Russia-Ukraine Crisis: ભારતે અપનાવેલા અભિગમથી રશિયા ગદગદ, જાણો શું કહ્યું?
યૂક્રેન સંકટ પર ભારત દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જે અભિગમ અપનાવવામાં આવ્યો છે તેનું રશિયાએ સ્વાગત કર્યું છે.
Trending Photos
નવી દિલ્હી: યૂક્રેન સંકટ પર ભારત દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જે અભિગમ અપનાવવામાં આવ્યો છે તેનું રશિયાએ સ્વાગત કર્યું છે. રશિયા મિશનના ઉપ પ્રમુખ રોમન બાબૂશ્કિને બુધવારે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે ભારત એક જવાબદાર વૈશ્વિક શક્તિ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે અને તેણે વૈશ્વિક બાબતોમાં 'સ્વતંત્ર અને સંતુલિત' અભિગમ અપનાવ્યો છે જે પ્રશંસનીય છે.
યૂક્રેન-રશિયા તણાવ વચ્ચે સોમવારે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બોલતા તમામ પક્ષોને સંયમ વર્તવાની અપીલ કરી હતી. ભારતે તમામ દેશોના સુરક્ષા હિતોને ધ્યાનમાં રાખતા તણાવ ઓછો કરવાની દિશામાં મળીને કામ કરવાનું આહ્વાન કર્યું હતું. ભારતના સ્વતંત્ર અને પારદર્શક અભિગમની રશિયાએ બુધવારે પ્રશંસા કરી.
રોમન બાબૂશ્કિને વધુમાં કહ્યું કે યૂક્રેન સંકટ પર અમે ભારતના સ્વતંત્ર વલણનું સ્વાગત કરીએ છીએ. બાબૂશ્કિને કહ્યું કે ભારત એક જવાબદાર વૈશ્વિક શક્તિ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે અને તેણે વૈશ્વિક બાબતોમાં સ્વતંત્ર અને સંતુલિત અભિગમ અપનાવ્યો છે. જે સ્વાગત યોગ્ય છે.
ભારત અને રશિયા વચ્ચે અતૂટ વિશ્વાસ
બાબૂશ્કિને કહ્યું કે રશિયા અને ભારતના સંબંધ મજબૂત અને નક્કર પાયા પર આધારિત છે અને બંને દેશો વચ્ચે અતૂટ વિશ્વાસ છે. તેમણે આશા વ્યક્ત કરી કે ભારત અને રશિયાના સંબંધ આ સ્તર પર જળવાઈ રહેશે. બાબૂશ્કિને કહ્યું કે અમારો સહયોગ કોઈના માટે જોખમ નથી અને આ સાથે જ અમે ન્યાયોચિત અને સમાનતા પર આધારિત બહુધ્રવીય વિશ્વ સ્થાપિત કરવા માટે ખભાથી ખભો મીલાવીને ચાલી રહ્યા છીએ.
તેમણે આશા વ્યક્ત કરી કે ભારત અને રશિયાના સંબંધ આ સ્તર પર જળવાઈ રહેશે. યૂક્રેન સંકટ પર રશિયાના રાજદૂતે કહ્યું કે પશ્ચિમી તાકાતો ક્ષેત્રને અસ્થિર કરવાનો પ્રયત્ન કરી રહી છે તથા રશિયા વિરુદ્ધ પશ્ચિમી દેશોના પ્રતિબંધ વૈશ્વિક અર્થવ્યવસ્થા સમક્ષ અસ્થિરતા પેદા કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે