ભારતના દિગ્ગજ બિઝનેસમેન અને ટાટા ગ્રુપના પૂર્વ અધ્યક્ષ રતન ટાટાએ આ દુનિયાને અલવિદા કરી દીધી છે. રતન ટાટા કેટલાક દિવસથી બીમાર હતા. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે 86 વર્ષની વયે છેલ્લા શ્વાસ લીધા. તેમના નિધનથી ફક્ત ભારતીય ઉદ્યોગ જ નહીં પરંતુ સમગ્ર દેશ આઘાતમાં સરી પડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

28 ડિસેમ્બર 1937ના રોજ જન્મ
રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ થયો થયો હતો. તેમણે પોતાનું શરૂઆતનું શિક્ષણ મુંબઈમાં અને ઉચ્ચ શિક્ષણ અમેરિકાના આર્સ્ટિન વિશ્વવિદ્યાલયથી લીધુ. 1962માં ટાટા ગ્રુપમાં સામેલ થયા બાદ તેમણે અનેક મહત્વપૂર્ણ પદો પર કામ કર્યું અને છેલ્લે 1991માં ટાટા ગ્રુપના ચેરમેન બન્યા. ટાટા ગ્રુપના ચેરમેન હતા ત્યારે તેમણે અનેક નવી કંપનીઓ સ્થાપી. જેમાં ટાટા નેનો, ટાટા મોટર્સ, અને ટાટા સ્ટીલ સામેલ છે. 


અનેક દેશોમાં ટાટા ગ્રુપનો દબદબો
તેમની વ્યવસાયિક દ્રષ્ટિ અને નૈતિકતાએ તેમને ભારતમાં એક આદર્શ નેતા બનાવી દીધા. તેમણે પોતાના કાર્યકાળમાં ટાટા ગ્રુપની ઉપસ્થિતિને અનેક દેશોમાં ફેલાવી અને વિવિધ ક્ષેત્રોમાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું. આજની તારીખમાં ટાટા ગ્રુપ આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. ટાટા ગ્રુપે લાખો પરિવારોને રોજગારી આપી છે. આ તમામ પરિવારો માટે રતન ટાટા ભગવાનથી કમ નહતા.



રતન ટાટાનું નિધન એક વ્યક્તિગત ક્ષતિ ઉપરાંત ભારતીય ઉદ્યોગ માટે એક ન પૂરાય એવી ખોટ છે. તેમના યોગદાન અને નેતૃત્વ માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સમગ્ર દેશ ઊંડી સંવેદના વ્યક્ત કરી રહ્યો છે. રતન ટાટાનો વ્યવસાયિક દ્રષ્ટિકોણ હંમેશા સમાજ પ્રત્યે જવાબદારી અને નૈતિકતા પર કેન્દ્રીત રહ્યો. તેમણે પોતાના ઉદ્યોગને ફક્ત લાભ માટે જ નહીં પરંતુ સમાજના વિકાસ માટે પણ સંચાલિત કર્યો. તેમના કાર્યોએ ટાટા ગ્રુપને જ નહીં પરંતુ ભારતીય ઉદ્યોગ જગતને પણ એક નવી દિશા આપી. તેમણે CSR (Corporate Social Responsibility) ઉપર પણ ભાર મૂક્યો, જેમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને ગ્રામીણ વિકાસ જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું. 


તેમનો વારસો
રતન ટાટાનું યોગદાન ફક્ત ઉદ્યોગ પૂરતું સીમીત નહતું, તેઓ એક પરોપકારી વ્યક્તિ પણ હતા. તેમણે પોતાની સંપત્તિનો એક મોટો હિસ્સો ચેરેટીમાં દાન કર્યો છે. તેમણે ટાટા ટ્રસ્ટના માધ્યમથી અનેક સામાજિક કાર્યો કર્યા, જેમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને ગ્રામીણ વિકાસ સામેલ છે. તેમની વિદાયે એક યુગનો અંત કર્યો છે. તેઓ એક સફળ ઉદ્યોગપતિની સાથે સાથે એક પ્રેરણા સ્ત્રોત પણ હતા. તેમના નેતૃત્વમાં ટાટા ગ્રુપે અનેક પડકારજનક સમયનો સામનો કર્યો અને તેને એક નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું. 




દેશમાં શોકની લહેર
રતન ટાટાના નિધન પર દેશભરમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. ઉદ્યોગ જગતથી લઈને રાજકીય વર્તુળો...દરેક તેમના યોગદાન અને નેતૃત્વને બિરદાવી રહ્યા છે. અનેક પ્રમુખ હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે અને તેમના જીવનને એક પ્રેરણાદાયક ઉદાહરણ માન્યું છે. તેમની યાદો અને મૂલ્ય હંમેશા સાથે રહેશે. રતન ટાટાનો વારસો હંમેશા ટાટા ગ્રુપ અને ભારતીય ઉદ્યોગમાં જીવિત રહેશે.