા પ્રાંતના લુંગા શહેરથી મોઝામ્બિકના મુખ્ય ટાપુ તરફ જઈ રહેલી આ ફિશિંગ બોટ રસ્તા વચ્ચે જ દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ, અને તેમાં સવાર તમામ 130 જેટલા લોકો મધદરિયે જ દરિયામાં ડૂબી ગયા.
ઘટનાની જાણ થતાં જ દરિયામાં રહેલા અન્ય જહાજના ચાલકોએ લોકોને બચાવવાના પ્રયાસ કર્યા, પરંતુ તેમને જોઈએ તેટલી સફળતા હાથ ન લાગી. એટલે આ દુર્ઘટનામાં માત્ર 5 જેટલા લોકોને જ બચાવી શકાયા, જ્યારે 90થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. બાકીના એવા લોકો છે જેમનો દરિયામાં કોઈ પત્તો લાગ્યો નથી. આ બોટમાં ઘણા બાળકો પણ સવાર હતા. જેથી મૃત્યુઆંક હજુપણ વધવાની પુરી શક્યતા છે.
પૂર્વ દક્ષિણી આફ્રિકાનો દેશ મોઝામ્બિક અને મેડાગાસ્કર હાલ કોલેરોની મહામારીનો સામનો કરી રહ્યા છે. એક વર્ષ પહેલાં આ બંને દેશ પર ફ્રેડી નામના ચક્રવાતે પોતાનું તાંડવ કર્યુ હતુ. જેમાં ચક્રવાત બાદ બંને દેશના અનેક પ્રાંતો પાણીથી જળમગ્ન થયા હતા. જેમાં અંદાજે 10 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હતા. 1 લાખ 32 હજારથી વધુ ઘર નષ્ટ થયા, તો 6 લાખ 40 હજાર લોકોને સ્થળાંતરિત કરવાની ફરજ પડી હતી. જ્યારે 1 હજારથી વધુ સ્કૂલો તૂટી પડી હતી.
મોઝામ્બિકમાં આવેલા ચક્રવાતને 1 વર્ષ જેટલો સમય વીતી ચુક્યો છે, છતાં મોઝામ્બિક દેશ હજુ સુધી તેમાંથી બહાર આવી શક્ચો નથી. કેમ કે ફ્રેડી વાવાઝોડા બાદ આવેલા પૂરના કારણે મોઝામ્બિક સહિત પૂર્વ દક્ષિણ આફ્રિકાના અનેક દેશોમાં કોલેરા મહામારી ફાટી ચુકી છે. આ મહામારી એટલે હદે વધી ગઈ છે કે WHOએ પણ અન્ય દેશોને આ મહામારીથી લોકોને બચાવવા અપીલ કરી છે. મોઝામ્બિકમાં કોલેરાની મહામારી કાબૂ બહાર નીકળી ગઈ હોવાથી લોકો પોતાનો જીવ બચાવવા આમથી તેમ ભાગવા મજબૂર થયા છે.
14 જૂન, 2023ના રોજ નાઈજીરિયામાં પણ આવી ઘટના બની હતી. નાઇજીરિયાના ક્વારામાં નાઇજર નદીમાં એક બોટ ડૂબી ગઈ હતી. આ દુર્ઘટનામાં 103 લોકોના મોત થયા હતા, જ્યારે 97 લોકો ગુમ થયા હતા. તેમજ, 100 લોકોનો બચાવ થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બોટમાં 300 લોકો સવાર હતા. ટ્યુનિશિયાથી ઈટાલી જઈ રહેલા પ્રવાસીઓની 2 બોટ ડૂબી ગઈ. 7 ઓગસ્ટ, 2023ના રોજ ઇટાલીના લેમ્પેડુસા આઇલેન્ડ નજીક પ્રવાસીઓની બે બોટ ડૂબી ગઈ હતી. આમાં બે લોકોના મોત થયા છે, જ્યારે 30 લોકો ગુમ થયા હતા. મૃતકોમાં એક મહિલા અને તેની એક વર્ષની પુત્રી પણ હતી.
17 ડિસેમ્બર, 2023ના રોજ લિબિયાથી યુરોપ જતી બોટ ડૂબી ગઈ હતી. બોટમાં સવાર 60થી વધુ પ્રવાસીઓ લિબિયા નજીક ડૂબી ગયા. આ બોટ દરિયાના જોરદાર મોજાં સામે પલટી ગઈ હતી. આ બોટમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતાં. આ બોટ 86 લોકો સાથે લિબિયાના જ્વારા પોર્ટથી યુરોપ જવા રવાના થઈ હતી. 14 જૂન 2024ના રોજ ગ્રીસના દરિયાકાંઠે બોટ ડૂબી ગઈ. બોટ ડૂબી જવાથી લગભગ 500 લોકોના મોતની આશંકા છે. અત્યાર સુધીમાં 79 મૃતદેહો મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ, બોટ લિબિયાથી ઈટાલી જઈ રહી હતી. બોટમાં 700 થી 750 લોકો સવાર હતા. જેમાંથી માત્ર 104 લોકોને જ બચાવી શકાયા હતા.
મોઝામ્બિકમાં પણ આવી જ ઘટના બની, જેમાં રવિવાર મોડી રાત્રે બનેલી દૂર્ઘટનામાં લોકો કોલેરાથી બચવા માટે મોઝામ્બિકના નામપુલા પ્રાંતના લુંગા શહેરથી મોઝામ્બિકના મુખ્ય ટાપુ પર જઈ રહ્યા હતા. જેથી તેમને યોગ્ય સારવાર મળે, પરંતુ આ લોકોને ક્યાં ખબર હતી કે જે યમરાજથી બચવા માટે તેઓ અન્ય ટાપુ પર જઈ રહ્યા છે, ત્યાં વચ્ચે જ યમરાજ તેમની રાહ જોઈ રહ્યા છે.