સૂર્યની વિનાશક સૌર જ્વાળા આજે પૃથ્વીના ગોળા સાથે ટકરાય તેવી આશંકા, જાણો શું અસર થઈ શકે
સૂર્યથી દરેક પળે ભયાનક સૌર તોફાન નીકળતા રહે છે. અનેકવાર એવું બનતું હોય છે કે જ્યારે તેઓ પૃથ્વી સાથે ટકરાતા હોય છે. 24 માર્ચે રવિવારે આવું જ એક તોફાન પૃથ્વી સાથે ટકરાયું. જે લગભગ છ વર્ષોમાં સૌથી શક્તિશાળી સૌર તોફાન છે. આ કારણે પૃથ્વીના વાતાવરણમાં જબરદસ્ત વિસ્ફોટ થયા હતા. પૃથ્વીને આવી વધુ એક થપાટ પડે તેવું જોખમ પણ ઊભું થયું છે.
પૃથ્વી માટે ચેતવણી
અમેરિકાની સંસ્થા નેશનલ ઓશનિક એન્ડ એટમોસફિયરિક એડમિનિસ્ટ્રેશનના સૂત્રોના જણાવ્યાં મુજબ એવી ચેતવણી અપાઈ છે કે 24 માર્ચે જી જી-ક્લાસનું વિદ્યુત ચુંબકીય તોફાન 2017ના તોફાન પછીનું સૌથી મોટું અને ભયાનક તોફાન હતું. વધુ એક સૌર થપાટ આજે પૃથ્વીને વાગે એવી પૂરેપૂરી શક્યતા છે. સૂર્યના ઔરા પર સર્જાયેલા સનસ્પોટથી બહાર ફેંકાયેલી એક્સ ક્લાસની વિનાશકારી સૌર જ્વાળાઓની દિશા પૃથ્વી બાજુ છે. આ સૌર જ્વાળાઓ પૃથ્વી સાથે ટકરાય તેવી 25 ટકા જેટલી શક્યતા રહેલી છે.
ટકરાય તો શું થાય?
આ સૌર જ્વાળા જો પૃથ્વીના ગોળા સાથે ટકરાય તો પૃથ્વીના વાતાવરણમાં ભયાનક વિસ્ફોટ થાય અને તેનાથી આખા યુરોપ ખંડના અને અમેરિકાના આસમાનમાં અરોરા લાઈટ્સ સર્જાવવાની પણ શક્યતા રહેલી છે. અથવા તો અમુક વિસ્તારોમાં સંદેશા વ્યવહાર, રેડિયો અને ટેલિવિઝનના પ્રસારણમાં વિધ્નો, વીજળી પુરવઠો, વગેરે ખોરવાઈ જવાની શક્યતા છે.
અત્રે જણાવવાનું કે દર 11 વર્ષે સૂર્યનું ચુંબકીય ક્ષેત્ર બદલાય છે. ઉત્તરી અને દક્ષિણી ધ્રુવ પોતાની સ્થિતિ બદલતા રહે છે. ત્યારે સૂર્યમાં ગતિવિધિઓ જોવા મળે છે. હાલમાં સૂર્ય પોતાના ચક્રના ચરમ પર છે. ભવિષ્યમાં હજુ વધુ તોફાન જોવા મળી શકે છે.