2024 US Election Results: કોણ આગળ છે ડોનાલ્ડ ટ્રમ્પ કે કમલા હેરિસ? જાણો કોણ ક્યાં જીત્યું? પળે પળની અપડેટ
અમેરિકામાં ચૂંટણીની રાત છે. 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ આવવાના શરૂ થઈ ગયા છે. કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ ભરોસાપાત્ર રાજ્યોમાં જીત નોંધાવતા જોવા મળી રહ્યા છે.
અમેરિકામાં ચૂંટણીની રાત છે. 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ આવવાના શરૂ થઈ ગયા છે. કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ ભરોસાપાત્ર રાજ્યોમાં જીત નોંધાવતા જોવા મળી રહ્યા છે. છેલ્લે મળતી માહિતી મુજબ ટ્રેન્ડમાં ટ્રમ્પ 214 ઈલેક્ટોરલ મતમાં આગળ/જીત્યા છે જ્યારે કમલાને 179 મત. ટ્રમ્પ અને કમલામાંથી કોણ રાષ્ટ્રપતિ બનશે તે સ્વિંગ સ્ટેટ્સ જ્યોર્જિયા, એરિઝોના, પેન્સિલ્વેનિયા, મિશિગન, વિસ્કોન્સિન, નોર્થ કેરોલિના પર નજર છે.
કયું રાજ્ય કોણે જીત્યું
ધ એસોસિએટેડ પ્રેસના લાઈવ પ્રોઝેક્શન્સ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યાર સુધીમાં ઈન્ડિયાના, કેન્ટકી, વેસ્ટ વર્જિનિયા, ટેનેસી, મિસિસિપ્પી, અલાબામા, ફ્લોરિડા, સાઉથ કેરોલિના અને ઓકલાહોમામાં જીત નોંધાવી છે. જ્યારે કમલા હેરિસે વર્મોટ, ન્યૂ જર્સી, મેસાચુસેટ્સ, રોડ આઈલેન્ડ, કનેક્ટિકટ, ડેલાવેયર, મેરિલેન્ડ, અને ઈલિનોયમાં જીત મેળવી છે.
શું છે સ્વિંગ સ્ટેટ્સના હાલ
2024ના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં 7 સ્વિંગ રાજ્યો એરિઝોના, જ્યોર્જિયા, મિશિગન, નેવાદા, નોર્થ કેરોલિના, પેન્સિલ્વેનિયા, અને વિસ્કોન્સિનના એક્ઝિટ પોલ જણાવે છે કે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ અને રિપલ્બિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કાંટાની ટક્કર થશે. એક્ઝિટ પોલ દેખાડે છે કે કમલા હેરિસ મામૂલી લીડ મેળવતા જોવા મળે છે. એડિસન રિસર્ચે 7 રાજ્યોમાં કરાવેલા એક્ઝિટ પોલના પ્રાથમિક તારણોના આધારે જણાવ્યું કે લગભગ 47 ટકા મતદારોએ કમલા હેરિસ પ્રત્યે પોઝિટિવ ટ્રેન્ડ દેખાડ્યો, જ્યારે ટ્રમ્પ માટે લગભગ 45 ટકા વોટર્સે સમર્થન દેખાડ્યું.
કેમ મહત્વના છે સ્વિંગ સ્ટેટ્સ
અમેરિકામાં 50 રાજ્યો છે અને તેમાંથી મોટાભાગના દરેક ચૂંટણીમાં એક જ પાર્ટીને મત આપે છે. પરંતુ સ્વિંગ રાજ્યોના ચૂંટણી પરિણામો મહત્વના ગણાય છે કારણ કે આ રાજ્યોમાં મતદારોના મિજાજ બદલાતા રહે છે. એરિઝોના, જ્યોર્જિયા, મિશિગન, નેવાદા, નોર્થ કેરોલિના, પેન્સિલ્વેનિયા અને વિસ્કોન્સિનમાં બધા મળીને 93 ઈલેક્ટોરલ મત છે. આ સાત રાજ્ય રાષ્ટ્રપતિની ખુરશી પર બેસવા માટે જરૂરી 270 ઈલેક્ટોરલ મત ઈચ્છતા કોઈ પણ ઉમેદવાર માટે મહત્વનું છે. પેન્સિલ્વેનિયા, મિશિગન અને વિસ્કોન્સિન મળીને એક તિકડી બનાવે છે જેને બ્લ્યૂ વોલ કહે છે. આ 2016માં ટ્રમ્પ સાથે ગઈ હતી પરંતુ 2020માં જો બાઈડેને મામૂલી અંતરથી જીતી હતી.
ક્યાં સુધીમાં આવશે ફાઈનલ પરિણામ
2024ની અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીનું પરિણામ મતદાન પૂરું થયાના ગણતરીના કલાકોમાં આવી શકે છે. પરંતુ કઈ પણ પાક્કા પાયે કહી શકાય નહીં. પરિણામ આવવામાં પૂરો દિવસ, સપ્તાહ અને જેમ કે એક કેસમાં થયું હતું તેમ મહિનો પણ લાગી શકે છે.
ઐતિહાસિક ચૂંટણી
જો કમલા હેરિસ આ ચૂંટણી જીતે તો તેઓ અમેરિકાની રાષ્ટ્રપતિ બનનારી પહેલી મહિલા, પહેલી અશ્વેત મહિલા અને દક્ષિણ એશિયન મૂળના પહેલા વ્યક્તિ બની જશે.