Nepal Plane Crash: નેપાળના ત્રિભુવન એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન પ્લેન ક્રેશ, 18 લોકોના મોત
Plane Crashed In Nepal: આ પ્લેનમાં 19 મુસાફરો સવાર હતા જેમાંથી માત્ર પાઈલટનો બચાવ થયો છે. નેપાળ પોલીસે જણાવ્યાં મુજબ 18 મૃતદેહો મળી આવ્યા છે. પ્લેનમાં કુલ 19 લોકો સવાર હતા. જેમાંથી માત્ર પાઈલટનો બચાવ થવા પામ્યો છે અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
નેપાળમાં કાઠમંડુમાં ત્રિભુવન એરપોર્ટ પર ટેક ઓફ દરમિયાન એક મુસાફર વિમાન ક્રેશ થઈ ગયું. સૌર્ય એરલાઈન્સના આ વિમાનમાં ક્રુ સહિત 19 લોકો સવાર હતા. ધ કાઠમંડુ પોસ્ટના એક રિપોર્ટ મુજબ ક્રેશ સાઈટ પરથી 18 મૃતદેહો મળી આવ્યા છે. ટીઆઈએના પ્રવક્તાએ જણાવ્યું કે આ દુર્ઘટના પોખરા જતા વિમાનના ઉડાણ ભરવા દરમિયાન રનવેથી બહાર નીકળી જવાના કારણે ઘટી. કેપ્ટન એમઆર શાક્યને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
એવું કહેવાય છે કે આ પ્લેન કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું. પ્લેન સૌર્ય એરલાઈન્સનું વિમાન નંબર 9N AME (CRJ 200) હતું. અકસ્માત બાદ પ્લેનની આગળથી આગના ગોળા પણ નીકળતા જોવા મળ્યા. કાઠમંડુ એરપોર્ટ પર ઘટેલી આ દુખદ ઘટના બાદ રાહત અને બચાવ દળની ટીમ ઘટનાસ્થળે હાજર છે. રેસ્ક્યૂ ટીમે પ્લેનની આગળની આગ બુઝાવી દીધી છે. 18 મૃતદેહ મળી આવ્યા છે અને પાઈલેટનો ચમત્કારિક બચાવ થયો છે જે હાલ સારવાર હેઠળ છે.
સોશિયલ મીડિયા પર અકસ્માતની વાયરલ તસવીરોમાં એરપોર્ટ પર કાળા ધૂમાડાના ગોટેગોટા જોવા મળે છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે વિમાન રનવેના દક્ષિણ છેડે (કોટેશ્વર તરફ)થી ઉડાણ ભરી રહ્યું હતું અને અચાનક નીચેની તરફ આવવા લાગ્યું અને પાંખ જમીન સાથે અથડાઈ. પ્લેનમાં તરત આગ લાગી ગઈ. ત્યારબાદ તે રનવેના પૂર્વ ભાગમાં બુદ્ધ એર હેંગર અને રડાર સ્ટેશન વચ્ચે ખાઈમાં જઈ પડ્યું.
મીડિયા રિપોર્ટ મુજબ સૌર્ય એરલાઈન્સે જણાવ્યું છે કે આ વિમાન બોમ્બાર્ડિયર CRJ 200 ER હતું. જેનો રજિસ્ટ્રેશન નંબર 9N-AME અને 7772 હતો. આ વિમાન 2003માં બનેલું હતું. મરમ્મત કાર્ય માટે જઈ રહ્યું હતું. અકસ્માત પહેલા વિમાનમાં જેટલા પણ લોકો બેઠા હતા તેઓ તમામ સૌર્ય એરલાઈન્સના સ્ટાફ મેમ્બર્સ હતા. ઓગસ્ટ 2017થી આ કંપની નેપાળના સાત ડેસ્ટિનેશનમાં ઉડાણ સેવા આપે છે. આ જગ્યાઓના નામ છે ભદ્રપુર, બિરતનગર, ધનગઢી, કાઠમંડુ, નેપાળગંજ, પોખરા અને સિદ્ધાર્થનગર. દુર્ઘટનાગ્રસ્ત થયેલું વિમાન 50 સીટરનું આવે છે. જેમાં 50 મુસાફરો યાત્રા કરી શકે છે. તે જોવામાં CRJ100 જેવું જ લાગે છે.
જો કે આ જૂનાવાળા વર્ઝનથી અપગ્રેડેડ વર્ઝન છે. બોમ્બાર્ડિયરના વિમાનોનો અકસ્માતભર્યો ઈતિહાસ રહ્યો છે. 26 જુલાઈ 2003થી લઈને 2016 સુધીમાં 14 મોટા અકસ્માત થઈ ચૂક્યા છે. 14 નવેમ્બર 2004માં ચીમાં આ મોડલનું પ્લેન અકસ્માતગ્રસ્ત થયું હતું. ઘટના ઈનર મંગોલિયાની છે. ત્યારે 53 લોકો માર્યા ગયા હતા. આવો જ એક અકસ્માત 2006માં કેન્ટકીમાં થયો હતો. જ્યાં 49 લોકો માર્યા ગયા હતા. આ વિમાનમાં બે કોકપિટ ક્રુ હોય છે.