ભારત આવી રહ્યાં છે પુતિન, અમેરિકા છે એકદમ ધૂંઆપૂંઆ, ખાસ જાણો કારણ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન આ અઠવાડિયે ભારત પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ ભારત સાથે એક મહત્વપૂર્ણ ડીલ કરશે.
મોસ્કો: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન આ અઠવાડિયે ભારત પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ ભારત સાથે એક મહત્વપૂર્ણ ડીલ કરશે. આ ડીલ છે ભારતને એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ વેચવા અંગેની. અત્રે જણાવવાનું કે આ ડીલ પર અમેરિકા ખુબ નારાજ છે. તેણે ભારે વિરોધ નોંધાવ્યો ચે. ક્રેમલિનના ટોચના સૂત્રોએ આ અંગેની જાણકારી આપી છે. અમેરિકા રશિયા સાથે થવા જનારી આ ડીલ પર એટલું તે ધૂંઆફૂંઆ છે કે તેણે ભારત ઉપર પ્રતિબંધ લગાવવા સુદ્ધાની ધમકી આપેલી છે.
પુતિનના વિદેશ નીતિના ઉચ્ચ સહયોગી યુરી ઉસાકોવે જણાવ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ 4 ઓક્ટોબરના રોજ ભારત માટે રવાના થશે. તેમણે જણાવ્યું કે પુતિનના આ પ્રવાસની સૌથી મહત્વપૂર્ણ વસ્તુઓમાં એક છે એસ-400 એર ડિફેન્સ સિસ્ટમની ડિલિવરીને લઈને થનારી ડીલ. તેમના જણાવ્યાં મુજબ રશિયા ભારત સાથે 5 અબજ ડોલરથી વધુનો આ સૈન્ય કરાર કરવા જઈ રહ્યું છે.
રશિયા કેટલાય મહિનાઓથી ભારતને આ અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ વેચવા અંગે વાતચીત કરી રહ્યું હતું. રશિયા સાથે થનારી આ મેગા ડીલ પર ભારતના અન્ય મહત્વના ડિફેન્સ પાર્ટનર અમેરિકાના ભવાં ચડી ગયા છે. પેન્ટાગનના એક વરિષ્ઠ અધિકારીએ ઓગસ્ટમાં જણાવ્યું હતું કે જો ડીલ થઈ તો ભારત પર પ્રતિબંધ લાગી શકે છે.
ભારતે સંકેત આપ્યા છે કે આ ડીલ સંબંધે તે વોશિંગ્ટન પાસે છૂટની માગણી કરી શકે છે. જો કે અમેરિકી અધિકારીઓએ ગત અઠવાડિયે એ વાતના સંકેત આપ્યા છે કે આ વાતની કોઈ ગેરંટી નથી કે અમેરિકા ભારતને છૂટ આપશે જ.