હું જલ્દી પાછી આવીશ...એક આઈલેન્ડ માટે અમેરિકાએ બાંગ્લાદેશને બરબાદ કર્યું, શેખ હસીનાનો મોટો ખુલાસો
Bangladesh News: બાંગ્લાદેશમાં હિંસા અને અરાજકતાને લઈને દેશની પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે બાંગ્લાદેશની વર્તમાન હાલત પાછળ અમેરિકાનો હાથ છે.
Bangladesh News: બાંગ્લાદેશમાં હિંસા અને અરાજકતાને લઈને દેશની પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે બાંગ્લાદેશની વર્તમાન હાલત પાછળ અમેરિકાનો બાથ છે. બાંગ્લાદેશ છોડતા પહેલા શેખ હસીના દેશને સંબોધિત કરવા માંગતી હતી. હવે તેમનું ભાષણ સામે આવ્યું છે, જેમાં હસીનાએ અમેરિકા પર ગંભીર આરોપ લગાવ્યા છે.
શેખ હસીનાએ અમેરિકા પર લગાવ્યા ગંભીર આરોપ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શેખ હસીનાએ ભારતમાં પોતાના નજીકના સહયોગીઓ સાથે તેમના અનડિલીવર્ડ ભાષણ વિશે વાત કરી છે. આ ભાષણમાં શેખ હસીનાએ અમેરિકા પર દેશમાં સત્તા પરિવર્તનનું કાવતરું રચવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે જો મને મોકો મળ્યો હોત તો હું મારા ભાષણમાં આ વાત કહેતી.
મે રાજીનામું એટલા માટે આપ્યું જેથી....
શેખ હસીનાએ જણાવ્યું છે કે મે રાજીનામું એટલા માટે આપ્યું જેથી મને લાશોનું સરઘસ જોવું ના પડે. તેઓ વિદ્યાર્થીઓની લાશો પર સત્તામાં આવવા માંગતા હતા, પરંતુ મે એવું થવા દીધું નહોતું. મે જાતે પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું. હું સત્તામાં રહી શકતી હતી જો મેં સેન્ટ માર્ટિન દ્વીપની સંપ્રભુતાને સોંપી દીધી હોત અને અમેરિકાને બંગાળની ખાડી પર કબ્જો કરવાની અનુમતિ આપી હોત તો... હું મારા દેશવાસીઓને વિનંતી કરું છું, કૃપા કરીને કટ્ટરપંથીઓથી પ્રભાવિત ના થાવ.
જો હું દેશમાં રહેતી...
તમને જણાવી દઈએ કે સેન્ટ માર્ટિન દ્વીપનું ક્ષેત્રફળ માત્ર 3 વર્ગ કિલોમીટર છે અને આ બંગાળની ખાડીના પૂર્વોત્તર ભાગમાં આવેલું છે. આ બાંગ્લાદેશનો દક્ષિણી ભાગ છે. હસીનાએ જણાવ્યું છે કે જો હું દેશમાં રહેતી, તો વધુ જીવ ગુમાવવાનો વારો આવતો. મેં જાતે દેશ છોડવાનો નિર્ણય લીધો. તમે મારી તાકાત હતા, તમે મને ઈચ્છતા નહોતા, એટલા માટે મે દેશ છોડી દીધો.
હું જલ્દી પાછી ફરીશ...
પોતાના પાર્ટીના સભ્યોને આપેલા સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે, આવામી લીગ હંમેશાં ફરીથી ઉભો થયો છે. આશા છોડશો નહીં. હું જલ્દીથી દેશમાં પાછી ફરીશ. મે હાર માની લીધી છે, પરંતુ બાંગ્લાદેશના લોકો જીતી ગયા છે, તે લોકો જેના માટે મારાપિતા, મારો પરિવાર શહીદ થયો. તેમણે કહ્યું કે અવામી લીગના નેતાઓના નિશાન બનાવવાની ઘટનાથી મને દુઃખ થયું છે અને તે ટૂંક સમયમાં દેશમાં પરત ફરીશ. અવામી લીગ વારંવાર ઉભી થઈ છે. હું હંમેશા બાંગ્લાદેશના ભવિષ્ય માટે પ્રાર્થના કરીશ.
વિદ્યાર્થીઓને રઝાકાર નથી કહ્યા...
તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેમણે ક્યારેય પણ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને રઝાકાર કહ્યા નથી. વિરોધ પ્રદર્શનો દરમિયાન શેખ હસીનાએ એક નિવેદમાં કહ્યું હતું કે, જો સ્વતંત્રતા સેનાનીઓના પૌત્ર-પૌત્રીઓને કોટાનો લાભ નથી મળતો, તો કોણે મળશે? રઝાકારોના પૌત્ર-પૌત્રીઓને? 1971 ના બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ દરમિયાન પાકિસ્તાન આર્મી દ્વારા ભરતી કરાયેલા અર્ધલશ્કરી દળો માટે ઉપયોગમાં લેવાતા આ શબ્દના કારણે ભારે હોબાળો થયો અને વિરોધ તીવ્ર બન્યો. શેખ હસીનાએ તેમના અનડિલીવર્ડ ભાષણમાં કહ્યું, "મેં તમને ક્યારેય રઝાકર કહ્યા નથી. ઉલટાનું તમને ઉશ્કેરવા માટે મારા શબ્દોને તોડીને રજૂ કરવામાં આવ્યા છે. હું તમને આખો વીડિયો જોવાની વિનંતી કરું છું."
અમેરિકા અને બાંગ્લાદેશની વચ્ચે ખરાબ સંબંધ
શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન અમેરિકા અને બાંગ્લાદેશની વચ્ચે સંબંધ એટલા બગડી ગયા હતા કે વોશિગ્ટન ડીસીએ જણાવ્યું હતું કે, જાન્યુઆરીની ચૂંટણી જેમાં અવામી લીગ સત્તામાં પાછી ફરી હતી, તે સ્વતંત્ર અથવા તો નિષ્પક્ષ નહોતા. તેમના રાજીનામાના થોડાક મહિનાઓ પહેલા શેખ હસીનાએ દાવો કર્યો હતો કે અમારી સરકારને પાડવા માટે કાવતરા રચવામાં આવી રહ્યા છે. તેમણે મે મહિનામાં પણ કહ્યું હતું કે, જો મેં કોઈ ચોક્કસ દેશને બાંગ્લાદેશમાં એરપોર્ટ બનાવવાની પરવાનગી આપી હોત તો મને કોઈ મુશ્કેલી ન પડી હોત.