વોશિંગટનઃ શ્રીલંકાના વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેને અચાનક પદ પરથી દૂર કરવાના કારણે દેશમાં ઊભા થયેલા રાજકીય સંકટ પર અમેરિકાની બાજ નજર છે. તેણે તમામ પક્ષોને કાયદેસરની પ્રક્રિયાનું પાલન કરવાની અપીલ કરી છે. વિદેશ મંત્રાલના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સોમવારે જણાવ્યું કે, અમેરિકા, શ્રીલંકાના ઘટના બાબતે ચિંતિત છે અને તેના પર ખાસ ધ્યાન આપી રહ્યું છે. સાથે જ એ તમામ પક્ષોને નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવાની અપીલ કરે છે. 


તેમણે જણાવ્યું કે, અમે આશા રાખીએ છીએ કે નેતૃત્વ ગમે તેના હાથમાં હોય પરંતુ શ્રીલંકાની સરકાર માનવાધિકાર, કાયદાનું શાસન, સુધારા, જવાબદારી, ન્યાય અને સમાધાનની પોતાની પ્રતિબદ્ધતાઓ જાળવશે. પ્રવક્તાએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિએ સ્પીકર સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ તાત્કાલિક સંસદનું સત્ર બોલાવવું જોઈએ, જેથી લોકશાહી રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ નિર્ણય કરી શકે કે તેમની સરકારનું નેતૃત્વ કરવાની જવાબદારી તેઓ કોને આપવા માગે છે. 


ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેનાએ શુક્રવારે વિક્રમસિંઘને સસ્પેન્ડ કરી દીધા હતા અને પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેને દેશના નવા વડા પ્રધાન નિમ્યા હતા. જેના કારણે શ્રીલંકામાં રાજકીય ઉથલ-પાથલ સર્જાઈ હતી. 


બીજા દિવસે વિક્રમસિંઘેએ તેમને સસ્પેન્ડ કરવાનાં પગલાંને ગેરકાયદેસર અને ગેરબંધારણિય જણાવતા આ નિર્ણયને માનવાનો ઇનકાર કરી દીધો અને બહુમત સાબિત કરવા માટે આપાતકાલીન સંસદીય સત્ર બોલાવાની માગ કરી છે. તેમ છતાં રાષ્ટ્રપતિએ સંસદને પણ ભંગ કરી દીધી છે. 


દેશના આ રાજકીય સંકટ પર વિશ્લેષકો પોત-પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. એટલાન્ટિંક કાઉન્સિલ થિન્ક ટેન્કના ભારતના ગોપાલસ્વામીએ ફોરેન પોલિસી મેગેઝીનમાં લખ્યું છે કે, આ દેશમાં રાજકીય ઉથલ-પાથલ ચીન માટે ફાયદાકારક છે. મહિંદા રાજપક્ષેનું ફરીથી વડા પ્રધાન બનવું ચીન માટે આ દેશની રાજનીતિ અને વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવવાના પ્રયાસો માટે બીજી તક બની રહેશે.