ઇસ્લામાબાદઃ પાકિસ્તાન સરકાર અને વિપક્ષ મંગળવારે 25 જુલાઈએ યોજાયેલી ચૂંટણીમાં થયેલી કથિત છેડછાડની ઘટનાઓની તપાસ સંસદીય સમિતિ પાસે કરાવવા માટે સહમત થયા હતા. આ ચૂંટણીમાં ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટી સૌથી મોટો પક્ષ બનીને ઉભરી હતી. પકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન), પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) અને મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ-પાકિસ્તાન જેવા મુખ્ય રાજકીય પક્ષોએ આરોપ લગાવ્યો હતો કે વિભિન્ન મતદાન કેન્દ્રો પર નખાયેલા મતોને પોલિંગ એજન્ટોને બહાર કાઢ્યા બાદ બદલી દેવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાન ચૂંટણી પંચ (ઈસીપી)એ આ દાવાને નકાર્યા હતા. એક્સપ્રેસ ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે નેશનલ એસેમ્બલી એટલે કે નિચલા ગૃહમાં મંગળવારે સંસદીય સમિતિની રચના કરવાની મંજૂરી આપવામાં આવી જે 25 જૂલાઈએ યોજાયેલી ચૂંટણીમાં કથિત રીતે થયેલી છેડછાડની તપાસ કરશે. કહેવામાં આવે છે કે ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ)ને સેનાના સમર્થન હાસિલ હતુ અને તેણે 25 જુલાઈએ યોજાયેલી ચૂંટણીમાં સૌથી વધુ 116 સીટો જીતી હતી. 


342 સભ્યોની રાષ્ટ્રીય એસેમ્બલીમાં નવ અપક્ષના સમર્થન બાદ પાર્ટી સાંસદોની સંખ્યા 125 થઈ ગઈ અને મહિલાઓ માટે અનામત 60 સીટોમાંથી 28 સીટો અને અલ્પસંખ્યકો માટે અનામત 10 સીટોમાંથી પાંચ સીટો ફાળવ્યા બાદ તેની પાર્ટીના સાંસદોની કુલ સંખ્યા 158 સુધી પહોંચી ગઈ છે. 


બજેટ સંશોધનોને મંજૂરી માટે બોલાવેલા રાષ્ટ્રીય એસેમ્બલીના સત્રમાં વિદેશ પ્રધાન શાહ અહમૂદ કુરૈશીએ પ્રસ્તાવ રજૂ કર્યો અને તેને સર્વસંમત્તિથી પારિત કરી દેવામાં આવ્યો હતો. તેમણે આશ્વાસન આપ્યું 'સરકાર અને વિપક્ષનું આ સમિતિમાં બરાબર પ્રતિનિધિત્વ હશે.' કુરેશીએ કહ્યું કે, વડાપ્રધાન ખાન સાથે ચર્ચા કર્યા બાદ સરકાર સમિતિના અધ્યક્ષની જાહેરાત કરશે. 


તેમણે કહ્યું કે, સમિતિમાં માત્ર નેશનલ એસેમ્બલીના સભ્યો હશે. ઉચ્ચ સદનના સભ્યોને તેમાં સામેલ કરવામાં આવશે નહીં. ઓગસ્ટમાં રાજકીય પક્ષોએ ઇસ્લામાબાદમાં પાકિસ્તાન ચૂંટણી આયોગ સમક્ષ અને દેશના અન્ય ભાગમાં પ્રદર્શન કર્યું હતું.