રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો, 15 દિવસમાં ફરીથી વધ્યા ભાવ
ગેસ સિલિન્ડરના ભાવમાં 15 જ દિવસમાં આ બીજીવાર વધારો થયો છે. આ ઉપરાંત 19 કિલોગ્રામવાળા કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 36 રૂપિયાનો વધારો થયો છે.
નવી દિલ્હી: ઓઈલ કંપનીઓએ એકવાર ફરીથી એલપીજી (LPG Price Hike) સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. બે અઠવાડિયાની અંદર કંપનીઓએ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો વધારો કરી નાખ્યો છે. જેનાથી સામાન્ય માણસો માટે રસોડામાં ખાવાનું બનાવવું મોંઘી પડી રહ્યું છે અને ઘરેલુ બજેટ ઉપર પણ તેની અસર પડશે. જો કે હાલ 8 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર ન થવાના કારણે લોકોને રાહત મળી છે.
મંગળવારે આટલા વધ્યા ભાવ
ઓઈલ કંપનીઓએ મંગળવારે રાંધણ ગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. 15 દિવસમાં આ બીજીવાર ભાવ વધ્યો છે. હવે ડિસેમ્બરમાં આજથી જે લોકો ગેસ બુક કરાવશે તેમણે 100 રૂપિયા વધુ આપવા પડશે. આ અગાઉ 3 ડિસેમ્બરના રોજ 50 રૂપિયાનો વધારો થયો હતો. આ વધારો સબસિડી વગરના 14.2 કિલોના ઘરેલુ અને 19 કિલોના કમર્શિયલ સિલિન્ડર પર થયો છે.
આટલો થયો સબસિડી વગરના ગેસનો ભાવ
આ વધારા બાદ દિલ્હીમાં સબસિડી વગરના 14.2 કિલો એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ વધીને 694 રૂપિયા થયો છે. પહેલા તેનો ભાવ 644 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતો. ગેસ સિલિન્ડરના ભાવમાં 15 જ દિવસમાં આ બીજીવાર વધારો થયો છે. આ ઉપરાંત 19 કિલોગ્રામવાળા કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 36 રૂપિયાનો વધારો થયો છે. નવા ભાવ આજથી જ લાગુ થઈ ગયા. આ અગાઉ ઓઈલ કંપનીઓએ 3 ડિસેમ્બરના રોજ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો. આ બાજુ કોલકાતામાં આ સિલિન્ડરના નવા ભાવ 720.50 રૂપિયા, મુંબઈમાં 694 રૂપિયા અને ચેન્નાઈમાં 710 રૂપિયા થયો છે.
19 કિલોના સિલિન્ડરનો નવો ભાવ
19 કિલોગ્રામના કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છે. કમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 36 રૂપિયાનો વધારો થયો છે. દેશની રાજધાની દિલ્હીમાં આ સિલિન્ડરના રેટ 1332, કોલકાતામાં 19 કિલો ગ્રેસ સિલિન્ડરનો ભાવ વધીને 1387.50 રૂપિયા, મુંબઈમાં 1280 રૂપિયા અને ચેન્નાઈમાં 1446.50 રૂપિયા થયો છે.
અત્યંત ચોંકાવનારો કિસ્સો... આ જાણીને જાનમાં મિત્રોને બોલાવતા પહેલા 1000 વાર વિચારશો
પહેલા આ હતો ભાવ
3 ડિસેમ્બરના રોજ 14.2 કિલોગ્રામવાળા સબસિડી વગરના સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં 644 રૂપિયા થયો હતો. જે પહેલા 594 રૂપિયા હતો. કોલકાતામાં પણ રેટ વધીને 670.50 રૂપિયા થયો જે પહેલા 620.50 રૂપિયા હતો. મુંબઈમાં આ સબસિડી વગરના સિલિન્ડરનો ભાવ 594 રૂપિયાથી વધીને 644 રૂપિયા થયો. ચેન્નાઈમાં સબસિડી વગરના એલપીજી સિલિન્ડરનો ભાવ 610 રૂપિયાથી વધીને 660 રૂપિયા થયો હતો. કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ 56 રૂપિયાનો વધારો કરાયો હતો.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube