RCEPમાં નહીં જોડાય ભારતઃ ઘરેલુ ઉદ્યોગોના હિતને ધ્યાનમાં રાખી લીધો મોટો નિર્ણય
આરસીઈપી કરાર(RCEP Agreement) હવે 15 દેશ સાથે આગળ વધશે. આ કરાર માટે 2012માં કંબોડિયામાં વાટાઘાટો શરૂ થઈ હતી અને હવે 2019માં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ કરાર વિશ્વમાં ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ(Free Trade Agreement)નો સૌથી મોટો કરાર બની જશે.
બેંગકોકઃ ભારતે સોમવારે રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ (Regional Comprehensive Economic Partnership (RCEP))માં નહીં જોડાવાનો મોટો નિર્ણય લીધો છે. ભારતનાં ઘરેલુ ઉદ્યોગોના હિત સાથે કોઈ પણ સમાધાન ન કરવાના આશય સાથે ભારત સરકારે આ નિર્ણય લીધો છે. ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે.
બેંગકોકમાં આરસીઈપી(RCEP) સમિટને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આરસીઈપી(RCEP)ની કલ્પના કરવાના હજારો વર્ષ પહેલા ભારતીય વેપારીઓ, ઉદ્યોગ સાહસિકો અને સામાન્ય લોકોએ આ વિસ્તાર સાથે સંપર્ક સ્થાપ્યો હતો. સદીઓથી આ સંપર્કો અને સંબંધોએ અમારી સંયુક્ત સમૃદ્ધિમાં મોટું યોગદાન આપ્યું છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વેપારીઓ અને ઉદ્યોગોનું ઘણું બધું દાવ પર લાગેલું છે. કર્મચારી અને ગ્રાહકો અમારા માટે સમાનરૂપે મહત્વનાં છે. આજે આપણે આરસીઈપીનાં 7 વર્ષોની વાટાઘાટોને જોઈએ તો વૈશ્વિક આર્થિક અને વ્યાપારિક પરિદૃશ્ય સહિત અનેક વસ્તુઓમાં પરિવર્તન આવ્યું છે. અમે આ પરિવર્તનને નજરઅંદાજ કરી શકીએ નહીં. વર્તમાન આરસીઈપી કરાર આરસીઈપીની મૂળ ભાવનાને સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરતો નથી.
ASEAN-INDIA સંમેલન: PM મોદી બોલ્યા- 'એકીકૃત, મજબુત અને સમૃદ્ધ આસિયાન ભારતના હિતમાં'
શું છે આરસીઈપી(RCEP)?
RCEP એક વ્યાપાર કરાર છે, જેના સભ્ય દેશો એક-બીજા સાથેના વેપારમાં અનેક પ્રકારની સગવડો પૂરી પાડશે. તેના અંતર્ગત કરવામાં આવતી નિકાસ પર લાગતો ટેક્સ ચૂકવવાનો રહેશે નહીં અને જો આપવાનો હશે તો તે પણ નહિંવત હશે. તેમાં આસિયાનના 10 દેશ ઉપરાંત બીજા 6 દેશ સામેલ થયા છે.
RCEPમાં સામેલ દેશ
10 આસિયાન દેશઃ બ્રુનેઈ, કમ્બોડિયા, ઈન્ડોનેશિયા, મલેશિયા, મયાંમાર, સિંગાપોર, થાઈલેન્ડ, ફિલિપિન્સ, લાઓસ, વિયેટનામ
તેમના 6 ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પાર્ટનર દેશઃ ચીન, જાપાન, ભારત, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ
હેતુઃ આ કરારનો મુખ્ય હેતુ દુનિયાનું સૌથી મોટું મુક્ત વેપાર ક્ષેત્ર બનાવવાનો છે. તેમાં સામેલ 16 દેશની કુલ વસતી 3.6 અબજ એટલે કે દુનિયાની અડધી વસતી છે.
ભારતનો આ સુવર્ણ સમય, આગામી લક્ષ્ય 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી: PM મોદી
ભારતને શેની સામે વાંધો છે?
- આયાત સામે જે સુરક્ષા વ્યવસ્થા છે તે યોગ્ય નથી.
- ભારત સાથે કેટલાક મુદ્દે વિવાદ
- મૂળ નિયમોને લાગુ ન કરવા
- 2014ને પાયાનું વર્ષ ગણવું
- બજાર સુધી પહોંચ માટે ચોક્કસ ખાતરી નથી.
- કોઈ પણ કરવેરા ન લેવા સામે વાંધો.
ખેડૂતો-ઉદ્યોગો કરી રહ્યા હતા વિરોધ
આરસીઈપીમાં ભારતના જોડાવાના સંભવિત નિર્ણયના વિરોધમાં દેસભરમાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ખેડૂત સંગઠનોએ આ કરાર સામે વાંધો ઉઠાવતા જણાવ્યું હતું કે, તેનાથી દેશના એક તૃતિયાંશ બજાર પર ન્યૂઝીલેન્ડ, અમેરિકા અને યુરોપિયન દેશોનો કબ્જો થઈ જશે. ભારતીય ખેડૂતોને તેમની ઉપજની જે કિંમત મળી રહી છે, તેમાં ઘટાડો થઈ શકે છે.
ડેરી ઉદ્યોગ પર સૌથી વધુ અસર થવાનો ભય
અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમિતિના સંયોજક વી.એમ. સિંહે જણાવ્યું કે, વર્તમાનમાં નાના ખેડૂતોની આવકનું એકમાત્ર સાધન દૂધનું ઉત્પાદન છે. જો આરસીઈપી કરારમાં ભારત જોડાઈ જાય તો ડેરી ઉદ્યોગ સંપૂર્ણપણે બરબાદ થઈ જશે અને 80 ટકા ખેડૂત બેરોજગાર બની જશે.
ચીનનો સામાન ભારતમાં પથરાઈ જતો
નિષ્ણાતોના મતે આરસીઈપી કરાર થવાથી ભારતીય બજારમાં ચીનના ઉત્પાદનોનું પૂર આવી જતું. કારણ કે ચીનને અત્યારે અમેરિકા સાથે ટ્રેડ વોર ચાલી રહ્યું છે અને તેના કારણે મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે.
હવે 15 દેશ રહેશે આઈસીઈપીમાં
આરસીઈપી કરાર હવે 15 દેશ સાથે આગળ વધશે. આ કરાર માટે 2012માં કંબોડિયામાં વાટાઘાટો શરૂ થઈ હતી અને હવે 2019માં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ કરાર વિશ્વમાં ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટનો સૌથી મોટો કરાર બની જશે.
જુઓ LIVE TV....