અફઘાનિસ્તાનઃ પ્રદર્શનકારીઓ પર આત્મઘાતી હુમલો, 50નાં મોત, 57થી વધુ ઘાયલ
પૂર્વ અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતમાં પોલીસ પ્રમુખની નિમણુકના વિરોધમાં ધોરીમાર્ગ પર જામ કરાયો હતો ત્યારે આત્મઘાતી હુમલાખોરે હુમલો કર્યો
જલાલાબાદઃ અફઘાનિસ્તાનમાં મંગળવારે પ્રદર્શનકર્તાઓ પર થયેલા એક આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 50થી વધુ લોકોનાં મોત થઈ ગયા. આ અગાઉ સ્થાનિક આરોગ્ય વિભાગના પ્રવક્તા ઈનામુલ્લા મિયાખિલે 19નાં મોત અને 57 ઘાયલ થયા હોવાનું જણાવ્યું હતું. જોકે, નંગરહાર પ્રાન્ત પરિષદના ઉપ પ્રમુખે જણાવ્યું કે, આ હુમલામાં 50થી વધુ લોકોનાં મોત થયા છે.
દેશમાં વધતી જતી હિંસાને કારણે શાંતિની વાટાઘાટો અને ચૂંટણી પ્રક્રિયા ખોરંભે ચડી શકે છે. પ્રાંતિય ગવર્નરના પ્રવક્તા અતાઉલ્લાહ ખોગ્યાનીએ જણાવ્યું કે, નંગરહાર પ્રાન્તમાં થયેલા હુમલામાં 57 લોકો ઘાયલ પણ થયા છે. અહી પ્રદર્શનકર્તાઓએ સ્થાનિક પોલીસ પ્રમુખની નિમણૂકના વિરોધમાં ધોરીમાર્ગ જામ કરી દીધો હતો.
ખોગ્યાનીએ એએફપીને જણાવ્યું હતું કે, પ્રાન્તિય રાજધાની જલાલાબાદ બાલિકા વિદ્યાલય બહાર બેવડા વિસ્ફોટના કેટલાક કલાક બાદ આ હુમલો કરાયો છે. એ હમલામાં એક છોકરાનું મોત થયું હતું અને ચાર અન્ય ઘાયલ થયા હતા.
આ દરમિયાન એક અન્ય ઘટનામાં ઉત્તર બગલાન પ્રાન્તમાં તાલિબાનોએ સુરક્ષા ચોકીઓને નિશાન બનાવી હતી. જેમાં પાંચ સૈનિકોના મોત થયા હતા. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ત્યાં હજુ પણ અથડામણ ચાલુ છે અને સેનાની વધુ ટૂકડીઓ મોકલવામાં આવી રહી છે. પ્રાન્તીય પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, આ ઘટનામાં ચાર પોલીસ અધઇકારીનાં પણ મોત થયા હતા. આ હુમલાની કોઈએ જવાબદારી લીધી નથી, આ હુમલા તાલિબાન વિરોધી નેતા અહેમદ શાહ મસુદની હત્યાની 17મી વરસીની પૂર્વ સંધ્યાએ થયા હતા. મસુદનું 11 સપ્ટેમ્બરના રોજ અમેરિકા પર થયેલા આતંકવાદી હુમલાના બે દિવસ પહેલા આત્મઘાતી હુમલામાં મોત થયું હતું.