Russia Ukraine War: એલન મસ્કની એક ટ્વીટથી ખળભળાટ, યુક્રેનના લોકો ભડકી ગયા
ટેસ્લાના સીઈઓ અને દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલન મસ્કની એક હરકતના કારણે યુક્રેનના રાષ્ટ્રપતિ સહિત અનેક લોકો ભડકી ગયા છે. જાણો આખરે એવું તે શું થયું કે મસ્ક પર યુક્રેનના લોકો ગુસ્સે ભરાયા.
Elon Musk Tweet: ટેસ્લાના સીઈઓ અને દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલન મસ્ક ટ્વિટર પર ખુબ એક્ટિવ રહે છે. તેઓ લગભગ દરેક મોટા મુદ્દા પર પોતાનો અભિપ્રાય રજૂ કરે છે. આ જ કારણે ઘણીવાર વિવાદમાં પણ આવે છે. હાલમાં જ તેમણે ટ્વિટર પર રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરવાની અને શાંતિ માટેની સલાહ આપી. તેમની આ હરકતથી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કી સહિત યુક્રેની અધિકારીઓએ તેમને ઘેરી લીધા. ટ્વીટ કરીને આકરી પ્રતિક્રિયા આપી.
શું છે મામલો?
એલન મસ્કે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલના માધ્યમથી યુક્રેનમાં રશિયન કાર્યવાહીને સમાપ્ત કરવા અંગે એક ટ્વિટર પોલ કરાવવાની કોશિશ કરી હતી. ટેસ્લાના સીઈઓએ આ યુદ્ધને ખતમ કરવા માટે અનેક પ્રકારના વિચાર રજૂ કર્યા અને પોતાના ફોલોઅર્સને તેમના સૂચનો પર 'હા' કે 'ના'માં વોટ કરવા માટે કહ્યું. જેમાં ઔપચારિક રીતે રશિયાને ક્રિમિયા પર કબજો કરવાની મંજૂરી સામેલ હતી.
યુક્રેનની જીત પર ઉઠાવ્યા હતા સવાલ
મસ્કે ટ્વીટ પર કહ્યું કે રશિયા આંશિક રીતે સૈનિકો ભેગા કરી રહ્યું છે. યુદ્ધ જો આગળ વધ્યું તો બંને તરફથી ઘણા મોત થશે અને આ ખુબ વિનાશકારી હશે. રશિયા યુક્રેનની વસ્તીનું ત્રણ ઘણું છે. આથી યુદ્ધમાં યુક્રેનની જીતની સંભાવના નથી. જો તમે યુક્રેનના લોકોની પરવા કરતા હોવ તો શાંતિની શોધ કરો. મસ્કની આ ટ્વીટ ન તો યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીના ગળે ઉતરી કે ન તો જર્મનીમાં યુક્રેનના પૂર્વ રાજદૂત રહી ચૂકેલા એન્ડ્રિઝ મેલનિકને. મેલનીકે ટ્વીટ કરી મસ્કને જવાબ આપતા કહ્યું કે મારો તમને ખુબ કૂટનીતિક જવાબ છે, અને એ છે બકવાસ. હવે એક વાત સ્પષ્ટ છે કે કોઈ પણ યુક્રેની ક્યારેય તમારી આઈએનજી ટેસ્લા જેવી બકવાસ કાર ખરીદશે નહીં.
યુક્રેનના રાષ્ટ્રપતિએ શું કહ્યું?
બીજી બાજુ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ બે પ્રતિક્રિયાઓ પર ટ્વીટ કરતા લખ્યું કે તમને કયો એલન મસ્ક વધુ પસંદ છે, એ કે જે યુક્રેનનું સમર્થન કરે છે કે પછી એ જે રશિયાનું સમર્થન કરે છે?