હ્યુસ્ટનમાં એનર્જી સેક્ટરના CEOs સાથે PM મોદીની બેઠક, પહેલા જ દિવસે થઈ મોટી ડીલ, MOU પર હસ્તાક્ષર થયા
હ્યુસ્ટનમાં પીએમ મોદીએ અમેરિકાના પ્રવાસના પહેલા જ દિવસે ઉર્જા ક્ષેત્રની કંપનીના સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજી. હ્યુસ્ટનની હોટલ પોસ્ટ ઓકમાં થયેલી આ બેઠકમાં ટેલ્યુરિયન અને પેટ્રોનેટ સાથે લિક્વિફાઈડ નેચરલ ગેસ(LNG) માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કરાયા.
હ્યુસ્ટન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ભારતીય સમય મુજબ રાતે 11 વાગ્યાની આસપાસ અમેરિકાના ટેક્સાસના હ્યુસ્ટન પહોંચી ગયા છે. અમેરિકાની ધરતી પર પગ મૂકતા જ તેમણે ટ્વીટ કરીને કહ્યું Howdy હ્યુસ્ટન! વેપાર અને આંતરરાષ્ટ્રીય મામલાઓના ડાઈરેક્ટર ક્રિસ્ટોફર ઓલ્સન સહિત અન્ય અધિકારીઓએ એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું. અમેરિકાની ધરતી પર પગ મૂકતાની સાથે જ થાક્યા કે આરામ કર્યા વગર પીએમ મોદીએ ગણતરીના કલાકોમાં ઓઈલ ક્ષેત્રના સીઈઓ સાથે બેઠક યોજી. હ્યુસ્ટન અમેરિકાનું એનર્જી સિટી ગણાય છે. સીઈઓ સાથેની આ બેઠક મહત્વપૂર્ણ ગણવામાં આવતી હતી. પીએમ મોદી એક અઠવાડિયાના અમેરિકા પ્રવાસે છે. આ દરમિયાન તેઓ અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે.
પાંચ મિલિયન ટન એલએનજી માટે એમઓયુ સાઈન કરાયું
હ્યુસ્ટનમાં પીએમ મોદીએ અમેરિકાના પ્રવાસના પહેલા જ દિવસે ઉર્જા ક્ષેત્રની કંપનીના સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજી. હ્યુસ્ટનની હોટલ પોસ્ટ ઓકમાં થયેલી આ બેઠકમાં ટેલ્યુરિયન અને પેટ્રોનેટ સાથે લિક્વિફાઈડ નેચરલ ગેસ(LNG) માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કરાયા. પાંચ મિલિયન ટન એલએનજી માટે એમઓયુ સાઈન કરાયું છે. આ બેઠકમાં બેકર હ્યુજેસ, બીપી, એમર્સન ઈલેક્ટ્રિક કંપની, આઈએચએસ માર્કિટ તથા અન્ય કંપનીના પ્રમુખો સામેલ થયા હતાં. કહેવાય છે કે સાઉદી અરામકોના પ્લાન્ટ પર હાલમાં થયેલા હુમલા બાદ ભારત પોતાના આપૂર્તિકર્તાઓનો દાયરો વધારવા માંગે છે.
હકીકતમાં ખાડી અને મધ્ય પૂર્વ દેશોમાં રાજનીતિક અનિશ્ચિતતાઓના કારણે ભારત પોતાની ઓઈલની જરૂરિયાતો માટે અમેરિકા તરફ નજર ફેરવી રહ્યું છે. આવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસની સાર્વજનિક સંપનીઓએ કેટલીક ડીલ કરી. ભારત અને અમેરિકા ખાસ કરીને શેલ તથા એલએનજીને લઈને સહયોગ વધારવા માંગે છે.
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...