બોલો હવે શું કરીશું? સેક્સ્યુલ પાવર વધારવાની દવાની આડમાં પણ થઈ શકે છે મોટો કાંડ

અમદાવાદમાં થોડા દિવસ પહેલા અમદાવાદ સાયબર ક્રાઇમમાં એક ફરિયાદ નોંધાઇ હતી. જેમાં ફરિયાદીને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને તેમાં જણાવ્યું હતું કે તે સાયબર ક્રાઈમનાં પીએસઆઇ હેમંતસિંહ વાત કરે છે અને ફરિયાદીએ અર્બન મેટ્રો કંપનીમાં એક દવાનો ઓર્ડર કર્યો હતો.

બોલો હવે શું કરીશું? સેક્સ્યુલ પાવર વધારવાની દવાની આડમાં પણ થઈ શકે છે મોટો કાંડ

ઉદય રંજન/અમદાવાદ: પુરુષના સેક્સ્યુલ પાવર વધારવાની દવાની આડમાં સાયબર ક્રાઇમના અધિકારીની ઓળખ આપી લાખોની છેતરપિંડી કરનાર સાયબર ગાંઠિયાની સાયબર ક્રાઇમ બ્રાંચે ચરપક્ડ કરી છે. 

ઓનલાઇન કોઈપણ વસ્તુ સર્ચ કરતા પહેલા હવે લોકોએ ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે. કેમ કે સાયબર ગઠિયાઓ હવે ધીમે ધીમે લોકોને સૌથી વધુ ઓનલાઈન પોતાનો શિકાર બનાવી રહ્યા હોવાના અનેક કિસ્સા ઓ સામે આવ્યા છે. અમદાવાદમાં થોડા દિવસ પહેલા અમદાવાદ સાયબર ક્રાઇમમાં એક ફરિયાદ નોંધાઇ હતી. જેમાં ફરિયાદીને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને તેમાં જણાવ્યું હતું કે તે સાયબર ક્રાઈમનાં પીએસઆઇ હેમંતસિંહ વાત કરે છે અને ફરિયાદીએ અર્બન મેટ્રો કંપનીમાં એક દવાનો ઓર્ડર કર્યો હતો. જે બાદ તે ઓર્ડરને ફરિયાદીએ રિજેક્ટ કર્યો હતો અને તેના વિશે રીવ્યુમાં ખરાબ પ્રતિભાવો આપેલા હતા.

અર્બન મેટ્રો કંપનીએ ફરિયાદી ઉપર કેસ કર્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. જે બાદ ફરિયાદીને મોબાઇલ પર એક ખોટી નોટિસ પણ આપવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે તેઓ જો સમાધાન કરવા માંગતા હોય તો 30,000 રૂપિયા દંડ ભરવો પડશે અથવા તો ત્રણ મહિનાની જેલની સજા ભોગવી પડશે. જે નંબર પરથી ફરિયાદીને ફોન આવ્યો હતો. તેમાં PSIનો ફોટો પણ રાખવામાં આવ્યો હતો. જોકે ફરિયાદીને શંકા જતાં તેણે સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો તો જાણવા મળ્યું કે હેમંતસિંહ નામના કોઈ પીએસઆઇ સાઇબર ક્રાઇમમાં ફરજ બજાવતા નથી. જેના આધારે ફરિયાદીએ અમદાવાદ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ એ બે આરોપી અજય વર્મા અને હિમાંશુ પરમારની ધરપકડ કરી છે.

પોલીસે ફરિયાદના આધારે અજય ઉર્ફે અજજુ વર્મા અને હિમાંશુ પરમારની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી અજય મૂળ યુપીનો છે અને હાલ અમદાવાદમાં રહે છે. આરોપી અજય થોડા સમય પહેલા એક આયુર્વેદિક કંપની માં સેલ્સમેન તરીકે કામ કરતો હતો. અજય એક વખત તેની દવાના માર્કેટિંગ મામલે કોઈ વ્યક્તિને ફોન કર્યો હતો અને તે વ્યક્તિએ અજયને જણાવ્યું હતું કે અમારા ઉપર ફ્રોડ થયું છે અને અમને નોટિસ મળેલી છે. જેથી અજયે તે નોટિસ મેળવી લીધી હતી અને તેણે તે નોટિસ ઉપરથી અન્ય લોકો સાથે ફ્રોડ કરવાની પ્રેરણા મેળવી હતી. જે બાદ અજય તેના મિત્ર હિમાંશુ સાથે મળી છેલ્લા બે મહિનાથી અલગ અલગ લોકોનો સંપર્ક કરી તેને ધમકાવતો હતો અને ખોટી નોટીસ બનાવી તેની પાસેથી પૈસા પડાવતા હતો.

આરોપી અજય અને હિમાંશુ સાથે મળીને છેલ્લા બે મહિનાથી લોકોને પૈસા પડાવવાનો ધંધો કરી રહ્યા હતા. આરોપી હિમાંશુ જે અંકુશ આયુર્વેદિક માં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો ત્યારે અંકુશ આયુર્વેદના નામે ફેસબુકમાં એક જાહેરાત ચલાવતા હતા. તે એડમાં જે ડેટા જનરેટ થતો હતો તે અજય મેળવતો હતો. આ ઉપરાંત સોશિયલ મીડિયા મારફતે કોઈ લોકો આયુર્વેદિક કંપની સર્ચ કરતા હોય તેનો ડેટા પણ અજય મેળવી લેતો હતો. મેળવેલા ડેટાના આધારે અજય લોકોને ફોન કરતો હતો અને ખોટી નોટિસ મોકલી ડરાવી ધમકાવી પૈસા પડાવતા હતો.

પોલીસની તપાસ અને પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે છેલ્લા બે મહિનામાં અજય અને હિમાંશુ દ્વારા 40 થી 45 લોકોને પોતાનો શિકાર બનાવી પાંચ લાખથી વધુ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. પોલીસ ને અજય ના મોબાઈલ માંથી અલગ અલગ લોકોના નામની 20 જેટલી ખોટી નોટિસ મળી આવી છે તેમજ 25 જેટલી ખોટી નોટીસ અજય ડીલીટ કરી હોવાનું પણ સામે આવ્યું છે. બંને સાથે મળીને ગુજરાત તેમજ અન્ય રાજ્યના લોકોને પણ પોતાનો શિકાર બનાવ્યો હોવાનું સામે આવ્યું છે.

હાલ તો અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદના આધારે અજય અને હિમાંશુ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. આ બંને વિરુદ્ધ સરગાસણ પોલીસ મથકમાં પણ એક ફરિયાદ નોંધાયેલી છે. જોકે પોલીસ તપાસ કરી રહી છે કે આ બંને વિરુદ્ધ અન્ય કેટલીક જગ્યાઓ પર ફ્રોડની ફરિયાદ નોંધાય છે અને આ ગેંગમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news