મોસ્કો: યુદ્ધની વધતી આશંકાઓ વચ્ચે યૂક્રેને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી દીધી છે અને પોતાના નાગરિકોને જલદી રશિયા છોડવા જણાવ્યું છે. આ બાજુ રશિયાએ યૂક્રેનથી પોતાના રાજનયિકોને બોલાવવાની જાહેરાત કરી છે. અમેરિકા સહિત પશ્ચિમી દેશ રશિયાને રોકવા માટે પ્રતિબંધોનો સહારો લઈ રહ્યા છે. અમેરિકા અને યુકેએ રશિયા પર આકરા આર્થિક પ્રતિબંધ લગાવ્યા છે અને આવનારા દિવસોમાં અનેક નવા પ્રતિબંધો પણ લાગી શકે છે. પરંતુ સવાલ એ છે કે શું જીદ્દી રશિયા પર આ ફોર્મૂલા કામ કરશે ખરા?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિમિયા પર આજે પણ છે કબ્જો
2014માં રશિયા દ્વારા યૂક્રેનના ક્રિમિયા પર કબજો જમાવ્યા બાદ અમેરિકા સહિત અનેક પશ્ચિમી દેશોએ રશિયાની ટીકા કરી હતી અને આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા. પરંતુ રશિયા આજે પણ ક્રિમિયાને નિયંત્રિત કરે છે. રશિયાની અર્થવ્યવસ્થા તે સમયની મંદીમાંથી બહાર નીકળીને ફરીથી આગળ વધવા લાગી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન પણ સારી પેઠે જાણે છે કે યૂક્રેન પર હુમલો કરવાની સ્થિતિમાં દેશે આર્થિક નુકસાન સહન કરવું પડશે. પરંતુ આમ છતાં તેઓ પાછળ હટતા જોવા મળતા નથી. 


પ્રભાવિત થઈ હતી અર્થવ્યવસ્થા
ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ 2014માં રશિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધોની કેટલીક અસર રશિયા પર પડી હતી. જેના કારણે રશિયન બેંકોને વિદેશી દેવાની સમસ્યા સર્જાઈ હતી અને પશ્ચિમી કંપનીઓને રશિયન તેલ કંપનીઓ સાથે કામ કરવા પર પ્રતિબંધ વેઠવો પડ્યો હતો. 2016ના ઉનાળા સુધી રશિયાની અર્થવ્યવસ્થા મુશ્કેલીમાં રહી. રૂબલનું મૂલ્ય વૈશ્વિક બજારોમાં પડ્યું, જેના કારણે કંપનીઓ અને ગ્રાહકો માટે અનેક વસ્તુઓના ભાવ વધી ગયા. રાષ્ટ્રપતિ પુતિન પણ આ પ્રભાવથી બાકાત ન રહ્યા. ક્રિમિયા પર કબજા બાદ તેમનું અપ્રુવલ રેટિંગ 80 ટકા હતું જે ત્યારબાદના વર્ષોમાં 60 ટકા સુધી પહોંચી ગયું. 


Russia-Ukraine Crisis: ભારતે અપનાવેલા અભિગમથી રશિયા ગદગદ, જાણો શું કહ્યું?


કડક પ્રતિબંધોની જરૂર
રિપોર્ટમાં એક્સપર્ટ્સના હવાલે જણાવવામાં આવ્યું છે કે પ્રતિબંધોની મોટા સ્તર પર અસર થવા માટે આકરા પ્રતિબંધોની જરૂર હોય છે અને અમેરિકા આવા પ્રતિબંધો લગાવવા અંગે પોતે જ મૂંઝવણમાં છે. એડવર્ડ ફિશમેન અને ક્રિસ મિલર જેવા ઈન્ટરનેશનલ રિલેશન્સ એક્સપર્ટ્સનું માનવું છે કે રશિયાને વાસ્તવમાં દર્દ આપવા માટે અમેરિકા અને યુરોપે કેટલાક મોટા બોજ ઉઠાવવા પડશે. અને પશ્ચિમી દેશ તેના માટે તૈયાર જોવા મળતા નથી. 


ઈરાનવાળી નીતિ અપનાવશે અમેરિકા
એક્સપર્ટ્સનું માનવું છે કે અમેરિકાએ ઈરાનવાળી નીતિ અપનાવવી જોઈએ. વૈશ્વિક તેલ બજારો પર સંભવિત પ્રભાવ અને ઈરાનીઓના જીવનસ્તરને નુકસાન થવા છતાં અમેરિકાએ આકરા પ્રતિબંધો લગાવ્યા હતા. આ પ્રતિબંધોના કારણે ઈરાનને પરમાણુ કાર્યક્રમ માટે વાતચીતના ટેબલ પર લાવી શકાયું હતું. રશિયાના મામલે પ્રતિબંધોનો એક વધુ આક્રમક સેટ રશિયન તેલને ખરીદવાથી ઈનકાર કરવાની સાથે શરૂ થઈ શકે છે. જે રશિયાના ખજાના માટે સૌથી મોટો સ્ત્રોત છે. જો આમ થયું તો પુતિન કઈક હદે વિચારવા માટે મજબૂર થઈ શકે છે. 


કેશના ઢગલા પર બેઠું છે રશિયા
કેટલાક એક્સપર્ટ્સનું માનવું છે કે રશિયા હાલના સમયમાં કેશના ઢગલા પર બેઠું છે. આવામાં તેના પર કોઈ પણ સ્તરના પ્રતિબંધની અસરની કદાચ વધુ અસર ન થાય. આ સાથે જ અમેરિકા રશિયા પર એવા કોઈ પ્રતિબંધ લગાવવા નહીં ઈચ્છે જેની અસર યૂક્રેન પર પડે કારણ કે યૂક્રેનની ઈકોનોમી પહેલેથી જ ગગડેલી છે. ચીન પણ આ વિવાદમાં રશિયાની સાથે છે અને તેને નજર અંદાજ કરી શકાય નહીં. હવે જોવાની વાત એ રહેશે કે શું પશ્ચિમી દેશોના પ્રતિબંધ રશિયાને આગળ વધતા રોકી શકશે?