બાંગ્લાદેશ: ચૂંટણીમાં પ્રચંડ બહુમતથી જીત બદલ PM મોદીએ શેખ હસીનાને પાઠવ્યાં અભિનંદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશમાં પોતાના સમકક્ષ શેખ હસીનાને સંસદની ચૂંટણીમાં મળેલી શાનદાર જીત બદલ શુભેચ્છાઓ પાઠવી છે.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશમાં પોતાના સમકક્ષ શેખ હસીનાને સંસદની ચૂંટણીમાં મળેલી શાનદાર જીત બદલ શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદીએ આજે શેખ હસીના સાથે ફોન પર વાત કરી અને તેમને આગળ સારા કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી. પીએમ મોદીએ આ દરમિયાન શેખ હસીના સાથે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબુત કરવા માટેની વાત કરી. આ સાથે જ બાંગ્લાદેશના વિકાસ માટે પણ સંયુક્ત રીતે કામ કરવાનું આશ્વાસન આપ્યું.
પીએમ મોદી તરફથી મળેલી શુભકામનાઓ પર શેખ હસીનાએ તેમને ધન્યવાદ પાઠવ્યાં. જીત બાદ શેખ હસીનાને અભિનંદન પાઠવનારા પીએમ મોદી પહેલા વૈશ્વિક નેતા છે. શેખ હસીનાએ બાંગ્લાદેશના વિકાસમાં ભારત તરફથી મળી રહેલા પરસ્પર સહયોગ ઉપર પણ ધન્યવાદ પાઠવ્યાં. તેમણે પીએમ મોદી તરફથી સહયોગના ફેર આશ્વાસન બદલ પણ આભાર માન્યો.
બાંગ્લાદેશ: શેખ હસીનાની પાર્ટીએ વિરોધીઓના સૂપડાં સાફ કર્યાં, ચોથીવાર બનશે PM
અત્રે જણાવવાનું કે ચૂંટણી પંચ દ્વારા બહાર પડેલા તાજા રિપોર્ટ મુજબ હસીનાની આવામી લીગ પાર્ટીના નેતૃત્વવાળા ગઠબંધનને 300 બેઠકોમાંથી 267થી વધુ બેઠકો પર જીત મળી છે. ચૂંટણી પંચ મુજબ હસીનાના નેતૃત્વવાળા ગઠબંધનને પ્રચંડ બહુમતથી સંસદીય ચૂંટણીમાં જીત મળી છે. મુખ્ય વિપક્ષી ગઠબંધને ચૂંટણીને મજાક બતાવીને પરિણામો ફગાવ્યાં છે તથા નિષ્પક્ષ વચગાળાના સરકાર હેઠળ ફરીથી ચૂંટણી યોજવાની માગણી કરી છે. રવિવારે થયેલા મતદાન દરમિયાન હિંસા થઈ હતી જેમાં 18 લોકો માર્યા ગયા હતાં અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતાં.