નવી દિલ્હી: યુક્રેન પર રશિયાના હુમલાને લઈને પોલેન્ડમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન આકરા પાણીએ દેખાઈ રહ્યા છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું છે કે નાટો એકજૂથ છે, તેને તોડી શકાય તેમ નથી. તેમણે ઉમેર્યું હતું કે રશિયા લોકશાહીનું ગળું દબાવી રહ્યું છે. યુક્રેન આજે તેની સ્વતંત્રતા માટે લડી રહ્યું છે. યુક્રેન સાથે અમે અમારી તમામ શક્તિ સાથે ઊભા છીએ. યુક્રેનના લોકો પોતાની આઝાદી માટે લડી રહ્યા છે. આપણે લોકતંત્રને બચાવવા માટે આપણી તમામ શક્તિઓથી લડવું પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાઈડને જણાવ્યું છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા રાષ્ટ્રપતિ છે. રશિયા પાસે યુક્રેન પર હુમલો કરવાનું કોઈ કારણ નથી. સંબોધન દરમિયાન, બાઈડને યુક્રેન માટે નાણાકીય સહાયની પણ જાહેરાત કરી. તેમણે કહ્યું કે, બર્બર હુમલા માટે રશિયા જવાબદાર છે. હું યુક્રેનના શરણાર્થીઓને મળ્યો છું અને અમે યુક્રેનના લોકો સાથે ઊભા છીએ.


બાઈડને જણાવ્યું હતું કે અમે યુક્રેનને મદદ કરતા રાખીશું. સાથે જ તેમણે જણાવ્યું કે પ્રતિબંધોને કારણે રશિયાની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. રશિયાએ લોકશાહીનું ગળું દબાવી દીધું છે. બાઈડને અપીલ કરી છે કે યુક્રેનની મદદ માટે તમામ દેશો એકસાથે આવે. અમેરિકા હંમેશા યુક્રેનની રક્ષા માટે ઊભું રહેશે. તેમણે જણાવ્યું હતું કે, નાટો રશિયા માટે ખતરો નથી.


બાઈડને જણાવ્યું કે અમેરિકાની સેના પોલેન્ડમાં દરેક લોકોની મદદ માટે હાજર છે. નાટો દેશોના સંરક્ષણ માટે અમેરિકા મક્કમપણે ઊભું છે. તેમણે ઉમેર્યું હતું કે, દુનિયાએ લાંબી લડાઈ માટે તૈયાર રહેવું જોઈએ. વિશ્વના દેશોએ અત્યારે યુક્રેનના શરણાર્થીઓને મદદ કરવી જોઈએ. અમેરિકા યુક્રેનને તમામ મદદ આપવા તૈયાર છે. રશિયા દુનિયાને નાટો વિશે ખોટું કહી રહ્યું છે. રશિયન લોકો અમારા દુશ્મન નથી.


તેલ માટે રશિયા પર નિર્ભરતા સમાપ્ત કરે યુરોપ
જો બાઈડને જણાવ્યું છે કે યુરોપે તેલ માટે રશિયા પરની નિર્ભરતા સમાપ્ત કરવી જોઈએ. સાથે જ તેમણે કહ્યું કે યુરોપિયન દેશોએ રશિયા પાસેથી તેલ ખરીદીને યુદ્ધ મશીનની મદદ ન કરવી જોઈએ. રશિયાને ચેતવણી આપતાં તેમણે કહ્યું કે રશિયાએ નાટો દેશોની સરહદમાં ઘૂસવાનો પ્રયાસ ન કરવો જોઈએ. સાથે તેમણે જણાવ્યું કે, અમેરિકાએ એક અબજ ડોલરની મદદ કરી છે.


અમેરિકી રાષ્ટ્રપતિના સંબોધનની થોડી મિનિટો અગાઉ રશિયન દળોએ પોલેન્ડની સરહદે યુક્રેનિયન શહેર લવીવ પર મિસાઈલ હુમલો કર્યો. મિસાઈલ હુમલામાં 5 લોકો ઘાયલ થયા છે. રશિયન સૈન્ય દ્વારા આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો હતો જ્યારે વિસ્ફોટ સ્થળથી થોડે દૂર પોલેન્ડની રાજધાની વોર્સોમાં યુએસ પ્રમુખ જો બાઈડન હાજર હતા.


યુક્રેનિયન શરણાર્થીઓને મળ્યા બાદ બાઈડને પુતિનને કસાઈ બતાવ્યા
તેમના સંબોધનના થોડાક કલાકો પહેલાં બાઈડને પોલેન્ડમાં યુક્રેનિયન શરણાર્થીઓ સાથે મળ્યા હતા. બેઠક બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને રશિયન રાષ્ટ્રપતિ પુતિનને કસાઈ સાથે સરખામણી કરી હતી. બાઈડને ટ્વિટ કર્યું કે પોલેન્ડમાં શરણાર્થી સ્થળ પરના બાળકોએ મને કહ્યું કે મારા પિતા, મારા દાદા, મારા ભાઈ માટે પ્રાર્થના કરો, જેઓ રશિયન સૈનિકો સામે લડી રહ્યા છે.


અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ટ્વીટ કર્યું કે મેં યુક્રેનના સેક્રેટરી ઓફ સ્ટેટ અને ડિફેન્સ ઉપરાંત પોલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રેજેજ ડુડા સાથે મુલાકાત કરી છે. અમે પોતાના માનવતાવાદી પ્રયાસો જોવા માટે અમે શરણાર્થી સ્થળની મુલાકાત લઈ રહ્યા છીએ. આજે રાત્રે હું લોકશાહી સિદ્ધાંતો પર આધારિત ભવિષ્ય માટે મારી પ્રતિબદ્ધતા પર ટિપ્પણી કરી રહ્યો છું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube