આણંદઃ કોરોના વાઇરસ (કોવિડ-19)ની રસી વિકસાવવા માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ (એનડીડીબી)ની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની હૈદરાબાદ સ્થિત ઇન્ડિયન ઇમ્યુનોલોજિકલ્સ લિમિટેડ (આઇઆઇએલ) ઓસ્ટ્રેલિયાની ગ્રિફિથ યુનિવર્સિટી સાથે સહયોગ સાધશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગે એનડીડીબી અને આઇઆઇએલના ચેરમેન દિલીપ રથે જણાવ્યું હતું કે, ‘આ અત્યંત મહત્ત્વપૂર્ણ આંતર-ખંડીય સહયોગમાં આઇઆઇએલ અને ગ્રિફિથ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અત્યાધુનિક કોડોન ડી-ઑપ્ટિમાઇઝેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ‘લાઇવ એટેન્યુએટેડ સાર્સ - સીઓવી-2 વેક્સિન’ અથવા તો કોવિડ-19ની રસીને સંયુક્તપણે વિકસાવશે. આ ટેકનોલોજી ઉન્નત સલામતી પ્રોફાઇલની સાથે મનુષ્યોમાં કોરોનાવાઇરસ વિરુદ્ધ રસીકરણના રોગનિરોધી, સક્રિય, સિંગલ ડૉઝ માટેની રસી વિકસાવવા આશાસ્પદ જણાઈ રહી છે. આ રસી લાંબાગાળાની સુરક્ષા પૂરી પાડશે તેવી અપેક્ષા છે.’


આ સંશોધન પૂર્ણ થવા પર આ રસીના સ્ટ્રેઇનને આઇઆઇએલમાં લાવવામાં આવશે અને આગળ ઉપર તબીબી પરીક્ષણો હાથ ધરવા માટે આ રસીના નિર્માતાઓ દેશના નિયામક - સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ) અનુસાર કામ કરશે, જે કામગીરીને તબક્કાવાર રીતે હાથ ધરવામાં આવશે. 


દિલીપ રથે જણાવ્યું હતું કે, આઇઆઇએલ એ પશુચિકિત્સા જીવવિજ્ઞાનમાં એક અગ્રણી સંસ્થા છે અને તે જાહેર સ્વાસ્થ્યની ગંભીર આવશ્યકતાઓને સંતોષવા માટે પ્રતિબદ્ધ છે. આઇઆઇએલનું મિશન વન હેલ્થની પહેલને સહાયરૂપ થનારી રસીને વિકસાવવાનું અને તેનો પુરવઠો પૂરો પાડવાનું છે. આઇઆઇએલ પરવડે તેવી ઉચ્ચ-ગુણવત્તાયુક્ત રસીઓને વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે. આઇઆઇએલ એ સમગ્ર વિશ્વમાં ફૂટ એન્ડ માઉથ ડીસીઝ માટેની રસીના સૌથી મોટા ઉત્પાદનકર્તા છે અને તે પ્યુરીફાઇડ વીરો સેલ રેબિઝ વેક્સિન ફૉર હ્યુમન્સ (પીવીઆરવી)ને લૉન્ચ કરનારી ભારતની પ્રથમ કંપની હતી.


ઓસ્ટ્રેલિયાની ગ્રિફિથ યુનિવર્સિટીની હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ ક્વીન્સલેન્ડના પ્રોફેસર સુરેશ મહાલિંગમ મેન્ઝિસએ આ સંશોધન સહયોગ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, ‘અમે આ મહત્ત્વપૂર્ણ રસીને વિકસાવવા માટે આઇઆઇએલ સાથે નિકટતાપૂર્વક કામ કરવા માટે ખૂબ જ રોમાંચિત છીએ. આ રસી લાઇવ એટેન્યુએટેડ વેક્સીન હોવાથી તે આ વાઇરસની સામે ખૂબ જ ક્ષમતાવાન કોષીય અને એન્ટીબૉડી રોગપ્રતિકારક પ્રતિક્રિયા પૂરી પાડી ખૂબ જ અસરકારક સાબિત થશે તેવી અપેક્ષા છે. લાઇવ-એટેન્યુએટેડ વેક્સીનના બીજા લાભ એ છે કે, તે પરવડે તે રીતે મોટા પાયે ઉત્પાદન કરવામાં સાબિત થયેલો ટ્રેક રેકોર્ડ ધરાવે છે અને નિયમનકારી મંજૂરીઓ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ પ્રચલિત છે.’


ઝિકા વાઇરસની રસી પર સંશોધન અને વિકાસ હાથ ધરવા માટે આઇઆઇએલ પહેલેથી જ ગ્રિફિથ યુનિવર્સિટી સાથે કામ કરી રહ્યું છે, જે હાલમાં પ્રી-ક્લિનિકલ ટોક્સિકોલોજી ટેસ્ટિંગના તબક્કામાં છે. એન્ટરોવાઇરસ સી (પોલિયોવાઇરસ), હ્યુમન ઇમ્યુનોડેફિશિયેન્સી વાઇરસ ટાઇપ 1, ઝિકા વાઇરસ વગેરે સહિત કેટલાક આરએનએ વાઇરસના વાઇરલેન્સને ઘટાડવા માટે કોડોન ડી-ઑપ્ટિમાઇઝેશન ટેકનોલોજીને સફળતાપૂર્વક કામે લગાડવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર