પાકિસ્તાન: ઈમરાનની આંધી પણ આ 3 હિન્દુ ઉમેદવારોનું કશું બગાડી શકી નહીં, મળી ભવ્ય જીત
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના 3 હિન્દુ ઉમેદવારો સિંધ પ્રાંતના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાંથી ચૂંટાઈ આવ્યાં છે.
કરાંચી: પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના 3 હિન્દુ ઉમેદવારો સિંધ પ્રાંતના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાંથી ચૂંટાઈ આવ્યાં છે. ડેઈલી ટાઈમ્સના રિપોર્ટ મુજબ નેશનલ એસેમ્બલીની થારપારકર (એનએ-222) બેઠક પરથી મહેશ મલાની જીત્યા છે. જ્યારે પ્રાંતીય એસેમ્બલીની પીએસ-147 અને પીએસ-81થી ક્રમશ: હરિ રામ ક્શિવરીલાલ અને જમશોરો જ્ઞાનમૂળ ઉર્ફે જ્ઞાન ચંદ ઈસરાની જીત્યા છે. આ ત્રણેય ઉમેદવાર દેશના ઈતિહાસમાં પહેલીવાર સામાન્ય બેઠકો પરથી જીત્યા છે. મલાનીને 1,06,630 મતો જ્યારે તેમના હરિફ ઉમેદવાર અરબાબ જકાઉલ્લાહને 87,261 મતો મળ્યા હતાં.
થારના રણની વસ્તીમાં હિંદુઓની સંખ્યા 49 ટકા છે
થારના રણની વસ્તીમાં હિન્દુઓની જનસંખ્યા 49 ટકા છે. અખબારના અહેવાલ મુજબ કિશ્વરીલાલ મીરપુરખાસ જિલ્લામાંથી જીત્યા છે જ્યાં લગભગ 15 લાખની વસ્તીમાં 23 ટકા હિન્દુઓ છે. તેમને પૂર્વ રાષ્ટ્રપતિ અને પીપીપીના સહ અધ્યક્ષ આસિફ અલી જરદારીના ખાસ મિત્ર ગણવામાં આવે છે.
મુત્તાહિદા કૌમી મૂવમેન્ટના મુઝબ ઉલ હકને 23,506 મત મળ્યા
તેમને 33,201 મતો મળ્યાં જ્યારે તેના હરિફ મુત્તાહિદા કૌમી મૂવમેન્ટના મુજીબ ઉલ હકને 23,506 મત મળ્યાં. અસરાની સિંધના જામશોરો જિલ્લામાં કોહિસ્તાન વિસ્તારના થાના બોલા ખાન સાથે ઘરોબો ધરાવે છે. તેમને 34,927 મતો મળ્યાં જ્યારે તેમના વિરોધી ઉમેદવાર મલિક ચંગેઝ ખાનને 26,975 મતો મળ્યાં.
પાકિસ્તાન હિન્દુ મહાસભાના અધ્યક્ષ ડો.ગોવિંદ રામે કહ્યું કે સામાન્ય બેઠકો પથી હિન્દુ ઉમેદવારોનું નામાંકન એક સારો વિચાર હતો. પાકિસ્તાનમાં હિન્દુઓ સૌથી વધુ અલ્પસંખ્યક સમુદાય છે. અધિકૃત જાણકારી મુજબ પાકિસ્તાનમાં 75 લાખ હિન્દુઓ રહે છે. જ્યારે સમુદાય કહે છે કે દેશમાં હિન્દુઓની સંખ્યા 90 લાખથી વધુ છે.