નવી દિલ્હી: 24 જૂનના રોજ સાઉદી અરબમાં સવારનો નજારો એકદમ અદભૂત જોવા મળ્યો. રવિવારે સાઉદી અરબમાં મહિલાઓના ડ્રાઈવિંગ કરવા પર લાગેલો પ્રતિબંધ હટી જતા મહિલાઓ બેધડક કાર ચલાવતી જોવા મળી. અત્રે જણાવવાનું કે સાઉદી અરબ દુનિયામાં એક માત્ર એવો દેશ હતો જ્યાં મહિલાઓને ડ્રાઈવિંગ કરવાની મંજૂરી નહતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં એક લાંબી ઐતિહાસિક લડાઈ બાદ સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન તરફથી મહિલાઓને ડ્રાઈવિંગ કરવાની મંજૂરી આપવામાં આવી. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2017માં જ મહિલાઓના ગાડી ચલાવવા પર દાયકાઓ જૂના પ્રતિબંધને 24 જૂન 2018ના રોજ હટાવવાની જાહેરાત કરાઈ હતી. આ મોટો ફેસલો ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના વિઝન 2030 કાર્યક્રમનો ભાગ છે. ક્રાઉન પ્રિન્સ 2030 સુધીમાં સાઉદી અરબની ઈકોનોમીને ઓઈલથી અલગ કરવા માંગે છે અને આ માટે તમામ સુધારા કરવામાં આવી રહ્યાં છે.


આ સુધારાઓ હેઠળ મહિલાઓને મળેલી આ આઝાદી પણ સામેલ છે. જે અંતર્ગત મહિલાઓને ડ્રાઈવિંગ શીખવવા માટે ટ્રેનિંગ સ્કૂલ ખોલવામાં આવ્યાં, મહિલાઓ માટે ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવામાં આવ્યાં. હાલ સાઉદી સરકારે દસ મહિલાઓના ડ્રાઈવિંગ લાઈસન્સ જારી કર્યાં છે. બહુ જલદી તેની સંખ્યા 2000 સુધી પહોંચી જશે.


આ અગાઉ સાઉદી અરબ દુનિયાનો એકમાત્ર એવો દેશ હતો જ્યાં મહિલાઓ ગાડી ચલાવી શકતી નહતી. પરંતુ તેને આ મુકામ પર પહોંચાડવા માટે મહિલાઓએ ખુબ સંઘર્ષ કરવો પડ્યો. મહિલાઓને ડ્રાઈવિંગ લાઈસન્સનો અધિકાર આપવા માટે લાંબા સમયથી અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું.


તમને એ જાણીને નવાઈ લાગશે કે 90ના દાયકામાં અનેક મહિલાઓએ નિયમ તોડીને શહેરમનાં ગાડી ચલાવી અને તેમની ધરપકડ પણ થઈ. અનેક મહિલાઓ બ્રિટન, કેનેડા કે લેબનન જેવા દેશોમાં જઈને પોતાના માટે આંતરરાષ્ટ્રીય ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવડાવી લેતી હતી. આ સાથે જ એ પણ જણાવીએ કે સાઉદી અરબમાં હજુ પણ મહિલાઓને એ અધિકારો હાંસલ નથી જે બીજા દેશની મહિલાઓ પાસે છે.


સાઉદી અરબમાં મહિલાઓ હજુ એકલા પ્રોપર્ટી ખરીદી શકતી નથી અને ત્યાં અનેક કામો માટે મહિલાઓ પર પ્રતિબંધ છે. 2015 સુધી તો સાઉદી અરબમાં મહિલાઓને મતદાનનો પણ અધિકાર નહતો.