ઉન્નાવ ગેંગરેપ કેસ અને નીરવ મોદી મામલે પીએમ મોદી કેમ ચૂપ છે: રાહુલ ગાંધી
બ્રિટનના પ્રવાસે ગયેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એકવાર ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.
લંડન: બ્રિટનના પ્રવાસે ગયેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એકવાર ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદી ઉન્નાવ ગેંગરેપ કેસ અને પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીના મામલે ચૂપ કેમ છે. તેમણે ભાજપ પર દેશમાં ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ભાજપ દેશની એક્તાને તોડવાનું કામ કરી રહ્યો છે. પરંતુ કોંગ્રેસ હંમેશા દેશની એક્તાને સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરશે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર પોતાના પ્રહારો વધારતા કહ્યું કે લોકો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા જનવાદી નેતાઓનું સમર્થન એટલા માટે કરે છે કારણ કે તેઓ નોકરી નહીં હોવાના કારણે ગુસ્સામાં છે.
અત્રે ભારતીય પત્રકારોના સંઘ સાથે વાતચીત કરતા ગાંધીએ કહ્યું કે સમસ્યાના સમાધાનની જગ્યાએ આ નેતાઓ તેમના ગુસ્સાને વટાવે છે અને દેશને નુકસાન પહોંચાડે છે. શુક્રવારે રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં બેરોજગારીનું સંકટ મોટુ છે અને ભારત સરકાર તેનો સ્વીકાર કરવા માંગતી નથી.
અહીં પ્રતિષ્ઠિત લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં એક સંવાદ કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે ચીન એક દિવસમાં 50,000 નોકરીઓનું સર્જન કરે છે. જ્યારે ભારતમાં એક દિવસમાં ફક્ત 450 નોકરીઓ જ પેદા થાય છે. આ એક આફત છે. ગાંધીએ ફરી એકવાર કહ્યું કે આરએસએસ અને મુસ્લિમ બ્રધરહુડમાં અનેક સમાનતા છે. તેઓ સત્તા મેળવવા માટે લોકતાંત્રિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરે છે.