વોશિંગ્ટન: અમેરિકાએ મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાંથી બહાર થવાની જાહેરાત કરી દીધી છે. અમેરિકાએ માનવાધિકાર પરિષદ પર ઈઝરાયેલ વિરોધી હોવાનો આરોપ લગાવીને આ નિર્ણય લીધો છે. અમેરિકી વિદેશમંત્રી માઈક પોમ્પિઓ અને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત નિકી હેલીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત કરી અને પરિષદને રાજનીતિક પક્ષપાતથી પ્રેરિત ગણાવી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોમ્પિઓ અને નિકીએ જાહેરાત કરતી વખતે રશિયા, ચીન, ક્યુબા અને ઈજિપ્ત પર આકરા પ્રહારો પણ કર્યાં. અમેરિકાનો આરોપ છે કે તેના દ્વારા સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં સુધારાની કોશિશોને આ દેશોએ  પૂરી થવા દીધી નથી. હેલીએ તે દેશોની પણ આલોચના કરી જે અમેરિકી મૂલ્યોને શેર કરે છે પરંતુ યથાસ્થિતિને ગંભીરતાથી પડકારવાના ઈચ્છુક નથી. UNHRCની સ્થાપના 2006માં થઈ હતી. તેનો હેતુ દુનિયાભરમાં માનવાધિકારના મુદ્દા પર નજર રાખવાનો છે.


અત્રે જણાવવાનું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અનેકવાર ધમકી આપી ચૂક્યા છે કે જો 47 દેશોના સભ્યોવાળી આ પરિષદમાં સુધાર નહીં થાય તો અમેરિકા તેમાંથી બહાર થઈ જશે. પરિષદમાં હજુ અમેરિકાએ પોતાનો અડધો કાર્યકાળ પૂરો થયો છે.


સીએનએનના જણાવ્યાં મુજબ હેલીએ કહ્યું છે કે લાંબા સમયથી માનવાધિકાર પરિષદ માનવાધિકારોનો ભંગ કરનારાઓની સંરક્ષક બનેલી છે. માનવાધિકારોના ભંગ કરનારાઓનું સુરક્ષા પરિષદમાં પસંદ થવાનું જારી જ છે. અત્રે જણાવવાનું કે અમેરિકાનો આ ફેસલો UNHRC દ્વારા ટ્રમ્પ પ્રશાસસની સીમા સુરક્ષા નીતિની આલોચનાના એક દિવસ બાદ આવ્યો છે. આ નીતિ હેઠળ જ ગેરકાયદેસર પ્રવાસીઓના બાળકોને તેમનાથી અલગ રાખવામાં આવી રહ્યાં છે.


અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશના શાસનકાળમાં પણ 3 વર્ષ સુધી માનવાધિકાર પરિષદનો બહિષ્કાર કરાયો હતો. પરંતુ ઓબામા રાષ્ટ્રપતિ બન્યા ત્યારબાદ 2009માં તેઓ પરિષદમાં ફરીથી સામેલ  થયા હતાં.