ભારતને ફરી ઝટકો આપી શકે છે વિજય માલ્યા, બ્રિટિશ સરકાર સામે કરશે અપીલ
ભાગેડુ વ્યવસાયી વિજય માલ્યાએ જણાવ્યું છે કે, તે બ્રિટિશ સરકારના એ નિર્ણય સામે અપીલ કરવાની તૈયારીમાં છે જેમાં તેને ભારતીય અધિકારીઓને સોંપવા માટે મંજૂરી આપવામાં આવી છે
લંડનઃ ભાગેડુ વ્યવસાયી વિજય માલ્યાએ જણાવ્યું છે કે, તે બ્રિટિશ સરકારના એ નિર્ણય સામે અપીલ કરવાની તૈયારીમાં છે જેમાં તેને ભારતીય અધિકારીઓને સોંપવા માટે મંજૂરી આપવામાં આવી છે. માલ્યાએ ટ્વીટ કરીને જણાવ્યું કે, વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ અદાલતા 10 ડિસેમ્બર, 2018ના આદેશ પર ચૂકાદો આવી ગયા બાદ મેં મારી અપીલ અંગેનો ઈરાદો વ્યક્ત કર્યો છે. ગૃહમંત્રીના નિર્ણય પહેલા હું અપીલ કરી શકું એમ ન હતો. હવે હું અપીલ કરીશ.
ગૃહમંત્રીએ આપ્યા હતા આદેશ
વિજય માલ્યાના પ્રત્યાર્પણ અંગે બ્રિટનના ગૃહ મંત્રી સાજિદ જાવેદે રવિવારે મંજૂરી આપી હતી.જેને માલ્યાને ભારત પાછો લાવવાના ભારતના પ્રયાસોમાં મોટી સફળતા કહેવાઈ હતી. જાવેદ દ્વારા માલ્યાના પ્રત્યાર્પણના આદેશ પર હસ્તાક્ષર કરાયા બાદ હવે માલ્યા પાસે હાઈકોર્ટમાં અપીલ કરવાની મંજૂરી લેવાનો બે અઠવાડિયાનો સમય છે. જાવેદ દ્વારા પ્રત્યાર્પણના આદેશ પર હસ્તાક્ષર કરાયાના કેટલાક કલાક બાદ જ માલ્યાએ સોશિયલ મીડિયા પર આ નિર્ણયની સામે અપીલ કરવાની વાતને સમર્થન આપ્યું હતું.
દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત બાદ અણ્ણા હજારેએ સાતમા દિવસે કર્યા પારણા
9 હજાર કરોડની છેતરપીંડી
વિજય માલ્યા ભારતમાં દારૂના કારોબાર સાથે સંકળાયેલો છે. આ ઉપરાંત તેણે કિંગફિશર નામની એક એરલાઈન્સ પણ શરૂ કરી હતી. આ એરલાઈન્સ ફડચામાં જતાં વિજય માલ્યા દેવામાં ડૂબી ગયો હતો. તેના પર ભારતીય બેન્કોના રૂ.9000 કરોડનું દેવું છે.
અપીલ પછી અદાલત નક્કી કરશે
એક વખત અપીલ દાખલ થઈ ગયા પછી અદાલત એ નક્કી કરશે કે તેને સ્વીકાર કરવા માટે યોગ્ય આધાર છે કે નહીં. તેનાથી બ્રિટનની હાઈકોર્ટ અંતર્ગત આવતી વહીવટી અદાલતમાં આગામી કેટલાક મહિના સુધી સુનાવણી ચાલી શકે એમ છે. બ્રિટનની કાયદાકીય પ્રક્રિયા મુજબ આ અપીલની સુનાવણીમાં પાંચથી છ મહિનાનો સમય લાગી શકે છે.