નવી દિલ્હી: બાળપણમાં કદાચ દરેકની એવી આશા હોય છે કે કાશ એવું કોઈ ઝાડ હોય કે તેની ઉપર ચોકલેટ ઉગતી હોય. થોડા મોટા થાઓ એટલે એમ થાય કે કાશ..પૈસા ઝાડ પર ઉગતા હોય તો કેટલું સારું, પરંતુ જ્યારે વાસ્તવમાં વિચારો તો આવી બધી ઈચ્છાઓ પર હસવું આવે. પરંતુ એક વ્યક્તિએ પોતાની ઈચ્છા પૂરી કરવા માટે એવું કામ કર્યું કે જાણીને અચંબિત થઈ જશો. રશિયામાં રહેતા એન્ડ્રી અરેમીવને બીયર પીવાનો ગજબનો શોખ છે. વારંવારની ઝંઝટથી બચવા માટે તેણે ઘરમાં જ બિયરનો નળ લગાવવાની વ્યવસ્થા કરી નાખી. આ સાંભળીને આમ તો આશ્ચર્ય થાય પરંતુ બિલકુલ સાચુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નળમાંથી નીકળે છે ઠંડી બીયર
એન્ડ્રી એરેમીવના રસોડામાં લાગેલા નળમાંથી નીકળે છે ઠંડી બીયર. તમે પણ વિચારતા હશો કે આમ કેવી રીતે બન્યું. આ કોઈ કરામત નહીં પરંતુ તેણે પ્રોસેસ ફોલો કરીને કર્યુ છે. ઘરમાં જેમ ઠંડા અને ગરમ પાણીના નળ કામ કરે છે તે જ રીતે આ બીયરનો નળ કામ કરે છે.  એરેમીવના ઘરમાં ત્રીજો નળ બીયરનો છે. 



મજાકને હકીકતમાં ફેરવી
ચેલ્યાબિંસ્કમાં રહેતા એરેમીવનું આ સપનું એટલા માટે સાકાર થયું કારણ કે તેનો ફ્લેટ એક નાની બ્રુઅરી (દારૂની ભટ્ઠી) ઉપર આવેલો છે. એકવાર તેણે મજાકમાં બ્રુઅરીના સીઈઓને બીયર પાઈપલાઈન માટે કહ્યું. ત્યારબાદ તેણે કહ્યું કે આ હકીકતમાં પણ ફેરવાઈ શકે છે. પછી તેણે એક એન્જિનિયરની મદદથી તેને વાસ્તવમાં કરી દેખાડ્યું. 


તેણે બ્રુઅરીથી સીધી ઘર સુધીની એક પાઈપલાઈન કનેક્શન લઈ લીધુ. જો કે આ પાઈપલાઈન તૈયાર કરતા તેને ખુબ સમય લાગ્યો. બીયર કંપનીના માલિક, પોલીસ અને હાઉસિંગ સોસાયટીની મંજૂરી લીધા બાદ તેણે દસ્તાવેજો પૂરા કર્યાં. ત્યારબાદ જ એરેમીવનું આ સપનું સાકાર થઈ શક્યું. બ્રુઅરીથી એન્ડ્રીના રસોડા સુધી 10 મીટર લાંબી પાઈપ લાઈન લાગી છે. પાઈપ દ્વારા જે બીયરનો સપ્લાય તેના ઘરમાં કરવામાં આવે છે તેને એક નિશ્ચિત તાપમાનમાં રાખવામાં આવે છે.