ઈમરાન થયા આઉટ, હવે શાહબાઝ બનશે નવા PM; પાકિસ્તાનના રાજકીય ઘમાસાણની 10 મહત્વની વાતો
પાકિસ્તાનમાં છેલ્લા કેટલાય દિવસથી રાજકીય ઘમાસાણ ચાલુ છે. પાકિસ્તાની સંસદમાં ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવ પર મતદાન થયું. આ દરમિયાન તેમણે હારનો સામનો કરવો પડ્યો. સદનમાં અનેકવાર ઉગ્ર દલીલો પણ જોવા મળી. સ્પીકરે સદનને અનેકવાર સ્થગિત કરી.
નવી દિલ્હી: પાકિસ્તાનમાં છેલ્લા કેટલાય દિવસથી રાજકીય ઘમાસાણ ચાલુ છે. પાકિસ્તાની સંસદમાં ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવ પર મતદાન થયું. આ દરમિયાન તેમણે હારનો સામનો કરવો પડ્યો. સદનમાં અનેકવાર ઉગ્ર દલીલો પણ જોવા મળી. સ્પીકરે સદનને અનેકવાર સ્થગિત કરી. ઈમરાન સરકાર પડ્યા બાદ ત્યાંના નવા પીએમ તરીકે શાહબાઝ શરીફનું નામ સામે આવી રહ્યું છે. પાકિસ્તાનની રાજકીય ઉથલપાથલની 10 મહત્વની વાતો ખાસ જાણો.
પાકિસ્તાનના રાજકીય ઘટનાક્રમની 10 મહત્વની વાતો...
1. પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર કોઈ પ્રધાનમંત્રીને અવિશ્વાસના પ્રસ્તાવ દ્વારા ખુરશી પરથી હટાવવામાં આવ્યા છે. પાકિસ્તાન નેશનલ એસેમ્બલીમાં ગઈ કાલે મોડી રાતે ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવ પર મતદાન થયું. જેના સમર્થનમાં 174 મત પડ્યા.
2. ઈમરાન ખાન અડધી રાતે પ્રધાનમંત્રી નિવાસથી પોતાનો સામાન બાંધીને નીકળ્યા. હવે પાકિસ્તાનમાં આજે નવા પ્રધાનમંત્રીની પસંદગી થશે.
3. બપોરે 2 વાગ્યા સુધીમાં પીએમ પદ માટે નોમિનેશન થશે. 3 વાગ્યા સુધીમાં સ્ક્રૂટની થશે અને 11 એપ્રિલના રોજ પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી મળી જશે. જેમનું નામ પહેલેથી નક્કી કરી દેવાયું છે. નવાઝ શરીફની પાર્ટીના નેતા શાહબાઝ શરીફ હવે પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી હશે.
4. ઈમરાન ખાન સરકારની વિદાય બાદ PML-N ના અધ્યક્ષ શાહબાઝ શરીફે સદનને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે આ પાકિસ્તાન માટે નવો દિવસ છે. અમે બદલો લેવા નથી આવ્યા.
5. નવાઝ શરીફની પાર્ટી PML-N નું મગજ ગણાતા શાહબાઝ શરીફ માટે પાકિસ્તાનની આ ખુરશી કાંટાળો તાજ બની શકે છે. કારણ કે જે પાકિસ્તાનની જવાબદારી તેઓ સંભાળવા જઈ રહ્યા છે તે પાકિસ્તાન પહેલેથી અનેક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું છે. શાહબાઝ સામે અર્થવ્યવસ્થા, વિદેશ નીતિની સાથે સેનાના પડકારો પણ છે.
6. પાકિસ્તાનના પૂર્વ સૂચના મંત્રીએ કહ્યું કે પાકિસ્તાન માટે આજનો દિવસ દુ:ખદ રહ્યો. તેમણે કહ્યું કે લૂટારુંની ઘર વાપસી થઈ છે. ફવાદ ચૌધરીએ કહ્યું કે હાલમાં જ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને પ્રધાનમંત્રી આવાસથી વિદાય કરાયા છે. તેઓ શાલીનતાથી ત્યાંથી જતા રહ્યા છે. એક પાકિસ્તાની હોવા પર ગર્વ મહેસૂસ કરું છું અને તેમના જેવા નેતા મેળવીને ધન્ય છું.
7. ઈમરાન ખાનને દશ છોડવા પર રોક લગાવવાને લઈને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરાઈ છે. અરજીમાં શાહ મહેમૂદ કુરેશી અને ફવાદ ચૌધરીના નામ સામેલ છે.
8. સદનમાં શાહબાઝ શરીફે કહ્યું કે અમે કોઈની જોડે બદલો લઈશું નહીં. કોઈને કારણ વગર જેલ નહીં મોકલીએ. તેમણે સંબોધન દરમિયાન કહ્યું કે આ નવી સવારની શરૂઆત છે.
9. બિલાવલ ભુટ્ટોએ પાકિસ્તાનની સંસદમાં કહ્યું કે આજે અમે ઈતિહાસ બનાવ્યો છે. જૂના પાકિસ્તાનમાં તમારું સ્વાગત છે. પાકિસ્તાનના દુખના દિવસો પૂરા થઈ ગયા છે. પાકિસ્તાન જિંદાબાદ.
10. ઈસ્લામાબાદ હાઈકોર્ટ ઈમરાન ખાનને એક્ઝિટ કંટ્રોલ લિસ્ટ (ECL) માં સામેલ કરવાની માગણીવાળી એક અરજી પર સુનાવણી કરશે. અત્રે જણાવવાનું કે એક્ઝિટ કંટ્રોલ લિસ્ટ (ECL) માં ઈમરાન ખાન, શાહ મહેમૂદ કુરેશી, ફવાદ ચૌધરી, અને અન્યને સામેલ કરવાની માગણી માટે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરાઈ છે. આ અરજી પર હાઈકોર્ટ સોમવારે સુનાવણી કરશે.
પાકિસ્તાનમાં 13 એપ્રિલના રોજ નવા સ્પીકર માટે ચૂંટણી થશે. અવિશ્વાસના પ્રસ્તાવ પર મતદાન થયું તે પહેલા જ સ્પીકર અસદ કૈસર અને ડેપ્યુટી સ્પીકરે રાજીનામું આપી દીધુ હતું.
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube