કોલંબોઃ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મિથરિપાલા સિરીસેનાએ બુધવારે તેમની હત્યાનું કાવતરું ઘડાયું હોવાના આરોપોને અફવા જણાવીને નકારી કાઢ્યા હતા. શ્રીલંકાના રાષ્ટ્રપતિએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી અને જણાવ્યું કે, રો દ્વારા તેમની હત્યાનું કાવતરૂં ઘડાયું હોવાના અહેવાલો ખોટા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીલંકાના મીડિયામાં એવા અહેવાલો પ્રકાશિત થયા હતા કે રાષ્ટ્રપતિ સિરીસેનાએ તેમની કેબિનેટની સાપ્તાહિક મીટિંગમાં એવો આક્ષેપ કર્યો હતો કે, ભારત તેમની હત્યાનું કાવતરૂં ઘડી રહ્યું છે. 


સમાચાર એજન્સી ANI મુજબ, સિરીસેનાએ આ બાબતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સીધો ફોન કર્યો હતો અને આ અહેવાલો ખોટા હોવાનું જણાવ્યું હતું. તેમણે પીએમ મોદીને તેમના અને શ્રીલંકાની સરકાર દ્વારા ખોટા અહેવાલોને વખોડી કાઢવા અંગે લીધેલાં ત્વરિત પગલાંની જાણ કરી હતી અને મોદીને પોતાના ખાસ મિત્ર જણાવ્યા હતા. 


સિરીસેનાએ બુધવારે સવારે ભારતના રાજદૂત સાથે પણ એક બેઠક કરીને આ બાબતે સ્પષ્ટતા કરી હતી. 



રાષ્ટ્રપતિ સિરીસેનાએ વધુમાં જણાવ્યું કે, વડા પ્રધાન મોદી શ્રીલંકાના સારા મિત્ર છે અને તેમના પણ અંગત મિત્ર છે. ભારત અને શ્રીલંકા વચ્ચે જે દ્વિપક્ષીય સંબંધો છે તેનું ઘણું જ મહત્ત્વ છે અને પીએમ મોદી સાથે આ સંબંધોને વધુ ગાઢ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 


વડા પ્રધાન મોદીએ પણ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને તેમની સરકાર દ્વારા આ પ્રકારના ખોટા અહેવાલો અંગે લેવાયેલાં પગલાંની પ્રશંસા કરી હતી. મોદીએ જણાવ્યું કે, ભારતની 'પડોશી પહેલો'ની નીતિ પ્રાથમિક્તામાં રહેશે. 


આ અગાઉ શ્રીલંકાની સરકારના સલાહકાર અને કો-ઓર્ડિનેટિંગ સેક્રેટરી શીરલ લકથિલકાએ પણ આ મુદ્દે ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, 'રાષ્ટ્રપતિએ ગુપ્તચર એજન્સીઓ દ્વારા નેતાઓની હત્યાનાં કાવતરા અંગેની વાત સામાન્ય ધોરણે કરવામાં આવી હતી. આવું અમેરિકામાં પણ થતું હોય છે એમ જણાવ્યું હતું અને એમ પણ કહ્યું હતું કે, વડા પ્રધાન મોદી પણ આ અંગે વાકેફ હશે. તેમની વાતમાં ભારતની ગુપ્તચર સંસ્થા રો અંગે કોઈ ઉલ્લેખ ન હતો.'


શ્રીલંકાના વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે થોડા સમયમાં જ નવી દિલ્હીની મુલાકાત લેવાના છે ત્યારે મીડિયામાં આવેલા આ અહેવાલોએ ભારતે ચર્ચાનું સ્વરૂપ ધારણ કર્યું હતું.