સ્પેસ ટુરિઝમમાં ઈતિહાસ રચાયો, Space X એ civilians ને 3 દિવસ માટે અંતરિક્ષમાં મોકલ્યા
બિઝનેસમેન એલન મસ્કની કંપની SpaceX નું પહેલું ઓલ-સિવિલિયન ક્રુ બુધવારે રાતે અંતરિક્ષ માટે રવાના થઈ ગયું.
નવી દિલ્હી: બિઝનેસમેન એલન મસ્કની કંપની SpaceX નું પહેલું ઓલ-સિવિલિયન ક્રુ બુધવારે રાતે અંતરિક્ષ માટે રવાના થઈ ગયું. કંપનીએ પહેલીવાર 4 સામાન્ય લોકોને અંતરિક્ષમાં મોકલ્યા. આ મિશનને Inspiration4 નામ આપવામાં આવ્યું છે.
ખાસ વાત એ છે કે ધરતીની કક્ષામાં જનારું આ પહેલું નોન પ્રોફેશનલ એસ્ટ્રોનટ્સનું ક્રુ છે. અંતરિક્ષમાં જનારા ચારેય મુસાફરો ડ્રેગન કેપ્સ્યુલથી અંતરિક્ષમાં રવાના થયા છે. આ એસ્ટ્રોનટ્સ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી 160 કિમી ઊંચે ઉચ્ચ કક્ષાથી દુનિયાની પરિક્રમા કરતા અંતરિક્ષમાં 3 દિવસ પસાર કરશે. ત્યારબાદ સ્પેસક્રાફ્ટ પૃથ્વીના વાયુમંડળમાં ફરીથી પ્રવેશ કરશે અને ફ્લોરિડાના તટથી નીચે આવશે.
ઈસાકમેનના હાથમાં મિશનની કમાન
આ મિશનની કમાન 38 વર્ષના ઈસાકમેનના હાથમાં છે. ઈસાકમેન પેમેન્ટ કંપનીના ફાઉન્ડર અને CEO છે. તેમણે 16 વર્ષની ઉંમરમાં આ કંપનીની શરૂઆત કરી હતી. તેઓ સ્પેસએક્સના સંસ્થાપક એલન મસ્કની અંતરિક્ષ પર્યટનની દુનિયામાં પહેલી એન્ટ્રી છે. આ અગાઉ બ્લ્યૂ ઓરિજિન અને વર્જિન સ્પેસ શિપે પણ પ્રાઈવેટ સ્પેસ ટુરિઝમની શરૂઆત કરીને ઉડાણ ભરી હતી.
ઈસાકમેન ઉપરાંત આ ટ્રીપમાં હેયલી આર્કેનો પણ છે જે 29 વર્ષના કેન્સર સર્વાઈવર છે. તેઓ સેન્ટ જ્યૂડ ચિલ્ડ્રન રિસર્ચ હોસ્પિટલમાં ફિઝિશિયન આસિસ્ટન્ટ છે. મિશનને લીડ કરી રહેલા ઈસાકમેને હોસ્પિટલને 100 મિલિયન ડોલરની રકમ દાન કરવાનું વચન આપ્યું છે. તેઓ આ મિશનથી 100 મિલિયન ડોલર વધુ ભેગા કરવા માંગે છે.
ક્રિસ સેમ્બ્રોસ્કી અને પ્રોક્ટર પણ સામેલ
આ બે લોકો ઉપરાંત આ મુસાફરી પર જનારા લોકોમાં અમેરિકી એરફોર્સના પાઈલટ રહી ચૂકેલા ક્રિસ સેમ્બ્રોસ્કી અને 51 વર્ષના શોન પ્રોક્ટર પણ સામેલ છે. 51 વર્ષના પ્રોક્ટર એરિઝોનાની એક કોલેજમાં જિયોલોજીના પ્રોફેસર છે. હેયલી અંતરિક્ષમાં જનારા સૌથી ઓછી ઉંમરના અમેરિકી નાગરિક છે.
નાસાના ફ્લોરિડા સ્થિત કેનેડી સ્પેસ રિસર્ચ સેન્ટરથી ફાલ્કન-9 રોકેટે ઉડાણ ભરી. આ વખતે ડ્રેગન કેપ્સ્યુલ 357 માઈલ એટલે કે લગભગ 575 કિમીની ઉંચાઈ પર પૃથ્વીની કક્ષામાં પહોંચશે. જે હબલ સ્પેસ ટેલિસ્કોપની બરાબર આગળ સુધી હશે.