અમેરિકામાં ખાલિસ્તાનીઓએ હિન્દુ મંદિરની દિવાલો પર લખ્યા ભારત વિરોધી નારા
આ ઘટનાની તસવીરો શેર કરતા અમેરિકાના હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને સોશિયલ મીડિયા પર લખ્યું કે ખાલિસ્તાનીઓએ કેલિફોર્નિયાના નેવાર્કમાં સ્વામીનારાયણ મંદિર વાસણા સંસ્થાને નિશાન બનાવ્યું છે.
અમેરિકામાં એકવાર ફરીથી ખાલિસ્તાનીઓએ હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું છે. આ વખતે ખાલિસ્તાનીઓએ કેલિફોર્નિયાના નેવાર્કમાં આ ઘટનાને અંજામ આપ્યો છે. આ ઘટનાની તસવીરો શેર કરતા અમેરિકાના હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને સોશિયલ મીડિયા પર લખ્યું કે ખાલિસ્તાનીઓએ કેલિફોર્નિયાના નેવાર્કમાં સ્વામીનારાયણ મંદિર વાસણા સંસ્થાને નિશાન બનાવ્યું છે.
સંસ્થાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ખાલિસ્તાનીઓએ મંદિરની દિવાલો પર ખાલિસ્તાની નારા લખ્યા. આ વાતની જાણકારી નેવાર્ક પોલીસની સાથે સાથે સિવિલ રાઈટ્સ ઓફિસરોને પણ આપવામાં આવી છે. મામલાની તપાસ કરવામાં આવશે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશનનું કહેવું છે કે આ વખતે એ વાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે કે આ ઘટનાની તપાસ પોલીસ તેને હેટ ક્રાઈમ ગણીને કરે.
કેનેડામાં ઘટી છે આવી ઘટનાઓ
અત્રે જણાવવાનું કે આ પ્રકારની ઘટનાઓ અમેરિકાની સાથે સાથે કેનેડામાં પણ અનેકવાર ઘટી ચૂકી છે. હાલમાં જ કેનેડામાં ખાલિસ્તાન કટ્ટરપંથીઓએ અડધી રાતે સરે શહેર સ્થિત એક મંદિરમાં તોડફોડ કરી હતી અને મંદિરના મુખ્ય દરવાજા પર ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરના મોત અંગે જનમત સંગ્રહનું પોસ્ટર લગાવ્યું હતું.
આરોપીઓની આ હરકત ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં જોવા મળ્યું હતું કે બે લોકો મંદિરમાં આવ્યા અને બંનેએ મોઢું છૂપાવી રાખ્યું હતું. વાદળી પાઘડી પહેરેલા વ્યક્તિએ મુખ્ય દરવાજા પર ખાલિસ્તાની જનમત સંગ્રહ પોસ્ટર લગાવ્યું હતું. ત્યારબાદ બંને ત્યાંથી ભાગી ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube