નેપાળમાં શુક્રવારે એક ભારતીય બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. નેપાળ પોલીસે પુષ્ટિ કરી છે કે 40 લોકોને લઈને જઈ રહેલી એક ભારતીય બસ તનહુન જિલ્લાના માર્સયાંગડી નદીમાં ખાબકી. મળતી માહિતી મુજબ UP FT 7623 નંબર ધરાવતી આ બસ નદીમાં ખાબકવાથી 14 જેટલા મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 15 લોકો ઘાયલ છે. મુસાફરોની હજુ ઓળખ થઈ શકી નથી.     


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

14 મુસાફરોના મોત
બસમાં 40 મુસાફરો સવાર હતા. આર્મ્ડ પોલીસ ફોર્સના પ્રવક્તાના જણાવ્યાં મુજબ 14 મૃતદેહો મળી આવ્યા છે. જિલ્લા પોલીસ કાર્યાલય તનહુના ડીએસપી દીપકુમાર રાયે જાણકારી આપી કે યુપી એફટી 7623 નંબરપ્લેટવાળી બસ નદીમાં ખાબકી અને નદીના કિનારે પડી છે. અધિકારીના જણાવ્યાં મુજબ બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી. તેમણે કહ્યું કે ઘટનાસ્થળે પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ હાજર છે. લોકોને બચાવવાની કોશિશ થઈ રહી છે. 



સ્થાનિક પોલીસ અને બચાવ ટુકડીએ તરત ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પ્રાથમિક અહેવાલ મુજબ બસના નદીમાં ખાબકવાના કારણો અંગે તપાસ થઈ રહી છે. પ્રશાસને ઘટનાની ગંભીરતા જોતા તમામ જરૂરી ઉપાયો હાથ ધર્યા છે અને રાહત કાર્યને પ્રાથમિકતા આપી છે. 


ગોરખપુરમાં થયેલું છે બસનું રજિસ્ટ્રેશન
એવું કહેવાય છે કે યુપીના ગોરખપુરની રજિસ્ટર્ડ બસ મુસાફરોને લઈને નેપાળ તરફ ગઈ હતી અને બસમાં સવાર મોટાભાગના મુસાફરો મહારાષ્ટ્રના હતા. આ મામલે યુપીના રિલિફ કમિશનરે કહ્યું કે અકસ્માતનો ભોગ બનેલી બસ ગોરખપુરની છે. ડ્રાઈવર પણ ગોરખપુરનો છે. નેપાળ પ્રશાસન સાથે સંપર્ક કરીને ભાળ મેળવવામાં આવી રહી છે કે  બસમાં યુપીના કેટલા લોકો સવાર હતા. અત્રે જણાવવાનું કે નેપાળમાં એક મહિના પહેલા જુલાઈમાં પણ બે બસ ત્રિશુલી નદીમાં ખાબકી હતી. બંને બસોમાં થઈને કુલ 65 લોકો સવાર હતા.