કાઠમંડૂ: નેપાળમાં બારી વગરની ઝૂંપડીમાં રહેવાથી દમ ઘૂંટી જવાના કારણે 35 વર્ષની મહિલા અને તેના બે પુત્રોના મત થવાનો અરેરાટીભર્યો બનાવ સામે આવતા ચકચાર મચી છે. મહિલા એક પ્રથાના કારણે આ ઝૂંપડીમાં રહેતી હતી. માસિક દરમિયાન મહિલાને જે રીતે અછૂત અને ઓરમાયું વર્તન કરાય છે તેણે મહિલા અને બે બાળકોનો જીવ લીધો. મહિલાઓને અલગ સ્થાન પર રહેવા માટે બળજબરી કરાય છે. કાઠમંડૂ પોસ્ટના એક અહેવાલ મુજબ આ ઘટના નેપાળના બાજુરા જિલ્લાની છે જ્યાં માસિક દરમિયાન ચોથા દિવસે અંબા બોહરાએ મંગળવારે રાતે પોતાના નવ વર્ષ અને 12 વર્ષના પુત્રો  સાથે ભોજન કર્યું અને ત્યારબાદ ઝૂંપડીમાં સૂવા માટે જતી રહી. ઝૂંપડીને ગરમ રાખવા માટે આગ પ્રગટાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહેવાલ મુજબ ઝૂંપડીમાં ન તો બારી હતી કે ન હવા આરપાર થવા માટે કોઈ વ્યવસ્થા હતી. બીજા દિવસે સવારે જ્યારે અંબાની સાસુએ ઝૂંપડી ખોલી તો ત્રણેય મૃત અવસ્થામાં મળ્યાં. આગ લાગવાથી શ્વાસ રૂંધાવવાના કારણે તેમનું મોત થયું હતું. એક ગ્રામીણના હવાલે અહેવાલમાં ટાંકવામાં આવ્યું કે જ્યારે તેઓ સૂઈ રહ્યાં હતાં ત્યારે ધાબળામાં આગ લાગી અને ત્યારબાદ ધુમાડાના કારણે દમ ઘૂટવાથી માતા અને બાળકોના મોત થયા હશે. 


મુખ્ય જિલ્લા અધિકારી ચેતરાજ બરાલે જણાવ્યું કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે. આ મામલાની તપાસ માટે જિલ્લા પોલીસ પ્રમુખ સહિત એક ટુકડી ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. નેપાળમાં અનેક સમુદાય પરંપરાના નામે માસિક વખતે મહિલાઓને અપવિત્ર ગણે છે અને તેમને મહિનામાં એકવાર માસિક દરમિયાન પરિવારથી દૂર ઝૂંપડીઓમાં રહેવા માટે મજબુર કરવામાં આવે છે. આ પ્રથા પર પ્રતિબંધ લગાવામાં આવવા છતાં હજુ તે ચલણમાં છે. ભારતમાં પણ આ રીતે મહિલાઓને સહન કરવું પડતું હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...