પોસ્ટમેન હવે ટપાલ સાથે લાવશે ઘણુંબધું, લેવાઈ ગયો છે મોટો નિર્ણય
1 સપ્ટેમ્બરથી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકની શરૂઆત થઈ ગઈ છે
નવી દિલ્હી : 01 સપ્ટેમ્બરથી શરૂ થયેલ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (IPPB) હવે વીમાના ક્ષેત્રમાં પગલું મુકી દીધું છે. આ સુવિધા ઉપલબ્ધ કરાવવા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે બજાજ એલાયન્સ લાઇફ ઇન્શ્યોરન્સ સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે. આ સંજોગોમાં તમારો પોસ્ટમેન બહુ જલ્દી તમને બેંકિંગ સેવા સાથે ઇન્શ્યોરન્સ પણ પુરો પાડશે.
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક અને બજા એલાયન્સ લાઇફ ઇન્શ્યોરન્સ વચ્ચે થયેલા કરાર પ્રમાણે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક વીમા કંપની બજાજ એલાયન્સ લાઇફ ઇન્શ્યોરન્સ માટે કોર્પોરેટ એજન્ટ તરીકે કામ કરશે. નિયમ પ્રમાણે બેંક માત્ર ત્રણ પ્રકારના વીમા જ વેંચી શકશે જેમાં લાઇફ ઇન્શ્યોરન્સ, નોન લાઇફ ઇન્શ્યોરન્સ અને હેલ્થ ઇન્શ્યોરન્સ શામેલ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નવી દિલ્હીના તલકટોરા સ્ટેડિયમમાં ઉદઘાટનની સાથે જ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)ની સેવાઓ ઓફિશ્યલ રીતે શરૂ થઇ ગઇ છે. માનવામાં આવી રહ્યુ છે કે આ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં બેન્કિંગ સુવિધાઓ સરળતાથી મળશે. IPPBની શરૂઆત દેશભરમાં તેની 650 શાખાઓ અને 3250 પોસ્ટ ઓફિસના સેવા કેન્દ્રની સાથે કરવામાં આવશે. વર્ષના અંત સુધીમાં દેશના 1.55 લાખ પોસ્ટ ઓફિસમાં આ સેવા શરૂ કરવામાં આવશે. IPPB દેશમાં સંભવત: પહેલી બેંક હશે જે આટલી મોટી સ્કેલમાં લોકોને ઘરે જ બેંકિંગ (ડોર સ્ટેપ બેંકિંગ)ની સુવિધા આપશે. IPPBના 3 લાખ Mail server pos machines દ્વારા આ સુવિધા આપશે.