આજીવન Russia ના રાષ્ટ્રપતિ Vladimir Putin સામે નહીં થઈ શકે કોઈ કાનૂની કાર્યવાહી
હવે રશિયાના રાષ્ટ્રપતિ પર આજીવન કોઈપણ પ્રકારનો કોર્ટ કેસ નહીં ચાલે. તેમના પરિવાર પર પણ કોઇ પણ ગુના બદલ કાર્યવાહી કરવામાં નહીં આવે. મંગળવારે વ્લાદિમીર પુતિને આ સંશોધન બિલ પર હસ્તાક્ષર કર્યાં.
નવી દિલ્લીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કાયદામાં સંશોધન કરીને પોતાને કાયદાથી ઉપર બનાવી દીધાં છે. હવે રશિયાની કોઈપણ કોર્ટ કે કોઈપણ કાયદો તેમને લાગૂ નહીં પડે. રાષ્ટ્રપતિ પદ પરથી ઉતર્યા બાદ પણ પુતિનને કોઈપણ કાયદો લાગૂ નહીં પડે. એટલું જ નહીં આ નવા સંશોધન બિલ અંતર્ગત હવે તેમના પરિવાર પર પણ કોઇ પણ ગુના બદલ કાર્યવાહી કરવામાં નહીં આવે. રશિયાના બંધારણમાં એક વિશેષ સંશોધન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિઓ પર પદ છોડ્યા બાદ પણ કોઈપણ પ્રકારની કાનૂની કાર્યવાહી નહીં કરી શકાય. આ કાયદા પર મંગળવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતે હસ્તાક્ષર કર્યાં છે.
મહત્ત્વનું છેકે, આ વિધેયકને રશિયાના તમામ નેતાઓનું સમર્થન મળ્યું છે. આ બિલ રશિયાના બંને સદનમાં સરળતાથી પાસ થઇ ગયું છે. જોકે, આ કાયદામાં ગંભીર ગુના અને રાજદ્રોહના કેસને અપવાદની કેટેગરીમાં રાખવામાં આવ્યાં છે. આ પરિસ્થિતિમાં પૂર્વ રાષ્ટ્રપતિઓ પર કાર્યવાહી થઇ શકે છે. નવા કાયદા બાદ પૂર્વ રાષ્ટ્રપતિઓને આજીવન સેનેટમાં એક બેઠક મળતી રહેશે, જેથી તોઓ કાર્યલય છોડ્યા બાદ પણ આજીવન કોર્ટ કાર્યવાહીથી મુક્ત રહશે.
રશિયાના હયાત પૂર્વ રાષ્ટ્રપતિ દમિત્રિને મળશે આ કાયદાનો લાભ
હાલ રશિયાના એક માત્ર પૂર્વ રાષ્ટ્રપતિ દમિત્રિ મેદવેદેવ જીવિત છે. દમિત્રિ મેદવેદેવને પુતિન સાથે આ નવા કાયદાનો લાભ મળશે. મેદવેદેવ વર્તમાન પુતિનના ખાસ સહયોગી છે. નવા વિધેયક અંતર્ગત પૂર્વ રાષ્ટ્રપતિઓની સંપત્તિ પણ જપ્ત નહીં થઇ શકે.
વર્ષ 2000થી સત્તામાં યથાવત છે પુતિન
આ વર્ષે જુલાઇમાં રશિયામાં જનમત સંગ્રહ થયો હતો. ત્યાર બાદ રશિયાના સંવિધાનમાં સંશોધન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત પુતિન વર્ષ 2036 સુધી રશિયાના રાષ્ટ્રપતિ પદ પર યથાવત રહેશે. 68 વર્ષીય પુતિન વર્ષ 2000થી સત્તા પદ પર યથાવત છે. પુતિનને હજુ પણ બે વખત કાર્યકાળ મળશે. 68 વર્ષિય પુતિનનો ચોથો કાર્યકાળ 2024માં પુરો થઇ રહ્યો છે. પરંતુ બંધારણમાં સુધારા કર્યા બાદ તેમને છ વર્ષના વધુ બે વખત કાર્યકાળ પુરા કરી શકશે.