માત્ર 7 લાખ રૂ.માં NCRમાં ફ્લેટ!
ફ્લેટ ખરીદવા માગતા લોકો માટે આ એકદમ યોગ્ય સમય છે
નવી દિલ્હી : મોંઘવારીના આ સમયમાં પોતાનું ઘર શોધી રહેલા લોકો માટે એક સારી તક આવી છે. હવે માત્ર 5-7 લાખ રૂપિયામાં સારામાં સારો ફ્લેટ તમે ખરીદી શકશો. દેશના અનેક શહેરોમાં આવી તક ઉભી થઈ રહી છે. ફ્લેટ ખરીદવા માગતા લોકો માટે આ એકદમ યોગ્ય સમય છે. આ ડિલમાં કોઈ ગરબડ થવાની શક્યતા બહુ ઓછી છે કારણ કે સરકારની આ સ્કીમ પર નજર છે.
એક ફ્લેટની કિંમત 5થી 7 લાખ રૂ. હોવાની વાત સાંભળીને આશ્ચર્ય થાય છે. જો તમારે આ રેટમાં ફ્લેટ લેવો હોય તો દિલ્હીના આસપાસના શહેરો એટલે કે એનસીઆરના ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ, ગ્રેટર નોઇડા, સોનીપત, રાજસ્થાનના અલવર, બહાદુરગઢ તેમજ મેરઠ જેવા શહેરોમાં આવી ઓફર છે.
સસ્તા ફ્લેટ ઓફર કરનારા બિલ્ડર કોઈ નાના-મોટા બિલ્ડર નથી પણ જાણીતા બિલ્ડર્સ છે. રાહેજાથી માંડીને ગોદરેજના પ્રોજેક્ટમાં તમે પોતાના નામે ફ્લેટ કરી શકો છો. ગ્રેટર નોઇડાના સેક્ટર એમયુ 2માં બીએચએસ 16 સ્કીમ અંતર્ગત 7 લાખ રૂ.માં ફ્લેટ મળી શકે છે. હકીકતમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર લગભગ દરેક મોટા શહેરમાં અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ બનાવી રહી છે જેનો હેતુ લોકોને સસ્તામાં ઘર પુરા પાડવાનો છે. આ સ્કીમ અંતર્ગત સરકાર એ બિલ્ડર્સને ઇન્સેન્ટિવ આપે છે જે સસ્તા ઘર બનાવે છે. આ ફ્લેટ માટે 1.5 લાખ રૂ. સુધીની ગ્રાન્ટ આપવામાં આવે છે.
જો તમે આ સ્કીમ હેઠળ ફ્લેટ લેવા ઇચ્છતા હો તો તમારી વાર્ષિક આવક 3 લાખ રૂ. હોવી જોઈએ. આ માટે તમારે ઇન્કમ પ્રુફ અને એફિડેવિટ આપવી પડશે. જો આ નિયમ પાળશો તો જ સ્કીમ અંતર્ગત બની રહેલા ફ્લેટ માટે અરજી કરી શકશો. જોકે કેટલાક રાજ્યોમાં બિલ્ડર્સને અધિકાર આપવામાં આવ્યા છે કે એક સીમા પછી ઇડબલ્યુએસ વર્ગ સિવાય સામાન્ય વર્ગને પણ ફ્લેટ વેચી શકાશે.