ભારતની અધ્યક્ષતામાં સંપન્ન થયેલા જી20 શિખર સંમેલનને રશિયા તરફથી સફળ ગણાવવામાં આવ્યું છે. રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે જી20 શિખર સંમેલનમાં યુક્રેન યુદ્ધ હાવી ન થવા દેવા બદલ ભારતની પ્રશંસા કરી છે. મીડિયા સાથે વાતચીત કરતા લાવરોવે  કહ્યું કે ભારતે જી20 એજન્ડાનું યુક્રેનીકરણ થવા દીધુ નહીં. રશિયાએ નવી દિલ્હી ઘોષણાપત્રમાં પ્રયોગ કરાયેલા શબ્દો અંગે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે આવા ઘોષણાપત્રની તો આશા પણ નહતી રાખી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રશિયાના વિદેશમંત્રીએ રવિવારે જી20ના રાજનીતિકરણના પ્રયત્નોને રોકવા બદલ ભારત પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે આ શિખર સંમેલન ચોક્કસપણે સફળ રહ્યું છે. જી20 નેતાઓના શિખર સંમેલનની જાહેરાતો પર સામાન્ય સહમતિ પર  લાવરોવે કહ્યું કે જ્યારે તેઓ આ મુદ્દે સહમત થયા ત્યારે કદાચ આ તેમના અંતરાત્માનો અવાજ હતો. સ્પષ્ટ રીતે કહીએ તો અમને તેની આશા નહતી. 


લાવરોવે કહ્યું કે અમે યુક્રેન અને રશિયાનો ઉલ્લેખ કરનારા નિવેદનોને ઘોષણાના બાકી કામથી અલગ ન કરી શકીએ. આ વર્ષે ઘોષણાની મુખ્ય લાઈન ગ્લોબલ સાઉથના એકીકરણ વિશે છે. લાવરોવે કહ્યું કે જી20 પોતાના લક્ષ્યો માટે વાસ્તવમાં કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે દિલ્હી ડેક્લેરેશન સારા ઉદ્દેશ્યોમાંથી એક છે અને અમે પહેલેથી જ તે રસ્તે છીએ. અમારા વારામાં અમે આ સકારાત્મક પરિણામોને મજબૂત કરવાનું ચાલુ રાખીશું. જેમાં આગામી વર્ષે બ્રાઝિલની અધ્યક્ષતા અને 2025માં દક્ષિણ આફ્રિકાની અધ્યક્ષતા સામેલ છે. 


પશ્ચિમી દેશોની ટીકા
પશ્ચિમી દેશોની ટીકા કરતા રશિયાના વિદેશમંત્રીએ કહ્યું કે વેસ્ટ પોતાનું આધિપત્ય રાખી શકશે નહીં કારણ કે અમે દુનિયામાં સત્તાના નવા કેન્દ્ર જોઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે પશ્ચિમે જળવાયુ પરિવર્તનને પહોંચી વળવા માટે વિકાસશીલ દેશોને વાર્ષિક 100 અબજ અમેરિકી ડોલર આપવાના પોતાના વચન પર કશું કર્યું નહીં. 


લાવરોવને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેમને લાગે છે કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ થઈ શકે છે તો તેમણે કહ્યું કે હાલ યુક્રેની અધિકારી રશિયનોને શારીરિક રીતે નષ્ટ કરવાની ધમકી આપી રહ્યા છે. દરેક જણ શાંતિ ઈચ્છે છે. લગભગ 18 મહિના પહેલા અમે આ સંઘર્ષને ઉકેલવા અંગે એક સંધિ પર હસ્તાક્ષર કરવા માટે સહમત થયા હતા. ત્યારબાદ એંગ્લો-સેક્સને જેલેન્સ્કીને તેના પર સહી ન કરવાનો આદેશ આપ્યો કારણ કે તેમને લાગ્યું કે તેઓ અમારી પાસેથી કઈક સ્વીકારોક્તિ પ્રાપ્ત કરવામાં સક્ષમ હશે. 


વિદેશમંત્રીએ એમ પણ કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને હાલમાં જ કહ્યું હતું કે અમને વાતચીતથી કોઈ આપત્તિ નથી. જો કે એવી કોઈ પણ વાતચીત માટે ગ્રાઉન્ડ હકીકતો પર વિચાર કરવા અને તેના કારણોને ધ્યાનમાં રાખવાની જરૂર છે જે નાટોની આક્રમક નીતિને લીધે દાયકાઓથી જમા થઈ રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube