ભૂખમરાની સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર્ના રિપોર્ટમાં જોવા મળ્યું ચોંકાવનારું ચિત્ર, 52 દેશના 19 કરોડ લોકોનો કરાયો સમાવેશ
યૂએનના રિપોર્ટમાં તે દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યાં ફૂડ ક્રાઈસીસની ગંભીરતા સ્થાનિક સંસાધનો અને ક્ષમતાઓ કરતાં ઘણી વધારે છે. આ રિપોર્ટમાં સાઉથ આફ્રિકાના દેશો, ઈથોપિયા, દક્ષિણી માડાગાસ્કર, દક્ષિણ સુદાન અને યમનમાં રહેતા 5.7 લોકોને ગંભીર શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. કેમ કે આ લોકો અત્યંત દયનીય અને ખરાબ પરિસ્થિતિમાં જીવનનિર્વાહ કરે છે.
નવી દિલ્લી: દુનિયાભરમાં અનેક દેશો એવા છે જ્યાં લોકોને બે ટંકનું ખાવાનું પણ મળતું નથી. આ અમે એટલા માટે કહી રહ્યા છીએ. કેમ કે સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં સામે આવ્યું છે કે દુનિયાભરમાં ભૂખમરાનો સામનો કરનારા લોકોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આ રિપોર્ટમાં 52 દેશના લગભગ 19 કરોડ લોકોને વર્ષ 2021માં ખાવાની વસ્તુઓના સંકટનો સામનો કરવો પડ્યો. વર્ષ 2020ની સરખામણીમાં 2021માં આ આંકડો ચાર કરોડ સુધી વધી ગયો છે.
કોણે તૈયાર કર્યો છે રિપોર્ટ:
આ રિપોર્ટ ખોરાકના સંકટની સામે વૈશ્વિક નેટવર્કે તૈયાર કર્યો છે. GNAFC સંયુક્ત રાષ્ટ્ર, યૂરોપીય સંઘ, સરકારી અને બિન-સરકારી એજન્સીઓનું આંતરરાષ્ટ્રીય ગઠબંધન છે. GNAFC એટલે ગ્લોબલ નેટવર્ક અગેઈન્સ્ટ ફૂડ ક્રાઈસીસ.
દુનિયાભરમાં કેવી છે સ્થિતિ:
વર્લ્ડ ફૂડ કાર્યક્રમના કાર્યકારી ડાયરેક્ટર ડેવિડ બિજલીએ જણાવ્યું કે અત્યારના સમયમાં ભૂખમરાનો સામનો કરી રહેલા લોકોની સંખ્યામાં ઐતિહાસિક ઉછાળો આવ્યો છે. જેના કારણે દુનિયાભરમાં સ્થિતિ હતી તેના કરતાં પણ વધારે ખરાબ થઈ રહી છે. આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ખોરાકના સંકટનો સામનો કરી રહેલા લોકોને જો સમયસર ખોરાક કે કોઈ માનવીય મદદ પહોંચાડવી હોય તો તે તત્કાલ ઉઠાવવાની જરૂરિયાત છે.
રિપોર્ટમાં બીજું શું કહેવામાં આવ્યું છે:
ઈમરજન્સીની સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે કામ કરવાની જગ્યાએ જો આ સંકટનો જડમૂળથી નાશ કરવામાં આવે તે વધારે મહત્વનું છે. વિશ્લેષકો માને છે કે આજીવિકા ખતમ થવાથી બચાવવા અને ભૂખમરો, ભૂખમરાથી થતા મોતને ઘટાડવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. નહીં તો સ્થિતિ વધારે ભયાનક બની શકે છે.
દક્ષિણ આફ્રિકાના દેશોમાં છે સૌથી વધારે ભૂખમરો:
આ રિપોર્ટમાં જે દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં ઈથોપિયા, દક્ષિણી માડાગાસ્કર, દક્ષિણ સુદાન અને યમનમાં રહેતા 5.7 લાખ લોકોને અત્યંત ખરાબ સ્થિતિમાં મૂકવામાં આવ્યા છે. આ લોકો અત્યંત દયનીય સ્થિતિનો સામનો કરવા માટે મજબૂર છે. કેમ કે અહીંયા સૌથી વધારે ખોરાકનું સંકટ છે. સાથે જ સ્થાનિક સંસાધનો અને ક્ષમતાઓ બહુ જ ઓછી છે.
કેમ ભૂખમરાનું સંકટ વધી રહ્યું છે:
1. હિંસક સંઘર્ષ
2. અથડામણ
3. પર્યાવરણ અને જળવાયુ સંકટ
4. આર્થિક-સ્વાસ્થ્ય સંકટ
5. કોરોના જેવી મહામારી
6. ગરીબી અને વિષમતા
આ એવા પાયાના કારણો છે જેના કારણે સતત ભૂખમરાની સ્થિતિ વધી રહી છે. આ સિવાય ગ્લોબલ વોર્મિંગના કારણે દુનિયાના દેશોમાં વાતાવરણમાં પણ અદભૂત પરિવર્તન આવ્યું છે. જેના કારણે પણ 8 દેશના 2 કરોડ 30 લાખથી વધારે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. જ્યારે આર્થિક સંકટના કારણે 21 દેશના 3 કરોડ લોકોને અસર થઈ છે. આ સિવાય કોરોનાના કારણે 17 દેશના 4 કરોડ લોકો પ્રભાવિત થયા છે.
જ્યારે હિંસક સંઘર્ષ અને અથડામણના કારણે 24 દેશમાં 13 કરોડ 90 લાખ લોકો એક ટંક ખાવા માટે ફાંફા મારી રહ્યા છે. રશિયા અને યૂક્રેન યુદ્ધના કારણે યૂક્રેનના લાખો લોકો હિજરત કરવા મજબૂર બન્યા. તે કયા દેશમાં ગયા અને તેમને કેવી વ્યવસ્થા મળી તે અંગે કોઈ માહિતી મળી શકી નથી. પરંતુ જે પ્રમાણે દુનિયાના અનેક દેશોમાં લાખો લોકો દર વર્ષે ભૂખમરાના કારણે પલાયન કરી બીજા દેશમાં જઈ રહ્યા છે. આ સ્થિતિને જો કાબૂમાં નહીં રાખવામાં આવે તો ભૂખમરો મહામારી સાબિત થઈ શકે છે.