ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં 2 મહિના સુધી ચાલેલો ચૂંટણી પ્રચાર હવે પૂર્ણ થઈ ગયો છે અને ત્યાંની જનતા આવતીકાલે (25 જુલાઈ) દેશના નવા નેતૃત્વ માટે મતદાન કરશે. અત્યાર સુધીના સર્વેના આધાર પર પીટીઆઈ નેતા ઇમરાન ખાન સૌતી આગળ ચાલી રહ્યાં છે અને તેમને આગામી વડાપ્રધાનના રૂપમાં જોવામાં આવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 24 કલાક પાકિસ્તાનમાં મતદાન શરૂ થઈ જશે અને ભારત સહિત વિશ્વના ઘણા દેશોની નજર આ ચૂંટણી પર છે. 


પાકિસ્તાન-તહરીક-એ-ઇંસાફ (પીટીઆઈ)ના પ્રમુખ ઇમરાન ખાન આ ચૂંટણીને લઈને ખૂબ ઉત્સાહિત છે અને ચૂંટણી પ્રચાર પૂર્ણ થયાના 16 કલાક બાદ તેમણે ટ્વીટ કરીને પોતાના કાર્યકર્તાઓને આજે રાત્રે જલ્દી સુઈ જવા અને આગામી સવારે ફ્રેશ થઈને ઉઠવાનું કહ્યું છે. આ સાથે સાવચેત રહેવાનું પણ કહ્યું છે. 



પોતાના ટ્વીટમાં ઇમરાન ખાને કહ્યું કે, પાકિસ્તાનની જનતા આ ઐતિહાસિક ચૂંટણીમાં જરૂર ભાગ લે અને કાલે યોજાનારા મતદાનમાં સામેલ થાય. દેશમાં 4 દાયકા બાદ મોટા પરિવર્તનની તક છે. આ તકને ગુમાવતા નહીં. 


પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, આ ચૂંટણી માત્ર દેખાડો છે. તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વખતે પાકિસ્તાનમાં ઇલેક્શન નહીં માત્ર સિલેક્શન થવાનું છે. પાકિસ્તાનના નવા વડાપ્રધાનનું સિલેક્શન ચૂંટણીના માધ્યમથી જનતા નહીં પરંતુ પાકિસ્તાની સેના કરવા જઈ રહી છે. 



ઇમરાન ખાનને પાક સેનાના પસંદગીના ગણવામાં આવી રહ્યાં છે. થોડા દિવસ પહેલા પાકિસ્તાનના એક મોટા અંગ્રેજી અખબારના અધિકારીએ એક ઈન્ટરવ્યૂમાં આરોપ લગાવ્યો હતો કે પાક સેના ત્યાંની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી રહી છે અને ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઇમરાન ખાન અને તેની પાર્ટી પીટીઆઈનું સમર્થન કરી રહી છે. 


દેશની એક-બે ટીવી ચેનલોને છોડીને બાકી ચેનલોએ તો ઇમરાન ખાનને લગભગ વિજેતા જાહેર કરી દીધો છે. પરંતુ ઓપીનિયન પોલની તસ્વીર ઉલ્ટી થઈ છે અને તેના અનુસાર દેશની જનતા નવાઝ શરીફની પાર્ટીને ફરીવાર પાકિસ્તાનની સત્તા સોંપી રહી છે. 


વર્ષ 2013ની ચૂંટણીમાં ઇમરાનની પીટીઆઈ પાર્ટીને પ્રથમવાર કૌમી એસેમ્બલીમાં 32 સીટો મળી હતી અને નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એનને 166 સીટો મળી હતી.