શોટગને બતાવ્યો પાવર, ચૂંટણી તો પટણા સાહિબથી જ લડશે

રાજકારણમાં પોતાના અનોખા અંદાજ માટે મશહૂર ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ આજે સ્પષ્ટતા કરી નાખી કે તેઓ કોઈ પણ સંજોગોમાં આગામી લોકસભા ચૂંટણીમાં પટણા સાહિબથી જ મેદાનમાં ઉતરશે. 

શોટગને બતાવ્યો પાવર, ચૂંટણી તો પટણા સાહિબથી જ લડશે

લખનઉ: રાજકારણમાં પોતાના અનોખા અંદાજ માટે મશહૂર ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ આજે સ્પષ્ટતા કરી નાખી કે તેઓ કોઈ પણ સંજોગોમાં આગામી લોકસભા ચૂંટણીમાં પટણા સાહિબથી જ મેદાનમાં ઉતરશે. તેમણે કહ્યું કે 'સિચ્યુએશન ભલે ગમે તે હોય, લોકેશન તો તે જ રહેશે.' ફિલ્મોમાં પોતાના રૂઆબદાર અવાજમાં 'ખામોશ' કહીને વાહ વાહ મેળવતા શત્રુઘ્ને પત્ની પૂનમ સિન્હાને ચૂંટણીના મેદાનમાં ઉતારવા અંગે એમ કહીને સસ્પેન્સ ઊભું કર્યું કે સમય આવવા દો, બધુ ખબર પડી જશે. 

રાજકીય ગરમાવા વચ્ચે તાજેતરમાં લખનઉ આવેલા શત્રુઘ્ન સિન્હાએ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે લાંબી વાતચીત કરીને અનેક અટકળોને હવા આપી હતી. જો કે પાર્ટી તરફથી આ મુલાકાતને એક શિષ્ટાચાર મુલાકાત ગણાવવામાં આવી હતી અને શત્રુઘ્ન સિન્હાએ પણ આ મુદ્દે મીડિયા સાથે કોઈ વાત કરી નહતી. 

આ મુલાકાત બાદ એવું કહેવામાં આવી રહ્યું હતું કે કદાચ શત્રુધ્ન સિન્હાના પત્ની પૂનમ સિન્હા સપા  બસપા ગઠબંધનમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર બની શકે છે. સિન્હાએ પોતાના રાંચી પ્રવાસ દરમિયાન પીટીઆઈ સાથે ટેલિફોન પર વાત કરી હતી. પૂનમ સિન્હાને ચૂંટણીના મેદાનમાં ઉતારવા અંગે  પૂછવામાં આવતા તેમણે કહ્યું કે પૂનમ ઘણા દિવસોથી સામાજિક કાર્યોમાં વ્યસ્ત છે. લોકો ઈચ્છે પણ છે કે તે ચૂંટણી લડે. પરંતુ હું તેમના ચૂંટણી લડવા અંગે ન તો ના પાડું છુ, ન હા પાડું છું. 

તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે પૂનમને સપા બસપા ગઠબંધનમાં સમાજવાદી પાર્ટી તરફથી ટિકિટની કોઈ રજુઆત થઈ છે તો તેમણે કહ્યું કે સમય આવવા દો બધુ સ્પષ્ટ થઈ જશે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ પોતાની હાલની લોકસભા બેઠક પટણા સાહિબથી જ ચૂંટણી લડશે તો તેમણે પોતાના ખાસ અંદાજમાં કહ્યું કે સિચ્યુએશન ગમે તે હોય પણ  લોકેશન એ જ રહેશે. 

અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક સમયથી શત્રુધ્ન સિન્હા અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે બધુ બરાબર નથી. તેઓ છાશવારે પોતાનો અસંતોષ જાહેર પણ કરતા રહે છે. એવા પણ અહેવાલો આવ્યાં હતાં કે શત્રુધ્ન સિન્હાના તેવર જોતા ભાજપ કદાચ આ વખતે તેમને પોતાનો ઉમેદવાર ન પણ બનાવે. 

આવામાં 26 ફેબ્રુઆરીએ શત્રુધ્ન સિન્હાએ લખનઉ આવીને સમાજવાદી પાર્ટીના હેડક્વાર્ટર જઈ અખિલેશ યાદવ સાથે મુલાકત કરી તેનાથી રાજકીય ગરમાવો વધી ગયો હતો. જે રીતે તેઓ સમાજવાદી પાર્ટી અને અખિલેશના વખાણ કરે છે તેનાથી અનેક અર્થો નીકળી રહ્યાં છે. હાલમાં જ તેમણે અખિલેશને સંસ્કારી ગણાવ્યાં હતાં. અને કહ્યું હતું કે હું મુલાયમજીનું ખુબ સન્માન કરું છું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news