Pakistan: સિયાલકોટમાં સેનાના ગોડાઉન પાસે મોટો વિસ્ફોટ, કેન્ટ વિસ્તારમાં સતત ધડાકાના અવાજ સંભળાયા
પાકિસ્તાનના સિયાલકોટના કેન્ટોમેન્ટ વિસ્તારમાં જોરદાર ધડાકો સંભળાયો. અહીં એક પછી એક મોટા વિસ્ફોટ થયા છે. જેના કારણે આર્મી બેસ પર આગ લાગી છે. આ ધડાકાથી પાકિસ્તાન હચમચી ગયું છે.
સિયાલકોટ: પાકિસ્તાનના સિયાલકોટના કેન્ટોમેન્ટ વિસ્તારમાં જોરદાર ધડાકો સંભળાયો. અહીં એક પછી એક મોટા વિસ્ફોટ થયા છે. જેના કારણે આર્મી બેસ પર આગ લાગી છે. આ ધડાકાથી પાકિસ્તાન હચમચી ગયું છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાનમાં આર્મી બેસને નિશાન બનાવવામાં આવ્યો છે. જો કે આ ધડાકા તેવી રીતે થયા તે અંગે હાલ કોઈ જાણકારી ઉપલબ્ધ નથી.
સિયાલકોટમાં અનેક મોટા ધડાકા
પાકિસ્તાનમાં તખ્તાપલટ વચ્ચે સિયાલકોટમાં આ ધડાકા થયા છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની ખુરશી જનાર છે એવું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે ધડાકા થવા એ ઈમરાન ખાન સરકારને મુશ્કેલીમાં નાખી શકે છે.
હાલમાં જ શિયા મસ્જિદમાં થયો હતો આત્મઘાતી હુમલો
અત્રે જણાવવાનું કે આ મહિને પેશાવરની શિયા મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં ઓછામાં ઓછા 64 લોકોના મોત થયા હતા. જ્યારે 200 લોકો ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી આતંકવાદી સમૂહ ઈસ્લામિક સ્ટેટ-ખુરાસને લીધી હતી. આ મામલે જવાબદાર 3 આતંકીઓનો ખાતમો પણ બોલાવવામાં આવ્યો હતો.
ઈમરાન ખાન પર વિપક્ષે વધાર્યું દબાણ
આ બાજુ ઈમરાન ખાન સરકાર પર બહુમત સાબિત કરવાનું દબાણ વિપક્ષ તરફથી બનાવવામાં આવી રહ્યું છે. વિપક્ષે 8 માર્ચના રોજ નેશનલ એસેમ્બલી સચિવાલયમાં અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરીને ઈમરાન સરકારને દેશમાં આર્થિક સંકટ અને મોંઘવારી વધારવા માટે જવાબદાર ઠેરવી. આ બધા વચ્ચે ઈમરાન સરકારના 24 સાંસદો પાર્ટી સાથે બળવો કરીને વિપક્ષમાં ભળ્યા હોવાના સમાચાર છે. જ્યારે વિપક્ષ સતત માગણી કરી રહ્યો છે કે 21 માર્ચના રોજ અવિશ્વાસના પ્રસ્તાવ અંગે સત્ર બોલાવવામાં આવે અને 28 માર્ચના રોજ અવિશ્વાસના પ્રસ્તાવ પર મતદાન થાય.
પરંતુ ઈમરાન ખાન સરકારને બચાવવા માટે ધમકીઓનો સહારો લઈ રહ્યા છે. સિંધ હાઉસમાં રહેલા અસંતુષ્ટ સાંસદોને લઈને ઈમરાન ખાનના સમર્થકોએ ખુબ હોબાળો કર્યો. જ્યારે ઈમરાન ખાનનું કહેવું છે કે જનતાનો ગુસ્સો આ સાંસદોને પાછા આવવા માટે મજબૂર કરી દેશે. ઈમરાન સમર્થકોના હંગામા મુદ્દે વિપક્ષે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. જેના પર સુપ્રીમ કોર્ટે બંને પક્ષોને સહયોગ કરવા જણાવ્યું છે.
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube