પોપે જાતીય શોષણના આરોપો બાદ 2 બિશપને સસ્પેન્ડ કર્યા, કેથોલિક ચર્ચમાં સંકટ
પોપ ફ્રાન્સિસે સગીર વયના બાળકોના જાતીય શોષણના આરોપમાં ચિલીના 2 બિશપને ચર્ચમાં પાદરીના પદ પરથી દૂર કર્યા છે. પોપ અને ચિલીના રાષ્ટ્રપતિ વચ્ચેની મુલાકાત બાદ વેટિકને શનિવારે એક નિવેદનમાં આ માહિતી જાહેર કરી હતી
વેટિકન સિટીઃ પોપ ફ્રાન્સિસે સગીર વયના બાળકોના જાતીય શોષણના આરોપમાં ચિલીના બે બિશપને ચર્ચમાં પાદરીના પદ પરથી દૂર કર્યા છે. પોપ અને ચિલીના રાષ્ટ્રપતિ વચ્ચેની મુલાકાત બાદ વેટિકન દ્વારા શનિવારે આ અંગેની જાહેરાત કરાઈ હતી.
નિવેદનમાં જણાવ્યું છે કે, પૂર્વ આર્કબિશપ ફ્રાન્સિસ્કો જોસ કોક્સ હુનિયસ અને પૂર્વ બિશપ માર્કો એન્ટોનિયો ફર્નાન્ડિસને સસ્પેન્ડ કરવાના નિર્ણય વિરુદ્ધ અપલી કરી શકાશે નહીં. બંનેને "સગીર વયના બાળકોનું જાતીય શોષણ કરવાના કૃત્યોના પરિણામ સ્વરૂપે" ચર્ચમાં પાદરીની ભૂમિકા અદા કરવાથી ખસેડી દેવાયા છે.
ઉલ્લેખનીય છે કે, ચર્ચમાં પાદરીના પદ પરથી દૂર કરવું એ કોઈ પણ પાદરી માટે સૌથી કડક સજા હોય છે અને તેનો અર્થ છે કે ગુનેગાર કોઈ ધાર્મિક ગતિવિધી એટલે કે અંગત રીતે પણ સામેલ થઈ શક્તો નથી. ચિલીમાં પાદરીઓ દ્વારા સગીર વયનાં બાળકોના જાતીય શોષણના અનેક કિસ્સા બહાર આવ્યા છે, જેના કારણે કેથોલિક ચર્ચમાં સંકટ ઘેરું બન્યું છે.
પોપે શનિવારે ચિલીના રાષ્ટ્રપતિ સેબેસ્ટિયન પિનેરા સાથે વેટિકનમાં મુલાકાત કરી હતી અને ચિલીની 'મુશ્કેલ પરિસ્થિતી' અંગે ચર્ચા કરી હતી.
વેટિકને એક નિવેદનમાં જણાવ્યું છે કે, "સગીર વયનાં બાળકોના જાતીય શોષણની દુખદ ઘટનાઓ પર ચર્ચા કરી તથા આવા અપરાધ રોખવા માટે અને તેની સામે લડવાના સંયુક્ત પ્રયાસો પર ભાર મુકવામાં આવ્યો છે."
દક્ષિણ અમેરિકાના આ દેશમાં વર્ષ 1960થી અત્યાર સુધી 167 બિશપ, પાદરી અને ચર્ચા સભ્યો જાતીય શોષણના અપરાધની તપાસ ચાલી રહી છે.