ઇ-મેમો મામલે લેવાયો મોટો નિર્ણય, જાણીને લેશો રાહતનો શ્વાસ

પોલીસ દ્વારા અપાતા આડેધડ ઇ-મેમોથી પરેશાન લોકોને સરકારે રાહતના સમાચાર આપ્યા છે. 

Punita Vaidya Punita Vaidya | Updated: Jan 13, 2018, 02:48 PM IST
ઇ-મેમો મામલે લેવાયો મોટો નિર્ણય, જાણીને લેશો રાહતનો શ્વાસ

અમદાવાદ : પોલીસ દ્વારા અપાતા આડેધડ ઇ-મેમોથી પરેશાન લોકોને સરકારે રાહતના સમાચાર આપ્યા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતના ગાંધીનગર, મોરબી તેમજ ભાવનગર જેવા નગરોમાં હાલમાં સીસીટીવી જનરેટેડ ઇ મેમો આપવામાં નહી આવે તેવો સરકારે નિર્ણય લીધો હતો. મળતી માહિતી પ્રમાણે કેટલીક વખત નિયમોનો ભંગ નહીં કરનારને પણ ઇ મેમો મળતા હોવાની ફરિયાદો મુખ્યમંત્રીને મળી હતી. લોકોને પડતી હાલાકી બાદ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ નિર્ણય લીધો હતો. સરકારે જણાવ્યું હતું કે, જ્યાં સુધી આ મહાનગરોમાં સ્માર્ટસિટી પ્રોજેક્ટ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી નહીં ઇ-મેમો ન આપવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આગામી ચાર મહિનામાં આ મહાનગરોમાં સ્માર્ટસિટી પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો ટાર્ગેટ છે

હતી ઘણી ફરિયાદો
આ ઇ-મેમોની સિસ્ટમમાં કેટલી ટેકનીકલ ખામી હોવાના કારણે ખોટા ઇ-મેનોની વ્યાપક ફરિયાદ હતી અને લોકોમાં રોષ હતો. હવે આ પ્રથા બંધ થતા અત્યાર સુધીમાં ઇશ્યુ થયેલા ઈ-મેમોની સમીક્ષા થશે અને લોકોને નાણાં ન ભરવા પડે એવો નિર્ણય લેવાય તેવી સંભાવના છે. આ સંજોગોમાં લાખો નાગરિકોને ઇ-મેમોથી દંડ ફટકારવામાં આવ્યો છે, પણ તે દંડ હવે વસુલાય નહીં તેવી શકયતા છે.

સરકારને પણ હતું નુકસાન 
સીસીટીવી કેમેરા દ્વારા ફોટા પાડીને વાહનચાલકોને તેમના ઘરે ઇ-મેમો મોકલવાની પદ્ધતિમાં સંખ્યાબંધ વાહનચાલકો મેમો ભરતા નથી. જેથી સરકારને દંડની પુરી આવક થતી નથી. આની સામે સરકારને મેમો મોકલવા માટે સ્ટેશનરીનો મોટો ખર્ચ પણ થાય છે. આ સિવાય મોટા શહેરોમાં સ્માર્ટ સિટીની કામગીરી ચાલું હોવાથી સિસ્ટમમાં એરર ઉભી થઇ છે. જેના કારણે નિયમનો ભંગ ન કર્યો હોય તેવા વાહનચાલકોને પણ ઇ-મેમો પહોંચી જાય છે. વાહનચાલકોને રૂબરૂ મેમો રદ કરાવવા જવું પડે છે. આથી વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થાય છે.