Organic Farming : આજકાલ દરેક પાકમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવતો હોય છે. આ તત્વો શાકભાજી તથા ફળોમાં પણ ભળી જતા હોય છે. તેથી રાજ્યના કૃષિ વિભાગ દ્વારા લોકોને ખાસ સૂચના આપવામાં આવી છે. શાકભાજીને સ્વચ્છ પાણીમાં ધોયા વગર ન વાપરવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને પણ કેટલીક સલાહ આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અવશેષોને નિવારવા માટે જાહેર કરાયેલા નિયંત્રણના પગલામાં જણાવ્યા પ્રમાણે જંતુનાશકો કે જેની વિઘટનની પ્રક્રિયા ધીમી હોય, લાંબા સમય સુધી વાતાવરણમાં જળવાઈ રહેતા હોય અથવા ચરબીમાં દ્રાવ્ય હોય અને જૈવિક વિસ્તૃતીકરણની પ્રક્રિયાથી શરીરમાં જમા થાય છે. તેના ઉપયોગ પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. પાકસંરક્ષણ રસાયણોની નોંધણી માટેની સંસ્થા અથવા કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેતીપાકો/શાકભાજી/ફળપાકો/મસાલા પાકોમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ કે જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવાયું છે.


અમદાવાદની હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં કરોડોનો ભ્રષ્ટાચાર, કોણ ચાઉં કરી ગયું 15 કરોડ


શાકભાજીને ઉપયોગમાં લેતાં પહેલાં સ્વચ્છ પાણીથી અચૂક ધોવા જોઈએ, કારણ કે શાકભાજીને સ્વચ્છ પાણીથી ધોવાથી તેમાં રહેલા જંતુનાશકોના અવશેષો ઓછા થાય છે. જ્યારે શાકભાજી, ફળ-ફળાદી અને અનાજ વગેરેમાં જંતુનાશક રસાયણોની મહત્તમ અવશેષ માત્રા (એમ.આર.એલ) કેટલી હોવી જોઈએ તે ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇજેશન અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન દ્વારા નક્કી કરવામાં આવી છે. અવશેષોની માત્રા એમ.આર.એલ. કરતા વધુ હોય તો તે નુકસાનકારક સાબિત થાય છે. વિવિધ ખેત પેદાશોમાં જુદા-જુદા જંતુનાશકના છંટકાવ કરી છંટકાવ અને ઉતાર વચ્ચેનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે.


શક્ય હોય તો એમામેક્ટિન બન્ઝોએટ, સ્પિનોસાડ, ઈન્ડોક્ઝાકાર્બ અને નોવાલ્યૂરોન જેવી ઝડપથી વિઘટન પામતા કૃષિ રસાયણોનો ઉપયોગ કરવો જોઈએ. સંકલિત જીવાત વ્યવસ્થાપનનો ઉપયોગ કરવાથી જંતુનાશકોનો વપરાશ ઘટશે જેથી જંતુનાશકોના અવશેષોને હળવા કરી શકાય છે. આ ઉપરાંત ઘરમાં મચ્છર, માખી, વંદા, ઊંધઈ, ઉંદર વગેરેના નિયંત્રણ માટે જંતુનાશકો વાપરતી વેળા યોગ્ય કાળજી લેવામાં નહિ આવે તો જંતુનાશકો અનાજ, પાણી, લોટ વગેરેમાં ભળી જાય છે, અને તેના અવશેષો આપણા શરીરમાં પ્રવેશે છે, જેના કારણે વિવિધ પ્રકારના રોગ થાય છે. 


મૃત પિતા 18 વર્ષ બાદ Facebook પર જીવતા મળ્યા, બીજી યુવતી સાથે સંસાર માંડ્યો


આવી જીવાતોનું નિયંત્રણ કરતી વખતે જંતુનાશકો છાંટ્યા પહેલાં પાણીના વાસણો, અનાજના પીપ, અનાજની ગુણો વગેરે કાપડ અથવા પ્લાસ્ટિકથી ઢાંકી દેવા જોઈએ. મકાનમાં ઊધઈ નિયંત્રણ માટે નિયોનીકોટીનોઈડ જૂથની ઈમીડાકલોપ્રીડ કીટકનાશક અસરકારક અને દૂર્ગંધ વગરની છે, જેનો ઉપયોગ કરી શકાય.


વધુમાં જણાવ્યાનુસાર, અનાજમાં ભેજ હોય તો તેને સૂર્ય પ્રકાશમાં સૂકવ્યા પછી જ તેનો ઉપયોગ કરવો અને અનાજના સંગ્રહ માટે હવાચૂસ્ત પીપનો ઉપયોગ કરવો, જેથી કીટકો તેમાં પ્રવેશી શકે નહિ. ઘઉં જેવા અનાજને દિવેલનો પટ આપીને સંગ્રહ કરવાથી કીટકોનો ઉપદ્રવ ઘટાડી શકાય છે. જ્યારે, બાજરી જેવા અનાજમાં રાખ અથવા લીમડાના પાન ભેળવવાથી કીટકોનો ઉપદ્રવ ઘટે છે. આ બધી કાળજી રાખવા છતાં જો કીટકો પડે તો ધૂમકરનો ઉપયોગ કરી શકાય છે.


ખેતરમાં શાકભાજીના પાકની વીણી કર્યા પછી જંતુનાશકોનો છંટકાવ કરવો તથા ફળ પાકતી અવસ્થાએ જંતુનાશકોનો વપરાશ ટાળવાથી જંતુનાશકોના અવશેષોથી ખતરો ઓછો થઇ શકે છે. એક જ જંતુનાશક દવાનો વારંવાર ઉપયોગ કરવાનો ટાળીને તેની જગ્યાએ જુદા-જુદા જંતુનાશકોનો ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત એક જ જૂથના જંતુનાશકોનો ત્રણથી વધારે છંટકાવ કરવો જોઇએ નહિ, તેમ વધુમાં ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.     


હચમચાવી દેતી ઘટના, પરિવાર એક નહિ થવા દેના ડરથી પ્રેમીપંખીડાનો પોલીસ સ્ટેશનમાં આપઘાત