એક પિતાની ભૂલના કારણે દિકરો નદીમાં ડૂબ્યો, બચાવવાના બદલે કર્યું આવું કામ

૧૬ જુલાઈના રોજ નિશીથ પટેલ અઢી વરસના નીવને લઇ પોતાની આઈ ટ્વેંટી કાર લઇને બાળ મંદિર જવા નીકળ્યો હતો.

એક પિતાની ભૂલના કારણે દિકરો નદીમાં ડૂબ્યો, બચાવવાના બદલે કર્યું આવું કામ

સુરત: એક પિતાની ભૂલના કારણે પોતાના જીવથી વ્હાલો અને કાળજાના કટકા સમાન અઢી વરસનો દીકરો નદીમાં પડી જાય અને દીકરાને બચાવવાના બદલે બે રીક્ષામાં આવેલા આઠ લોકોએ ચપ્પુ, પિસ્તોલ બતાવી દીકરાનું અપહરણ કરી દીકરાને મીઢોળા નદીમાં ફેકી દીધાની કેફિયત રજુ કરી. પોલીસને ગેર માર્ગે દોડી પોલીસને કામે લગાવી હતી.જોકે પોલીસ તપાસમાં હવે નવો વળાંક આવ્યો છે.

સુરતના પલસાણામાં બાળકના અપહરણનો મામલો પહેલા અઢી વરસના દીકરાનું બે રીક્ષામાં આવેલા લોકોએ ચપ્પુ, પિસ્તોલ બતાવી અપહરણ કર્યાની રજુ કરી કેફિયત પણ પોલીસની અલગ અલગ ટીમની તપાસ બાદ પિતા જ શંકાના ઘેરાવામાં આવ્યો હતો. પોલીસે પિતાની આકરી પૂછપરછ કરી તો નવો વળાંક આવ્યો. મીઢોળા નદીના બ્રીજ પર દીકરાને ઉભો રાખી પાણી બતાવતા વેળાએ બાળક હાથમાં છટકી પડ્યો હતો. મીઢોળા નદીમાં પુત્ર ડૂબી જતાં ઘરે શું જવાબ આપવો તેની ફિકરમાં ૧૦ જ મીનીટમાં કાવતરું રચી નાખ્યું  અને અપહરણની વાત ઉપજાવી કાઢી. જોકે પોલીસે હવે પિતા વિરુધ પોલીસને ગુમરાહ કરવાનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

વાત જાણે એમ છે ૧૬ જુલાઈના રોજ નિશીથ પટેલ અઢી વરસના નીવને લઇ પોતાની આઈ ટ્વેંટી કાર લઇને બાળ મંદિર જવા નીકળ્યો હતો. પરંતુ બાળ મંદિરમાં કોઈ બાળક નહી હોવાથી તેઓ નજીકમાં આવેલ માંકડેસ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા ગયા હતા. જ્યાં તેમને બે રીક્ષામાં આવેલા આઠ જેટલા લોકોએ આતરી ચપ્પુ અને પિસ્તોલ બતાવી તેમના દીકરાનું અપહરણ કરી ગયા અને બારડોલી નજીક તેમના દીકરાને મીઢોળા નદીમાં ફેકી ફરાર થઇ ગયાની કેફિયત રજુ કરી પોલીસને ગુમરાહ કરી હતી.

અઢી વરસના બાળકનું અપહરણનો ગંભીર મામલો હોય પોલીસ પણ તાબડતોડ નાકાબંધી કરી તપાસ શરુ કરી દીધી. અલગ અલગ ટીમો બનાવી જે રૂટ પર બાળકનું અપહરણ કરાયું તેનું રિકન્સ્ટ્રકશન કરાયું. સી.સી.ટીવી ચેક કરાયા તમામ ઝીણવટભરી તપાસ કરાઈ અને અંતે પોલીસને ફરીયાદી પિતાની વાત ગળે ન ઉતરી. પોલીસની આકરી પૂછપરછમાં પૂછપરછમાં ભાંગી પડેલા પિતાએ કબુલાત કરી કે નેશનલ હાઈવે ૫૩ પર મીઢોળા નદીના બ્રીજ પરથી નીવને પાણી બતાવી રહ્યા હતા. તે દરમ્યાન નીવ હાથમાંથી છટકી જતા તે મીઢોળા નદીમાં પડી ગયો હતો.પણ ઘરે શું જવાબ આપવો એ માટે દસ જ મીનીટમાં નિશીથે અપહરણનું નાટક રચી નાખ્યું હતું.

શરૂઆત થી પોલીસને પિતા પર શંકા હતી.પણ સવાલ એ થાય કે ભૂલથી બાળક હાથમાંથી છટકી ગયું તો પિતાએ બુમાબુમ કેમ ના કરી.શા માટે પોતાના કાળજાની શોધખોળ કરવાના બદલે અપહરણ નું નાટક કરી પરિવાર અને પોલીસને ગુમરાહ કર્યા.શું નિશીથ હજી પણ કઈ છુપાવી રહ્યો છે.વાત જે હોય તે પોલીસ ને ગુમરાહ કરી અવળે પાટે દોડાવનાર પિતા સામે પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

ભલે નિશીથ પોતે ગભરાઈ ગયો હતો અને ઘરના સભ્યોને શું જવાબ આપવો તેની ચિંતામાં અપહરણ નું નાટક રચી નાખે પણ આ વાત ગળે ઉતરતી નથી કેમકે પોતાના કાળજાનો કટકો હાથમાંથી છટકી નદીના ધસમસતા પાણીમાં તણાઈ જાય અને પિતા અપહરણ થયાની ફિલ્મ સ્ટોરી ઉભી કરે. પોતાનો અને પોલીસનો સમય બરબાદ કરી ખોટી દિશામાં કેશ લઈ જવો એ પણ કેટલું યોગ્ય છે.

હાલમાં બાળકોના અપહરણ થવાની ઘટનામાં સમગ્ર દેશમાં ઘેરા પર્ત્યાઘાત જોવા મળે છે અને આવા સમયમાં એક પિતા બે રીક્ષા ચાલકો અઢી વરસના બાળકનું અપહરણ કરી તેને મીઢોળા નદીમાં ફેકી દીધાની વાતો કરી ચકચાર જગાવી દીધી હતી. લોકોના ટોળેટોળા નદી કિનારે આવી ગયા હતા પરંતુ હજી પણ નિશીથ કેટલું સાચું બોલે છે એ પણ એક સવાલ છે.કેમકે અઢી વરસના નીવનો મૃતદેહ હજી મળ્યો નથી. ત્યારે પોલીસ હવે પિતા વિરુધ ગુનો નોધી વધુ તપાસ કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news