જીતની ખુશીમાં પાકિસ્તાનીઓ ભાન ભૂલ્યા, કરાચીના રસ્તાઓ પર ફાયરિંગ, 12 લોકોને ગોળી વાગી
ઇસ્લામાબાદ, કરાચી, રાવલપિંડી અને ક્વેટા જેવા મોટા શહેરોમાં રવિવારે રાત્રે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ હવામાં ફાયરિંગ કરીને ખુશી વ્યક્ત કરી હતી.
કરાચી: T20 વર્લ્ડ કપ (T20 World Cup)માં ભારત (India) સામેની ઐતિહાસિક જીતની ઉજવણીમાં પાકિસ્તાનીઓ ભાન ભૂલ્યા હતા. ઇસ્લામાબાદ, કરાચી, રાવલપિંડી અને ક્વેટા જેવા મોટા શહેરોમાં રવિવારે રાત્રે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ હવામાં ફાયરિંગ કરીને ખુશી વ્યક્ત કરી હતી. એકલા કરાચી (Karachi)માં જ અલગ અલગ જગ્યાએ હવાઈ ફાયરિંગની ઘટનાઓમાં ઓછામાં ઓછા 12 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
કરાચીમાં ફાયરિંગમાં પોલીસકર્મી સહિત 12 ઘાયલ
કરાચી પોલીસે જણાવ્યું કે રવિવારે રાત્રે ઉજવણી દરમિયાન શહેરના જુદા જુદા ભાગોમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન અજાણ્યા લોકોના ફાયરિંગમાં સબ-ઇન્સ્પેક્ટર સહિત 12 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. કરાચીના ઓરંગી ટાઉન સેક્ટર-4 અને 4K ચૌરંઘીમાં અજાણી દિશામાંથી આવતી ગોળીઓને કારણે બે લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. પોલીસે જણાવ્યું હતું કે ગુલશન-એ-ઈકબાલ ખાતે હવાઈ ગોળીબારમાં સામેલ લોકો સામેની કાર્યવાહી દરમિયાન એક સબ ઈન્સ્પેક્ટરને ગોળી વાગવાથથી ઈજા થઈ હતી.
રોડ પર નાચતા કૂદતા જોવા મળ્યા પાકિસ્તાની
આ બન્ને ઘટનાઓ સિવાય કરાચીના સચલ ગોઠ, ઓરંગી ટાઉન, ન્યૂ કરાચી, ગુલશન એ ઈકબાલ અને મલિર સહિત અલગ અલગ વિસ્તારોમાંથી હવાઈ ફાયરિંગ થયું હોવાના અહેવાલ મળ્યા હતા. લોકોએ રોડ પર ભાન ભૂલીને જોરદાર ડાન્સ કર્યો અને આતશબાજી કરી હતી. લોકો રસ્તા પર નાચી રહ્યા હતા, સાથે સાથે પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં પણ ખુશી જોવા મળી હતી.
ઈમરાન ખાને ટીમને આપી જીતની શુભેચ્છા
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને ટી2- વર્લ્ડ કપમાં ટીમને મળેલી જીત પર શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું કે પાકિસ્તાની ટીમને શુભેચ્છા, ખાસ કરીને બાબર આઝમને, જેણે પુરી હિમ્મતથી સાથે ટીમનું નેતૃત્વ કર્યું અને રિઝવાન અને શાહીન આફરીદી, જેમણે શાનદાર પ્રદર્શન કર્યું.
પાકિસ્તાન સેના પ્રમુખે પણ શુભેચ્છા પાઠવી
પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ પણ પાકિસ્તાની ક્રિકેટ ટીમને જીત પર શુભેચ્છા પાઠવી હતી. ડીજી આઈએસપીઆરના ટ્વિટર પર લખ્યું કે ચીફ ઓફ આર્મી સ્ટાફ (COAS)એ પાકિસ્તાન ક્રિકેટ ટીમને આઈસીસી ટી20 વર્લ્ડ કપ મેચમાં ભારત વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કરીને જીત માટે શુભેચ્છા આપી છે.