નવી દિલ્લીઃ જ્યાં એકબાજુ ઘણા દેશ માનવાધિકાર માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે બીજીબાજુ એક દેશ એવો પણ છે જેણે પોતાના દેશના જંગલી જાનવરોને કાયદેસરના અધિકારો આપેલા છે. આ દેશમાં પ્રકૃતિના આધારે પ્રાણીઓને જીવવાનો હક આપવામાં આવે છે. હકીકતમાં આ કાયદો એક કોર્ટના ઐતિહાસિક નિર્ણય બાદ બનાવવામાં આવ્યો છે. જેમાં પ્રાણીઓને ઘણાં પ્રકારના કાયદેસરના અધિકાર આપવામાં આવ્યા છે. અહીં વાત ઈક્વાડોરની છે. લાઈબ્રેરિયન એના બીટ્રિઝ એક વર્ષના વૂલી મંકીને જંગલમાંથી પોતાના ઘરે લાવી હતી. વૂલી મંકીને એસ્ટ્રેલિટા નામ આપવામાં આવ્યુ હતુ. એસ્ટ્રેલિટા 18 વર્ષથી પોતાની માલકિન સાથે ઘરમાં રહેતી હતી. તેણે માણસો સાથે વાતચીત કરતા અને અલગ-અલગ અવાજ કાઢતા શીખ્યુ હતુ. એક દિવસે પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓ એસ્ટ્રેલિટાને ઝૂમાં લઈ જવા માટે આવ્યા..એસ્ટ્રેલિટા માણસોના ઘરમાંથી નીકળીને પ્રાણી સંગ્રહાલયમાં રહેવાનું સહન ન કરી શકી અને તેને કાર્ડિયો-રેસ્પિરેટરી એટેક આવ્યો...એક મહિનાની અંદર એસ્ટ્રેલિટાનું મૃત્યુ થઈ ગયુ. પરંતુ એસ્ટ્રેલિટાના મૃત્યુ પહેલા તેની માલકિને કોર્ટમાં ઓસ્ટ્રેલિટાનો કબ્જો પાછો મેળવવા અરજી દાખલ કરી હતી. અરજીમાં જણાવ્યું હતુ કે, એસ્ટ્રેલિટા પ્રાણી સંગ્રાહલયમાં તણાવ અનુભવશે અને ત્યાં નહીં રહી શકે. એના બીટ્રિઝે કેસમાં વૈજ્ઞાનિક દસ્તાવેજોનો હવાલો આપ્યો હતો. જેમાં જણાવાયું હતુ કે, એસ્ટ્રેલિટાની સંજ્ઞાનાત્મક ક્ષમતા અને સામાજિક જટિલતાવાળા વ્યવહારનો ઉલ્લેખ કર્યો હતો. કેસની સુનાવણી દરમિયાન કોર્ટે જે ચૂકાદો આપ્યો, તેણે ઈતિહાસ રચી દીધો. કોર્ટે દેશની સરકારને આદેશ આપ્યો કે, જાનવરોના અધિકારોમાં સુધારા કરવામાં આવે, અને જરૂર હોય તો નવા કાયદા ઘડવામાં આવે. કોર્ટે પોતાના અવલોકનમાં જણાવ્યું કે,  જંગલી જાનવરોને પાલતુ બનાવવા અને તેમના માનવીકરણની એક એવી પ્રક્રિયા છે, જેનાથી ઈકોસિસ્ટમના પ્રબંધન અને પ્રકૃતિના  સંતુલન પર અસર પડે છે. જાનવરોની વસ્તી ઘટે છે. જંગલી પ્રાણીઓના કાનૂની અધિકારોનું હનન છે. તેમને પ્રાકૃતિક વાતાવરણમાં રહેવાનો અધિકાર છે. તમને જણાવી દઈએ કે, ઈક્વાડોર દુનિયાનો એવો પહેલો દેશ છે, જેણે પોતાના જંગલી જાનવરો માટે કાયયદેસરનાં અધિકાર બનાવ્યા છે. કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે, જંગલી જાનવરોને પોતાની પ્રકૃતિ અનુસાર જીવવાનો અને વિકસીત થવાનો અધિકાર છે. આ તેમની ઈકોલૉજીકલ પ્રક્રિયા છે. જેને કોઈપણ વ્યક્તિ રોકી નથી શકતા. કોઈપણ પ્રકારનો આંતર-પ્રજાતિય સંઘર્ષ નથી કરાવી શકતા. શિકાર નથી કરી શકતા. જંગલમાંથી લાવીને પોતાના ઘરમાં નથી રાખી શકતા. તેમનું માનવીકરણ નથી કરી શકતા. ઈક્વાડોર સિવાય ન્યૂઝીલેન્ડ, કેનેડા અને અમેરિકાના કેટલાક રાજ્યોએ પણ આ પ્રકારના કાયદા બનાવ્યા છે.