લોકસભા-2019 ભાવનગર સીટઃ પ્રથમ વખત કોળી વિરુદ્ધ પટેલનો જંગ

ભાવનગર લોકસભાની બેઠક પર આ વખત પ્રથમવાર કોળી અને પટેલ વચ્ચે જંગ જામવાનો છે. પાટીદાર અનામત આંદોલન પછીના બદલાયેલા પરિબળો, બોટાદ જિલ્લાનો આ બેઠકમાં સમાવેશ, અન્ય સમાજની નારાજગી સહિતના પરિબળોને ધ્યાનમાં લીને કોંગ્રેસ દ્વારા મનહર પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપનો આ બેઠક પર છેલ્લી 7 ટર્મથી કબ્જો છે. 

લોકસભા-2019 ભાવનગર સીટઃ પ્રથમ વખત કોળી વિરુદ્ધ પટેલનો જંગ

ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ ભાવનગરની લોકસભા બેઠક પર 1991થી ભાજપનો કબ્જો છે. આ બેઠક પર 6 વખત ભાજપના ક્ષત્રિય અને એક વખત કોળી ઉમેદવાર વિજેતા બન્યા છે. ભાજપે વર્તમાન સાંસદ ભારતીબેન શિયાળને રિપીટ કરીને ચૂંટણી જીતવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. તેની સામે કોંગ્રેસે પ્રથમ વખત પટેલ મેદાનમાં ઉતારીને નવા સમીકરણ માંડ્યા છે. ભાવનગરની લોકસભા બેઠકમાં સૌથી વધુ વસતી કોળી, પાટીદાર અને ક્ષત્રિય સમાજની છે. 

ભાવનગર લોકસભાની બેઠક પર આ વખત પ્રથમવાર કોળી અને પટેલ વચ્ચે જંગ જામવાનો છે. પાટીદાર અનામત આંદોલન પછીના બદલાયેલા પરિબળો, બોટાદ જિલ્લાનો આ બેઠકમાં સમાવેશ, અન્ય સમાજની નારાજગી સહિતના પરિબળોને ધ્યાનમાં લીને કોંગ્રેસ દ્વારા મનહર પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પાટીદાર આંદોલનમાં પણ ભાવનગર જિલ્લામાં સક્રિયતા જોવા મળી હતી. આથી પાટીદાર ફેક્ટર પણ આ બેઠક પર કામ કરશે. 

સમસ્યાઓ
ભાવનગરની 'દિલ્હી દરબાર'માં ઉપેક્ષા થતી હોય એવું સ્પષ્ટ જોવા મળ્યું છે. કેમકે, અહીં ઔદ્યોગિક વિકાસના નામે મીડું છે. લાંબા સમય બાદ રો-રો ફેરી શરૂ થઈ છે, પરંતુ મુળભૂત સમસ્યાઓ તો યથાવત જ રહી છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ સાથે સરખામણી કરીએ તો ભાવનગર જિલ્લો વિકાસની બાબતે હજુ પણ પાછળ છે. 

લોકસભામાં આવતી વિધાનસભા બેઠકો
ભાવનગર લોકસભા બેઠકમાં વિધાનસભાની કુલ 7 બેઠકનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાંથી 2 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે, જ્યારે 5 બેઠક પર ભાજપના ધારાસભ્ય છે. ભાવનગરના સંસદીય ક્ષેત્રમાં ભાવનગર જિલ્લાના મહુવા અને ગારિયાધારનો સમાવેશ કરાયો નથી, પરંતુ બોટાદ અને ગઢડાનો સમાવેશ કરવામાં આવેલો છે. 
વિધાનસભા બેઠક    વિજેતા પક્ષ
તળાજા                     કોંગ્રેસ
પાલિતાણા                ભાજપ
ભાવનગર ગ્રામ્ય       ભાજપ
ભાવનગર પૂર્વ          ભાજપ
ભાવનગર પશ્ચિમ      ભાજપ
ગઢડા(એસટી)           કોંગ્રેસ
બોટાદ                     ભાજપ

તાલુકા-જિલ્લા પંચાયત 
ભાવનગરની 10 તાલુકા પંચાયતમાંથી છ પર કોંગ્રેસનો અને ચાર પર ભાજપનો કબ્જો છે. 
ઘોઘા(કોંગ્રેસ), સિહોર (કોંગ્રેસ), ઉમરાળા(કોંગ્રેસ), વલ્લભીપુર (કોંગ્રેસ), તળાજા (ભાજપ), પાલિતાણા(ભાજપ), જેસર (ભાજપ), ભાવનગર(ભાજપ), ગઢડા(કોંગ્રેસ), બોટાદ(કોંગ્રેસ)

જિલ્લા પંચાયત
ભાવનગર જિલ્લા પંચાયત ભાજપના તો બોટાદ જિલ્લા પંચાયત કોંગ્રેસના કબ્જામાં છે.

નગરપાલિકાઓમાં ભાજપનો દબદબો
સિહોર, તળાજા, પાલિતાણા, ગઢડા અને બોડાદ એમ તમામ નગરપાલિકાઓમાં ભાજપના હાથમાં સત્તા છે. 

સાંસદનું રિપોર્ટકાર્ડ
ભાવનગર બેઠક પરથી વર્તમાનમાં ભાજપના ભારતીબેન શિયાળ સાંસદ છે. સંસદમાં તેમની હાજરી 94 ટકા છે. તેમણે કુલ 179 પ્રશ્ન પુછ્યા છે અને 33 ચર્ચામાં ભાગ લીધો છે. ભાવનગર સંસદીય ક્ષેત્રમાં આવતા ઘણા ગામોમાં તેઓ પાંચ વર્ષમાં એક વખત પણ ગયા નથી. ગ્રાન્ટની ફાળવણીમાં પણ વિસંગતતા જોવા મળે છે. ભાજપના કાર્યકરોમાં પણ કામ ન થતા હોવાને કારણે નારાજગી વધુ છે. 

મતદારોની સંખ્યા 
પુરુષ મતદાર    9,15,799
મહિલા મતદાર    8,41,571
કુલ મતદાર        17,57,409

બેઠકની વિશેષતા
ભાવનગરની લોકસભા બેઠકમાં સૌથી વધુ વસતી કોળી, પાટીદાર અને ક્ષત્રિય સમાજની છે. ભાજપ અને કોંગ્રેસ આ ત્રણ સમાજમાંથી જ ઉમેદવારની પસંદગી કરતા આવ્યા છે. ભાવનગર લોકસબા બેઠક પર 1951થી કોંગ્રેસનો દબદબો હતો અને કોંગ્રેસ તથા અન્ય પક્ષોએ 9 વખત આ બેઠક પર વિજય મેળવ્યો હતો. ભાજપે 1991થી આ બેઠક પર કબ્જો કર્યો છે અને 7 વખત વિજય મેળવ્યો છે. 

અસર કરનારા પરિબળો
પાકના પુરતા ભાવ ન મળતાં ખેડૂતોમાં રોષ, ખેડૂત આંદોલન, પાટીદાર, કરડિયા રાજપુત, આહીર જ્ઞાતિ વગેરેનો રોષ, મોંઘવારી, બેરોજગારી, રોડ-પાણીની સમસ્યા, પડતર પ્રશ્ને સરકારી કર્મચારીઓને અન્યાય. જ્ઞાતિ આધારિત સમિકરણો પણ ઉમેદવારની હાર-જીત નક્કી કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news